દ્રવિડની જેમ જ લક્ષ્મણે પણ પહેલી વખત તો બોર્ડના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો

2

નવી દિલ્હી , તા.૧૫
બીસીસીઆઇના ઓફિસિઅલને ટાંકીને એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, બીસીસીઆઈના પ્રમુખ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ ઈચ્છે છે કે, દ્રવિડના વિઝનને લક્ષ્મણ આગળ ધપાવે. તેઓએ ઘણી મેચોમાં ભારત માટે યાદગાર ભાગીદારીઓ કરી છે અને હવે ભારતીય ક્રિકેટને મજબુત બનાવવામાં પણ તેઓ સાથે મળીને યોગદાન આપે. લક્ષ્મણ એનસીએના ચીફ તરીકેની કામગીરી સંભાળવા માટે સૈધ્ધાંતિક રીતે તૈયાર થઈ ગયો હોવાનું મનાય છે. દ્રવિડની જેમ જ લક્ષ્મણે પણ પહેલી વખત તો બોર્ડના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. જોકે બીસીસીઆઇના ઉચ્ચ અધિકારીઓના અતિઆગ્રહ બાદ તે તૈયાર થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીસીસીઆઇની એજીએમ ૪ ડિસેમ્બરે મળવાની છે, તે પછી લક્ષ્મણને આ જવાબદારી સોંપશે તેમ લાગી રહ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટસમેન વી.વી.એસ. લક્ષ્મણને બેંગાલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફની જવાબદારી સંભાળવા માટે મનાવી લીધો છે. અગાઉ દ્રવિડ એનસીએના ચીફ તરીકેની જવાબદારી સંભાળતો હતો. જોકે બીસીસીઆઇએ તેને હવે ટીમ ઈન્ડિયાના હેડ કોચની જવાબદારી સોંપી છે. તેનું ખાલી પડેલું સ્થાન હવે લક્ષ્મણ સંભાળી લેશે તેની સત્તાવાર જાહેરાત સૌરવ ગાંગુલીએ કરી દીધી છે. ગાંગુલીએ જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે હકારમાં જવાબ આપ્યો હતો. જોકે આ અંગેની સત્તાવાર રીતે વિગતો જાહેર કરવામાં આવી નથી.
દ્રવિડ એનસીએની સાથે ઈન્ડિયા-એ તેમજ અંડર-૧૯ ટીમના કોચ તરીકેની જવાબદારી પણ સંભાળતો હતો. જેના કારણે હવે લક્ષ્મણ પણ યુવા ટીમોની જવાબદારી સંભાળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જોકે ઈન્ડિયા-એ ટીમ તાજેતરમાં જ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે, તેમાં હાલ શિતાંશુ કોટકને ઈન્ડિયા-એના કોચ તરીકે મોકલવામાં આવી શકે છે.