વૃદ્ધાવસ્થામાં આંખોની સમસ્યા

0
431

વૃદ્ધાવસ્થામાં અંધાપો લાગુ પડે તો ભારે આફતરૂપ બને છે. વિશ્વભરમાં નબળી દ્દષ્ટિવાળા લોકોની સંખ્યા ૧૮ કરોડ જેટલી હોવાનું અનુમાન છે. જેમાંથી ૪.૫ કરોડ લોકો તદ્દન અંધ છે. આમાંથી મોટાભાગનાં લોકો વૃદ્ધ છે, કેમકે ઉંમર વધે છે. તેમ દ્દષ્ટિમાં તીવ્ર ઘટાડો થતો જાય છે. સાઠ વર્ષની મોટી ઉંમરના લોકોમાં અંધત્વનું પ્રમાણ ૪ ટકા જેટલું છે. અને એમાંના ૬૦ ટકા જેટલા આફ્રિકા, ચીન અને ભારતમાં છે.

મોટી ઉંમરે અંધત્વના મુખ્ય ચાર કારણો છે : મોતિયો, ઝામર, મધુપ્રમેહથી નેત્રપટલને થતું નુકશાન અને મેક્યુલર ડિજનરેશન.

મોતીયામાં નેત્રમણિની પારદર્શકતા નાશ પામે છે. તે ધૂંધળો અને રાખોડી રંગનો બની જાય છે. આના કારણે પ્રકાશ કિરણો એની અંદરથી પસાર થઇ શક્તા નથી. તેથી વ્યક્તિને સ્પષ્ટ દેખાતું બંધ થઇ જાય છે. આગળ જતાં સંપૂર્ણ અંધાપો આવે છે. શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણિ કાઢી લેવાથી અને ત્યારપછી યોગ્ય નંબરના ચશ્મા આપવાથી અથવા આંખમાં કૃત્રિમ નેત્રમણિ મુકવાથી દ્દષ્ટી પાછી મળે. આ શસ્ત્રક્રિયા તમામ દેશોમાં ઉપલબ્ધ છે. પણ દેશના છેવાડાના ગામોમાં સાવ ગરીબ લોકો આ સુવિધાથી વંચિત રહે છે. તે દુઃખદ છે.

ઝામરમાં (ગ્લોકોમા) આંખની અંદર આવેલા પ્રવાહીનું દબાણ વધે છે. કાયમી અંધાપો આવી શકે છે. ઝામરથી દ્દષ્ટિચેતાને થતું નુકશાન અટકાવી શકાતું નથી. પણ વેળાસર નિદાન અને યોગ્ય સારવારથી દ્દષ્ટિ પર થતી માઠી અસરોને નિવારી શકાય છે. ખાસ કરીને જો કુટુંબમાં કોઇને ઝામર થયું હોય તો વૃદ્ધોએ ઝામરનાં નિદાન માટે નિયમિત તપાસ કરાવવી. મધુપ્રમેહ આંખના પડદાની સુક્ષ્મ લોહીની નળીને ઇજા કરે છે. સમય જતાં અંધાપો આવે છે. વિકસિત દેશોમાં વૃદ્ધોમાં ડાયાબીટીસ અંધત્વનું મુખ્ય કારણ છે. પંદર વર્ષનાં જુના બેકાબુ ડાયાબીટીસથી ૨ ટકા જેટલાં લોકો તદ્દન દ્દષ્ટિહિન બને છે. અને લગભગ ૧૦ ટકામાં દ્દષ્ટિ ઘણી ઝાંખી પડી છે. આંખની નિયમિત તપાસ અને તાત્કાલિક સારવારથી આ વ્યાધિ અટકાવી શકાય. મેક્યુલર ડીજનરેશનમાં આંખનાં પડદામાં આવેલો પ્રકાશ સંવેદનશીલ ભાગ ધીમે ધીમે નાશ પામે છે. ૮૦ વર્ષથી વધુ ઉંમરમાં વધુ જોવા મળે છે. એની કોઇ સારવાર નથી. પણ ખાસ કેસોમાં આધુનિક સાધનો વડે નબળી પડેલી દ્દષ્ટિને થોડે અંશે સુધારી શકાય છે.

વૃદ્ધાવસ્થા અને બહેરાશ

ઉંમર વધે તેમ કાનની અંદર આવેલાં શ્રવણજ્ઞાનતંતુ સુકાય જાય છે. બહેરાશ આવે છે. એક અંદાજ પ્રમાણે ૬૫ વર્ષથી મોટી ઉંમરના ૫૦ ટકામાં થોડા અંશે બહેરાશ હોય છે.

કર્ણનલિકામાં અવાજનાં મોજાઓ અવરોધ થવાથી, અંતઃકર્ણમાં આવેલાં શ્રવણ – યંત્રનો રોગ અથવા ઇજા થવાતી બહેરાશ આવે છે. બાહ્યકર્ણમાં મેલ કે બહારની કોઇ ચીજ ભરાવાથી, મધ્યકર્ણમાં ચેપ લાગુ પડવાથી કાનમાં અવાજનાં મોટાના વહનમાં અવરોધ થવાથી પણ બહેરાશ આવે છે. પરંતુ મોટાભાગે વૃદ્ધાવસ્થામાં જે બહેરાશ આવે છે તેમાં અંતઃકર્ણનો રોગ કે ઇજા અથવા મગજ તરફ શ્રવણ – સંવેદન લઇ જનારી ચેતાનો રોગો જવાબદાર હોય છે. મધુપ્રમેહ, હાઇબ્લડપ્રેશર, કેટલીક દવાઓ અથવા લાંબા ગાળા  સુધી ભારે અવાજનો સામનો કરવાથી પણ આ તકલીફ પેદા થાય છે.

બહેરાશને કારણે વૃદ્ધોને વાતચીતમાં તકલીફ પડે છે. ઉપરાંત એમને આજુબાજુનાં અન્ય અવાજો પણ સંભળાતા નથી. વાતચીતમાં મુશ્કેલી પડવાથી હતાશા અને એકલતા અનુભવાય છે. જેથી વૃદ્ધો આત્મ સન્માન ગુમાવે છે. બહેરાશ નિવારવા માટે કાયમી મોટા અવાજથી દુર રહેવું. જે દવાઓ બહેરાશને જન્મ આપતી હોય તે ન લેવી. મધ્યકર્ણનો ચેપ, ડાયાબિટીસ અને હાઇબ્લડપ્રેશર કાબુમાં રાખવા, બાહ્યકર્ણ કે મધ્યકર્ણનાં રોગને કારણે પેદા થયેલી બહેરાશની સારવાર કરી શકાય છે. બહેરાશ ઘટાડવા માટે શ્રવણયંત્ર વાપરવું. યંત્રનો પદ્ધતિસર વરરાશ શીખી લેવો. બહેરાશ વધારે હોય તો હાલ શ્રવણની ગુણવત્તા સુધારવા માટે ઘણી નવી પદ્ધતિઓ અમલમાં છે.

ઘણાં વૃદ્ધો બહેરાશને સ્વીકારવામાં શરમ અનુભવે છે. શ્રવણયંત્રનો ઉપયોગ કરવાની પણ એમને શરમ આવે છે. જો કે હવે તો આધુનિક શ્રવણયંત્રો ખુબ જ નાના કદનાં હોય છે. બહેરાશ વધતી જણાય તો નિષ્ણાંતની સલાહ લેવાનું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here