રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું ભાવનગર ખાતે નિધન, સરપંચથી કારકિર્દીની શરૂઆત કરી ગૃહપ્રધાન સુધી પહોંચ્યા હતા

112

મહુવામાં બસમાં કંડકટર તરીકે કામની શરૂઆત કરી, ધીમે ધીમે સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું
રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન વજુભાઇ જાનીનું ભાવનગર ખાતેના તેમના નિવાસ સ્થાને નિધન થયું છે. વજુભાઈ જાનીનું 90 વર્ષની વયે નિધન થતાં કોંગ્રેસે સારા સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા બેઠક પરથી તેઓ સતત બે ટર્મ સુધી ચૂંટાયા હતા. જેમાં તેઓ 1980-85 અને 1985-1990 સુધી મહુવા બેઠક પર વિજેતા બન્યા હતા. તે સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા, ત્યારે તેઓ રાજ્યના ગૃહ પ્રધાન પણ રહી ચૂક્યા હતા.
રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન વજુભાઇ જાનીનું આજે શનિવારે સવારે તેમના નિવાસસ્થાન વિજયરાજ નગર ખાતે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધો હતો. આશરે 90 વર્ષની વયે તેમનું નિધન થયું છે. કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર તરીકે તેઓ સેવા આપી ચુક્યા હતા. મહુવા બેઠક પર તેઓ સતત બે ટર્મથી વિજેતા બન્યા હતા. અમરસિંહ ચૌધરીની સરકારમાં તેઓ ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે. આજે ભાવનગરના ચિત્રા મોક્ષધામ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

વજુભાઈનો જન્મ બોરટી ગામે થયો હતો અને તેઓ હંમેશા નિરોગી, સ્વસ્થ, જીવન જીવ્યા હતા. ક્યારેય પણ તેઓ હોસ્પિટલની દાદરો નથી ચડ્યા. તેમણે એ મહુવામાં બસમાં કંડકટર તરીકે કામની શરૂઆત કરી હતી. પછી તેમણે ધીમે ધીમે સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાં તેઓ વિજેતા થયા હતા. આમ, રાજકીય કારકિર્દની શરૂઆત સરપંચથી શરૂ કરી તેઓ રાજ્યના ગૃહ પ્રધાન સુધી પહોંચ્યા હતા. વજુભાઇને ચાર દીકરાઓ હતા, જેમાંથી નરેન્દ્રભાઈ જાની ગાંધીનગરમાં સચિવાલયમાં કામ કરી ચુક્યા છે, હાલ નિવૃત છે. બીપીનભાઈ જાની પણ પુરવઠા વિભાગમાં કામ કરી ચુક્યા છે, તે પણ હાલ નિવૃત છે. કિશોરભાઈ જાની બી.એસ.એન.એલની સર્વિસ કરે છે અને રમેશભાઈ જાની ઇરિગેશનમાં કામ કરી રહ્યા છે.

Previous articleસાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવાર નિમિત્તે ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરાયો
Next articleઘોઘાના વાળુકડ ગામે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, સ્વાતંત્ર્ય સંગ્રામ પાંચ સ્તંભો વિશેની ઝાંખી કરાવતું ચિત્ર પ્રદર્શન યોજાયું