રણધીરસિંહ ઝાલા દ્વારા લિખિત પુસ્તક ‘પ્રેમ યોગ’નું ભાવનગરના મહારાણી સમયુક્તાકુમારીજીના હસ્તે વિમોચન

115

અનુભવ અને અનુભૂતિના અસ્ખલિત પ્રવાહમાંથી જીવનનું નિરીક્ષણ કરવાનો દ્રષ્ટિકોણ આ પુસ્તકમાંથી મળે છે- શિક્ષણ મંત્રી વાઘાણી
ચિંતક, લેખક રણધીરસિંહ ઝાલા દ્વારા લિખિત પુસ્તક ‘પ્રેમ યોગ- અ વે ઓફ લાઈફ’નું ભાવનગરના મહારાણી સમયુક્તાકુમારીજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલા પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું કે, અનુભવ અને અનુભૂતિના અસ્ખલિત પ્રવાહમાંથી જીવનનું નિરીક્ષણ કરવાનો દ્રષ્ટિકોણ ’પ્રેમ યોગ’ પુસ્તકમાંથી મળે છે. રણધીરસિંહ એક વાચકમાંથી વિચારક અને યોગ સાધક થી ચિંતક સુધીની જે સફર ખેડી છે, આ સફરમાં તેમણે જે અનુભવ્યું તે જોયું કે તેવું જ તવારીખ સાથે આ પુસ્તકના ૭૨ પ્રકરણમાં આ આલેખ્યું છે, પ્રેમ માટે સમગ્ર જીવન અને અસ્તિત્વ હોય છે. અસ્તિત્વ ક્યારેય એકલું હતું નથી.વ્યક્તિત્વ તેની સાથે અહર્નિશ જોડાયેલું હોય છે. ત્યારે આવા વૈચારિક ઊંડાઈ અને ઊંચાઇ બન્ને ધરાવતું પુસ્તક પ્રેમની ટૂંકી વ્યાખ્યા કરવાને બદલે ધર્મ-સંસ્કૃતિના માધ્યમથી એક નવો આયામ જ આપે છે.

આ પુસ્તકમાં જે ઉચ્ચ આધ્યાત્મિક માર્ગદર્શન કરાવવામાં આવ્યું છે તે લોકોની જીવનયાત્રામાં ઉપયોગી બની રહેશે. આધ્યાત્મિક અને પરમાત્માના માર્ગ તરફ અગ્રેસર કરી લોકોમાં એક નવો દ્રષ્ટિકોણ ઉભો કરશે. પ્રેમ યોગ ફાઉન્ડેશન દ્વારા નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત આ પુસ્તક વિવિધ ૭૨ વિષયો પરના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સાંપ્રત સમયને અનુરૂપ જન્મથી માંડીને મૃત્યુ સુધીના દરેક વિષયોને સાંકળી લેવામાં આવ્યાં છે. આ અવસરે ૧૦૦૮ મહામંડલેશ્વર ડૉ.નિરંજન રાજ્યગુરુએ આશિર્વચન પાઠવ્યા હતાં. ડો. પારસ ભટ્ટ દ્વારા આ પુસ્તકનો પોતાના અનુભવો સાથેનો રસાસ્વાદ કરાવવામાં આવ્યો હતો. તેમજ યુવા લેખક અને અગ્રણી પત્રકાર ધૈવત ત્રિવેદી દ્વારા પુસ્તકનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ અવસરે ડેપ્યુટી મેયર કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, એ.એસ.પી. સફિન હસન સહિતના પદાધિકારીઓ -અધિકારીઓ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં

Previous articleવીર સાવરકર પ્રાથમિક શાળા નં.-૮માં માતૃ-પિતૃ પૂજન દિવસ ઉજવવામાં આવ્યો
Next articleગોપનાથ ઝાંઝમેરમાં પ્રાકૃતિક સૌંદર્યનું ખનન, માફિયાઓ કરી રહ્યા છે હનન