આજે પણ મારી પાસે ધોનીનો ફોન નંબર નથી : રવિ શાસ્ત્રી

292

નવી દિલ્હી,તા.૨૭
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ અખ્તરની યુટ્યુબ ચેનલ પર વાત કરતાં ભારતીય ખેલાડીઓના વ્યક્તિત્વ અંગે વાત કરી હતી. ગત વર્ષે ટી૨૦ વર્લ્‌ડ કપ બાદ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. શાસ્ત્રીએ મુખ્ય રીતે એ ખેલાડીઓ અંગે વાત કરી હતી જે તેમના કોચિંગ કાર્યકાળ દરમિયાન રમ્યા હતા. શાસ્ત્રીએ વિરાટ કોહલીની મેદાન ઉપર વિરોધી ટીમની આંખમાં આંખ નાખીને રમવાની રીત અંગે પણ વાત કરી હતી અને તેનાથી વિરુદ્ધ ખેલાડીઓના વર્તન અંગે પણ વાત કરી હતી. આ ઉપરાંત તેઓએ રોહિત શર્માના શાંત વ્યવહારની સરખામણી એમએસ ધોનીની સાથે કરી હતી અને પૂર્વ ભારતીય કેપ્ટન અલગ જ લેવલ પર શાંત રહેતો હતો. શોએબ અખ્તરની યુટ્યુબ ચેનલ પર શાસ્ત્રીએ કહ્યું કે, વિરાટ મેદાન પર કોઈ લડવૈયાની જેમ છે. એક વખત મેદાનમાં પગ મુકતાની સાથે જ તે મુકાબલો કરવા માગે છે. તેને બીજી કોઈ વસ્તુની ચિંતા હોતી નથી. પણ મેદાનની બહાર તે એકદમ અલગ છે. એકદમ શાંત અને ચિલ. રોહિત ધોનીની જેમ થોડો આરામથી ચાલવાવાળો છે. ધોની પર અનેક વખતે તમને વિશ્વાસ થતો નથી. તે હંમેશા એક જેવો જ રહે છે. ભલે ઝીરો પર આઉટ થયો હોય કે પછી સદી લગાવી હોય, વર્લ્‌ડ કપ ઉઠાવ્યા હોય તેના પર કોઈ ફરક પડતો નથી. શાસ્ત્રીએ કહ્યું કે, મેં અનેક ખેલાડીઓને જોયા છે પણ ધોની જેવો કોઈ નથી. સચિન શાંત રહેતો હતો પણ અનેક વખતે તેને ગુસ્સો આવતો હતો પણ ધોનીને ક્યારેય નહીં. આજ સુધી તેનો ફોન નંબર મારી પાસે નથી, મેં ક્યારેય માગ્યો પણ નથી. મને ખબર છે કે તે પોતાની સાથે ફોન લઈને ચાલતો નથી. શાસ્ત્રીએ કોહલીના ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાના નિર્ણય પર કહ્યું કે, વિરાટના આ નિર્ણયથી તે ખુબ જ હેરાન હતા. પણ સાથે તેઓએ કહ્યું કે, આ ખેલાડીનો નિર્ણય છે અને તેનું સન્માન કરવામાં આવવું જોઈએ. આ ઉપરાંત તેઓએ કહ્યુ કે, જ્યારે એક વ્યક્તિ લાંબા સમય સુધી પોતાના કરિયરમાં સારું કામ કરે છે તો તેને પસંદ કરનાર અનેક લોકો હોય છે અને સાથે જ તેને નફરત કરનાર લોકો પણ હોય છે. લોકો ઈર્ષ્યા કરે છે. આ માણસનો સ્વભાવ છે. મને લાગે છે કે આ ખુબ જ ખરાબ ચલણ છે. દબાણ વધવા લાગ્યું છે અને લોકો મોકો શોધતા જ રહેતાં હોય છે. વિરાટની વાત કરીએ તો કદાચ તેને લાગ્યું હશે કે હવે બહું થઈ ગયું. હું હંમેશાથી ક્રિકેટરના નિર્ણયનું સન્માન કરું છું.

Previous articleએક સમયે નાગા ચૈતન્યના પ્રેમમાં હતી શ્રુતિ હાસન
Next articleલાખો મેં ભી ના મિલે, ઐસા ઘર કા ચિરાગ :- વર્ષા જાની (ઝગમગતા દીવડા )