વર્ષા વાદળી વેદનાની, થઈ સરિતા સંવેદનાની

1832

એક નાનું ગામ હતું. ગામની બરોબર મધ્યમાં એક બ્રાહ્મણનું ઘર આવેલું હતું. આ બ્રાહ્મણ અને તેની પત્ની પોતાના ત્રણ બાળકો સાથે જેમ-તેમ જીવન ગુજારો ચલાવતાં હતાં. કોઈવાર ખાવાનાં સાંસા પડી જાય! છેલ્લા ત્રણ દિવસથી બ્રાહ્મણની પત્નીએ-ઘરમાં ખાવાનું કશું નહીં હોવાના કારણે -ચૂલો પ્રગટાવ્યો જ ન હતો. બ્રાહ્મણ રોજની જેમ ભિક્ષાવૃતિ માટે સવારના નીકળી જાય છે. થોડું ખાવાનું-ઘઉંનો લોટ અને બીજું થોડું ઘણું પણ મળે છે. ઘરે પહોંચતા બ્રાહ્મણ આ બધુ તેની પત્નીના હાથમાં મૂકે છે. તેની પત્ની ઝડપભેર રસોઈ બનાવવાના કામે લાગી જાય છે. રસોઈ તૈયાર થતાં પોતાના પતિદેવ અને બાળકોને ભોજન પીરસે છે. હવે પોતાને માટે એક થાળી જમવા માટે બચે છે. અચાનક કોઈ સાધુ દરવાજા પર ટકોરા મારે છે. દરવાજો ખોલતા જ સાધુ બોલી ઊઠે છે : “મૈયા પાંચ દીનોસે કુછ ખાયા નહિ, કુછ મિલે તો ખિલાઓ.” બ્રાહ્મણી વિચારે છે- મેં તો ત્રણ દિવસથી અનાજ ખાધું નથી પરંતુ સાધુ પાંચ દિવસથી ભૂખ્યા છે ! માટે મારે આ થાળી સાધુને જ પીરસી દેવી જોઈએ. બ્રાહ્મણી તેમ કરે છે. આવું બીજા બે-ત્રણ દિવસ સુધી ચાલે છે. રોજ જુદા-જુદા વેશમાં સાધુ ઘરે પધારે છે અને આ રીતે ખાવાની માગણી બ્રાહ્મણી સમક્ષ કરતા રહે છે. બ્રાહ્મણી પોતાનો ધર્મ ચૂકતી નથી. તેમના આ વ્યવહારથી સાધુ ખુશ થાય છે અને પોતે બ્રાહ્મણીની પરીક્ષા માટે આમ કરી રહ્યા હતા તેનો, સ્વીકાર કરે છે. તે આશીર્વાદ આપે છે. “કે મારી ભૂખની તે વેદના અનુભવી મને જે ભોજન આપ્યું છે તે જ તારા ઘરમાં સંવેદનાનો સાગર બનીને આવશે. થોડા સમય બાદ તે વિસ્તારના રાજાનું અચાનક મૃત્યુ થાય છે. રાજા નિવઁશ હોવાથી ગાદી સોંપવા માટે પ્રધાને નગરમાં જે પહેલો પગ મૂકે તેને રાજગાદી સોંપવાનું-રાજાની ઈચ્છા હોવાનું જાહેર કર્યું. વહેલી સવારના ભિક્ષાવૃત્તિના હેતુથી પેલો બ્રાહ્મણ નગરમાં પગ મૂકે છે. તે જોઇ પ્રધાન તેનું સ્વાગત કરે છે. તેને હાથીની અંબાડી પર બેસાડી વાજતે-ગાજતે રાજમહેલમાં લાવવામાં આવે છે. મુહૂર્ત વગેરે કઢાવી તેને રાજગાદી પર બેસાડવામાં આવે છે. આ છે વેદનાની જીત! વેદના ભલે વ્યક્તિ પોતે અનુભવે પરંતુ એ જ વેદનાનો અનુભવ જ્યારે અન્ય વ્યક્તિને થાય છે ત્યારે તે ‘સંવેદના’ બની જાય છે.
ભાવનગરના મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા વિમલ કટલેરી સ્ટોરમા બે અંધજનો પોતાની જીવનજરૂરી ચીજવસ્તુની ખરીદી માટે આજથી લગભગ ૪૩ વર્ષ પહેલા, તે સ્ટોર પર જાય છે. બંને અંધ વ્યક્તિઓને આવેલા જોઈને વેપારી સંવેદનશીલ બને છે. કેટલાક પ્રશ્નો પણ પૂછે છે. અંધજનો આ બધા પ્રશ્નોના જવાબ જેમ-જેમ આપતા જાય છે તેમ તેમ વેપારીની જિજ્ઞાસાવૃત્તિ વધતી જાય છે. હવે વેપારીના દિલમાં સંવેદનાનો સાગર હિલોળે ચડે છે. તે અંધજનોને પૂછી જ નાખે છે : “હું તમારી શાળામાં આવી શકું?” અંધજનો બોલી ઊઠે છેઃ ‘હા, હા, અમને બહુ ગમશે, તમે ક્યારે આવશો?’ વેપારી કહે : ‘રવિવારની રજામાં.’
આ વેપારી એટલે વિનોદરાય હરિલાલ શાહ કે જેમણે મૃત્યુપર્યંત ૩૩ વર્ષ સુધી શાળાનું પાણી પણ પીધા વગર અવિરત પ્રત્યેક રવિવારે શાળાની મુલાકાત લઈ અંધજનોને ન્યૂઝપેપરનું વાંચન, વિવિધ ચીજ વસ્તુઓની ઓળખ, બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા નાની મોટી સ્પર્ધાઓનું આયોજન, પ્રવાસ-પર્યટન, ચલણી નાણાની ઓળખ, અનાજ અને કઠોળની ઓળખ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવી તાલીમ પામેલા શિક્ષકો જે કામ ન કરી શકે તેવું અમૂલ્ય કાર્ય કોઈપણ પ્રકારના વેતન વગર એક પણ રવિવારની રજા પાડ્યા વિના અવિરત ત્રણ-સાડા ત્રણ દાયકા સુધી આ કાર્ય કરી પોતાની સાચી સંવેદનાનાં પ્રજ્ઞાચક્ષુઓને દર્શન કરાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વિનોદરાય હરિલાલ શાહનું ૦૫ ઓગસ્ટ, ૨૦૦૮ ના રોજ જ્યારે દુઃખદ અવસાન થયું ત્યારે સેંકડો અંધજનોએ ખરા વાત્સલ્યનું સાનિધ્ય ગુમાવ્યું. એકત્રિત થયેલા અંધજનોએ આ વીરપુરુષનું નામ કાયમને માટે જીવંત રહે તે માટે “વિનુભાઈ શાહ સ્મૃતિ સમિતિ” ની રચના કરી, માતબર રકમ એકત્રિત કરી તેમના નામે સંસ્થામાં કાયમી પારિતોષિક યોજના અમલમાં મૂકી. પ્રત્યેક પુણ્યતિથિની યાદગાર ઉજવણી માટે પ્રતિવર્ષ પાંચમી ઓગસ્ટના રોજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ભંડોળમાંથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. વેદના અને સંવેદનાનો આ જ સાચો સંવાદ છે. તેમના ભગિની ભાનુબેન હરિભાઈ શાહ પ્રત્યેક પુણ્યતિથિએ ઉપસ્થિત રહી બાળકોને વિનુભાઈ શાહની જેમ જ હૂંફ પૂરી પાડે છે. શ્રી વિનુભાઈના પુત્ર વિશાલભાઈ શાહ વિનુભાઈના પગલે રવિવારની રજામાં પોતાના પિતાની જેમ જ સેવાનો નવો ચીલો ચાતરી રહ્યા છે. વિશાલભાઈના ધર્મપત્ની સિદ્ધિબેન અને નાનકડી દીકરી હાર્દિ તેમને આ સેવાકીય કાર્યમાં હૂંફ આપી રહ્યા છે. સમાજમાં જ્યારે આ રીતે સંવેદનાની સરિતા વહેતી થશે ત્યારે જ સમાજનો સેતુ સધાશે.
કાવ્ય પંક્તિમાં કહી શકાયઃ
વર્ષી વાદળી વેદનાની, થઈ સરિતા સંવેદનાની,
મહેકી રહ્યો છે બાગ માનવતાનો, મુર્જાય નહીં એ છોડ પારિજાતનો.
મારું તારું કરતાં મરી જવાના, મુલક થશે મસાણ,
વાત વસમી ભલે હોય, કાશ, વ્યાકુળ થઈ જવાય,
અન્યના આંસુ લૂછી, જીવન જીવી જવાય.

Previous articleમેરિકોમ સહિત કોમનવેલ્થના ૧૦ ગોલ્ડ મેડલિસ્ટ એશિયાડમાં નહીં રમે, ૨૦ પદક વિજેતા બહાર
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે