ગાંધીનગરમાં લાગેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠીયા સમાન

0
1132
gandhi2212018-2.jpg

ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાના હેતુસર શહેરના વિવિધ ૩૬ લોકેશન પર લગાડવામાં આવેલા કેમેરા હવે શોભાના ગાંઠિયા સમાન બની રહેશે. ઉલ્લેખનીય છેકે, મોટાભાગના કેમેરા માત્ર વાહન ચાલકોને ઇ-મેમો આપવા માટે જ ઉપયોગી સાબિત થયા છે. આ કેમેરાનો ઉપયોગ ગુન્હાઓ સમયે ડિટેક્શનમાં પણ ઉપયોગી નીવડશે તેવી આશા હતી. પરંતુ અત્યાર સુધીમાં કેમેરાની મદદથી ખાસ કોઇ મોટુ ડિટેક્શન ઉકેલાયુ હોય તેવી ઘટના સામે આવી નથી. જોકે, શહેરમાં પ્રવેશતા માર્ગો પર લગાવવામાં આવેલા કેમેરા થોડાઘણા અંશે મદદરૂપ બની રહેશે. પરંતુ જે હેતુ માટે આ કેમેરા લગાવવામાં આવ્યા હતા તે હેતુ મરીપરવાર્યો છે. સ્માર્ટ સિટીમાં હાઇ રિઝોલ્યુશન કેમેરા લગાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મોટાભાગે વાહન ચાલકો પર આ કેમેરા દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામા આવ્યુ હતું. આ માટે એસપી કચેરીએ એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમમાંથી સમગ્ર શહેરનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ હતું. અને જે વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હતા તેઓને ઇ-મેમો આપવામાં કેમેરાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં આ માટે ૩૬ લોકેશન પર અલગ અલગ ૨૩૦ જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે. મોટાભાગના કેમેરા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારો તેમજ શહેરમાં પ્રવેશતા માર્ગો પર લગાવવામાં આવ્યા છે. કેમેરા જ્યારે લગાવવામા આવ્યા ત્યારે તેનો ઉપયોગ ઇ-મેમો આપવા ઉપરાંત ક્રાઇમની ઘટના સમયે ડિટેક્શનમાં પણ ઉપયોગ થઇ શકે તેવો હતો. પરંતુ અત્યાર સુધીના સમયગાળા દરમિયાન ક્રાઇમની ઘટનામાં આ કેમેરા ખાસ કોઇ ઉપયોગી નિવડયા છે. કેમેરા લગાવવામાં આવ્યા બાદ શહેરમાં આંગડિયા લૂંટથી લઇ ચેઇન સ્નેચિંગની ઘટનાઓ પણ બની હતી. પરંતુ આ કેમેરા તેમાં સંડોવાયેલા શખસોની ઓળખ માટે ખાસ કોઇ મદદ મળી નથી.એકમાત્ર ઇ-મેમા માટે કેમેરાનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો હતો. રાજ્ય સરકારે હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઇ-મેમો આપવાનું બંધ કરવાની જાહેરાત કરતા ગાંધીનગરમાં લગાવવામાં આવેલા કેમેરા હવે શોભાના ગાંઠિયા સમાન બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here