ભાવનગરમાં કોરોનાથી ૩૫૧ લોકોના મૃત્યુ, સહાય ૪૧૫૭ વ્યકિતને ચુકવાઈ

102

સરકારી ચોપડે શહેરમાં ૧૮૯ અને જિલ્લામાં ૧૬૨ વ્યકિતના કોરોનાથી મોત : ૨૨૮૩ અરજીમાંથી ૪૧૮૯ મંજુર કરાઈ, ૧૫૧ અરજી નામંજુર કરાઈ, સહાયના ફોર્મ સ્વિકારવાની કામગીરી યથાવત, આધાર-પુરાવા જોડવા જરૂરી
કોરોનાથી મૃત્યુ થયા હોય તેવા વ્યકિતઓના પરિવારજનોને સરકાર દ્વારા રૂ. પ૦ હજારની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે, જેમાં સરકારે ચોપડે કોરોનાથી મૃત્યુ નોંધાયેલા છે, તેવા વારસદારોના ખાતામાં પહેલા સહાયની રકમ જમા કરવવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાથી મૃત્યુ થયા હોય અને સરકારી ચોપડે નોંધાયા ના હોય તેવા લોકોની અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં ૪૧પ૭ લોકોને સહાય ચુકવી દેવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારી ચોપડે ૩પ૧ વ્યકિતના કોરોનાથી મૃત્યુ થયા હોવાનુ નોંધાયુ છે, જેમાં શહેરમાં ૧૮૯ અને જિલ્લામાં ૧૬ર વ્યકિત કોરોનાથી મૃત્યુ પામ્યા છે. કોરોનાથી સત્તાવાર મૃત્યુ ૩પ૧ લોકોના થયા છે પરંતુ સહાય ૪૧પ૭ મૃતકના પરિવારજનોને ચુકવવામાં આવી છે. કોરોનાથી મૃત્યુ થયા હોય તેવા લોકોના વારસદારોને રૂ. પ૦ હજારની સહાય ચુકવવા રાજ્ય સરકારે આધાર-પુરાવા સાથે અરજીઓ મંગાવી છે. સહાય માટે અરજીઓ જમા કરાવવા શરૂઆતના દિવસોમાં લોકોની કતારો લાગી રહી હતી તેથી લોકોની મૂશ્કેલી વધી હતી પરંતુ હાલ ઓછી અરજી આવી રહી હોવાનુ જાણવા મળેલ છે. શરૂઆતના દિવસોમાં આધાર-પુરાવા ભેગા કરવામાં લોકોને પરેશાની થઈ હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે શનિવાર સુધીમાં સહાય માટે તંત્રને ૪૪૮૩ અરજી મળી છે, જેમાં ૪૧૮૯ અરજી મંજુર કરાઈ છે, જયારે ૧પ૧ અરજી નામંજુર કરાઈ છે તેમ માહિતી આપતા ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ જણાવેલ છે. સરકાર કોરોનાથી ઓછા લોકો મૃત્યુ પામ્યાનુ જણાવતી હતી પરંતુ હાલ અરજીઓ પરથી કોરોનાથી કેટલા લોકોના મૃત્યુ થયા હોવાનુ જણાય રહ્યુ છે અને સરકારી આંકડા ખોટા સાબીત થઈ રહ્યા છે તેમ ચર્ચાય રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના ગત તા.૨૯ ઓકટોબર ૨૦૨૧ ના ઠરાવ મુજબ વ્યકિતનું મૃત્યુ કોવિડ-૧૯ (કોરોના)થી થયુ છે તેવું પ્રમાણિત થયેલ હોવું જોઇએ. કોવિડ-૧૯(કોરોના)ના કારણે મૃત્યુ થયાના આધાર માટે ૫રિશિષ્ટ-૧ નુ ફોર્મ જયાંથી મરણ પ્રમાણ૫ત્ર મળેલ હોય તે જન્મ મરણ રજીસ્ટ્રારની કચેરીને આપી ફોર્મ-૪ તથા ૪-અ મેળવવાનું રહેશે. સહાય મેળવવા આરટીપીઆર ટેસ્ટ, તબીબનુ પ્રમાણપત્ર સહિતના આધાર પુરાવા જોડવા જણાવેલ છે. આ અરજી અંગે સરકારી તંત્ર તપાસ કરશે અને ત્યારબાદ યોગ્ય પ્રમાણપત્રો હશે તો સહાય ચુકવવામાં આવશે તેમ સરકારી સુત્રોએ જણાવેલ છે. હજુ અરજી સ્વિકારવાની કામગીરી શરૂ જ છે ત્યારે લોકોએ આધાર-પુરાવા સાથે અરજી કરવી જરૂરી છે.

Previous articleસૌ.ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એશિયન આફ્રિકન ચેમ્બર સાથે કરાયું એમઓયુ
Next articleઅનન્યા પાંડેનો સામનો કરવો સરળ નથી : ચંકી પાંડે