ગાંધીનગર મનપાનું ડ્રાફ્‌ટ બજેટ જાન્યુ. અંતમાં રજૂ થશે

968
gandhi1912018-3.jpg

મહાનગર પાલિકાનું બજેટ આખરે તૈયાર થઇ ગયું છે અને નજીકના દિવસોમાં આખરી થવામાં છે. મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯નું ડ્રાફ્‌ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેના પર સ્થાયી સમિતિ દ્વારા ચર્ચા વિચારણા કરીને સુધારા વધારા સૂચવવામાં આવશે. ત્યાર બાદ આ ફેરફાર સાથેના બજેટને સામાન્ય સભા સમક્ષ મુકવાની પ્રક્રિયા કરવામાં આવશે. સ્વાભાવિક રીતે મ્યુનિસિપલ કમિશનર તરફથી કરવેરાના મુદ્દે અને શહેરમાં સફાઇની વ્યવસ્થા કાયમી કરવાની બાતો પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
રાબેતા મુજબની પ્રક્રિયામાં સામાન્ય સભા બજેટને આખરી મંજૂરી આપતી હોય છે, પરંતુ આ વખતના બજેટમાં વિપક્ષ દ્વારા કરવેરામાં વધારા કે નવા કરના મુદ્દે ધમાલ મચાવવાની તકને છોડવામાં આવશે નહીં. બીજી બાજુ વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં જે યોજનાઓને મંજુરી આપવામાં આવી હતી તેમાની ઘણી કામગીરી આજે પણ બાકી બોલી રહી છે. જેમાં મોટા ભાગની બાબતો સાહજીક રીતે લોક કલ્યાણલક્ષી અને માળખાકીય સુવિધાને લગતી હતી.
આ વખતે પણ કમિશનર તરફથી નવી બાબતો સમાવવા માટેનાં તમામ પ્રયાસ તો કરવામાં આવશે જ. ગાંધીનગર મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષનું બજેટ નવા કરવેરા વગરનું અને પુરાંત ધરાવતું હતું. આ વખતે ખરીદવામાં આવેલા સાધનો ઉપરાંત નવી જોગવાઇઓ સાથે સફાઇની બાબતો પર ભાર મુકવામાં આવશે અને નવી યોજનાઓ પણ રજૂ કરવામાં આવશે. આ સંજોગોમાં બજેટનું કદ વધીને ૩૦૦ કરોડની આસપાસ રહેવાની શક્યતા નકારી શકાય તેમ નથી.આ વખતના બજેટમાં વિપક્ષ દ્વારા કરવેરામાં વધારા કે નવા કરના મુદ્દે ધમાલ મચાવવાની તકને છોડવામાં આવશે નહીં. તેવી સંભાવના પણ પ્રબળ થઈ રહી છે.
મહાનગર પાલિકા રચાયાના ૭ વર્ષ પછી પણ હજુ અહીં મહેકમ ૧૦૦ ટકા પર પહોંચાડી શકાયું નથી, આવક સામે ખર્ચ ઓછો છે. મહાપાલિકાનો વાર્ષિક વહીવટી ખર્ચ માંડ ૧૦ કરોડ પર પહોંચે છે. તેનો મતલબ કે જોઇએ તેટલાં નાણા હોવા છતાં મહાપાલિકા પાસે કામ કરનારા પુરતી સંખ્યામાં નથી.મેયર સામેની કાનુની કાર્યવાહીનો નિવેડો આવી ગયો હોવાથી સામાન્ય સભા અંગે કોઇ મુશ્કેલીસત્તા પક્ષને નડવાનું નથી. પરંતુ ગત વર્ષની જેમ જ સ્થાયી સમિતિ ડ્રાફ્‌ટ બજેટમાં સુધારા વધારા સુચવે પછી તે નિર્ણય જ આખરી બનવાની શક્યતા પુરે પુરી છે.

Previous articleપાટનગરમાં વ્યસ્ત વીઆઈપી રોડના ફુુટપાથ પર લટાર
Next articleદાહોદ બાદ ગાંધીનગર મનપાની સ્વચ્છતા એપ પણ શંકાના દાયરામાં