ઇસ્લામનો મઝહબ દયા, શાંતિ, ક્ષમાનો પૈગામ આતંકવાદનો વિરોધ : હ.સૈયદ મોહંમદ હાશ્મી

827

માં ખદીજતુલ  કુબ્રા ચેરીટેબલ ભાવનગર દ્વારા શહેરના મોતીબાગ ઓપનએર હોલ, ટાઉન હોલ ખાતે સરકારે મદીના કોન્ફરન્સ અને અમન કા પૈગામ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાજીએ મીલ્લત હઝરત સૈયદ મોહમ્મદ હાશ્મી અશરફ, અશરફીયુલ જીલાની કીછૌછા શરીફ (યુ.પી.) એ પોતાની નુરાની ઝબાનમાં પયગમ્બરે ઇસ્લામની શાનમાં ઇમાન અફરોજ તકરીર ફરમાવી હતી અને પયગમ્બર સાહેબનો સંદેશ સમગ્ર વિશ્વમાં શાંતિ અને અમનનો છે. તેમ જણાવ્યું હતું. ઇસ્લામ આતંકવાદનો વિરોધ કરે છે. આતંકવાદીઓનો કોઇ મઝહબ હોતો નથી. ઇસ્લામ તો દયા અને ક્ષમાનો મજહબ છે. બે ગુન્હાની કત્લ કરવાનો ઇસ્લામ વિરોધી છે. ઇન્સાનની કત્લથી બહેનો વિધવા બને છે. બાળકો યતીમ બને છે. ઘણા જ પરિવારો તબાહ બરબાદ થઇ જાય છે. આતંકવાદીઓ દ્વારા સારા માણસોને પણ બહેકાવવામાં આવે છે. દેશદ્રોહી બનાવી દેવામાં આવે છે. વિશ્વમાં શાંતિની જરૂર છે.

હઝરત સૈયદ હાશમીયા સાહેબે જણાવ્યું હતું કે હિન્દુસ્તાન તો હિન્દલવલી ખ્વાજા ગરીબે નવાઝનું છે. તેમજ કાઠીયાવાડની ધરતી તો ઓલીયા અલ્લાહની ધરતી છે. તેથી જ મેરા ભારત મહાન આપણે કહીએ છીએ. આપણો દેશ મહાન હતો. મહાન છે, અને મહાન રહેશે. તેવું હું ખાસ દુઆ કરૂં છું.

હઝરત સૈયદ હાશમીયા સાહેબે વધુમાં જણાવ્યું હતું કે  પયગમ્બરે ઇસ્લામ આ દુનિયામાં આવ્યા અને દિને ઇસ્લામનો ફેલાવો કરતા હતા. ત્યારે તેમની સામે પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. તેમની ઉપર અત્યાચારો અને ઝુલ્મો કરવામાં આવ્યા હતા. પથ્થરો મારવામાં આવ્યા હતા. ત્યારે પયગમ્બર સાહેબે પથ્થર મારનાર માટે પણ અલ્લાહના દરબારમાં દુઆઓ કરી છે અને ફુલોની વરસાદ વરસાવી છે ત્યારે જ દિને ઇસ્લામનો ફેલાવો થયો છે. દુશ્મનને માફ કરી દેવો, ક્ષમા આપવી અને સુલેહ, શાંતિ અને એખલાસનો પયગામ આપવો તે પયગમ્બર સાહેબનો પૈગામ છે. વિશ્વમાં આજે જરૂર છે શાંતિની, નફરત દુર કરો અને તમામ સાથે પ્યાર, મહોબ્બતથી રહો તે જ સાચું છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત હઝરત સૈયદ સુબ્હાની અશરફે કાર્યક્રમના અંતમાં વિશ્વ શાંત માટે અને તમામ લોકો માટે સામુહિક દુઆ કરી હતી. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાબુલભાઇ સાકરવાલા, સતારભાઇ ચુગડા, કાળુભાઇ બેલીમ, ઇરફાનભાઇ સાકરવાળા, સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleકરણસિંહ ડાભીની કળશ સન્માન યાત્રા
Next articleરિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી ખિસ્સા કાપતા મધુ વલ્લભ ગેંગના બે ઝડપાયા