ભાવનગરના નિવૃત જવાને સહાયની રકમ વધારીને 1 કરોડ રૂપિયા કરવા અભિયાન હાથ ધર્યું

271

ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ સહી અભિયાનમાં જોડાયા
દેશમાં વિકાસની વાત આવે તો ગુજરાત મોડલની ચર્ચા થાય છે. પરંતુ, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ જવાનોના પરિવારજનોને રાજ્ય સરકાર માત્ર એક લાખની સહાય ચૂકવતી હોવાનો RTIમાં ખુલાસો થયો છે. ભાવગરના નિવૃત જવાન વિશાલ વાજાએ રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ હેઠલ માગેલી માહિતીના જવાબમાં રાજ્ય સરકારે આપેલી માહિતીમાં શહીદ પરિવારને એક સાથે એક લાખ રૂપિયા અને શહીદના વિધવા પત્નીને દર મહિને 1000 રૂપિયા તથા બાળકો દીઠ 500 રૂપિયાની સહાય ચૂકવતી હોવાની વિગત આપી છે. આ સહાય અપૂરતી હોય ભાવનગર નિવૃત જવાન વિશાલ વાજા દ્વારા 26 જાન્યુઆરીથી સહી અભિયાન હાથ ધરી સહાયની રકમ વધારી 1 કરોડ કરવાની માગ કરી છે. ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહ પણ આજે સહી અભિયાનમાં જોડાયા હતા.

ભાવનગરના નિવૃત સૈનિકે કરેલી RTIના જવાબમાં ગુજરાતના સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટના નિયામક તરફથી માહિતી આપવામાં આવી છે. જેમાં
કોઈ જવાન ફરજ દરમિયાન શહીદ થાય ત્યારે તે પરણિત હોય તો 1 લાખ રૂપિયા અને અપરણિત હોય તો 50 હજારની આર્થિક સહાય ચૂકવાતી હોવાની માહિતી આપી છે. રાજ્ય સરકાર તરફથી દર મહિને શહીદ જવાનના પત્નીને 1000 રૂપિયા અને પુત્ર દીઠ 500 રૂપિયા ચૂકવવામાં આવે છે. ભાવનગરમાં રહેતા માજી સૈનિક વિશાલ વાજાને RTIમાં રાજ્ય સરકાર તરફથી 1 લાખની સહાય મળતી હોવાની માહિતી મળતા 26 જાન્યુઆરીથી સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વિશાલ વાજાનું માનીએ તો, દેશના અલગ અલગ રાજ્યોમાં શહીદ પરિવારને 25 લાખથી 1 કરોડ સુધીની સહાય ચૂકવવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ સરકાર શહીદ પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય ચૂકવે. ભાવનગર શહેરના નિલમબાગ સર્કલ ખાતે આજરોજ પ્રજા વત્સલ નેક નામદાર મહારાજા કૃષ્ણ કુમારસિંહજીને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ હાલ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી સાથે શુભેચ્છા મુલાકાત કરી નિવૃત સૈનિક વિશાલ વાજાએ માહિતી આપી હતી. યુવરાજ જયવીરરાજ સિંહ પણ સહી અભિયાનમાં જોડાયા હતા. યુવરાજે કહ્યું હતું કે, સૈનિકોની માગ પૂરી થવી જોઈએ.

Previous articleપીઠી ચોળવાની તૈયારી કરી રહેલી મહિલાઓ કૂવામાં પડી, ૧૩નાં મોત
Next articleભાવનગર માર્કેટીંગ યાર્ડમાં નવી ડુંગળીનો ભરાવો થતા બે દિવસ સુધી આવક બંધ કરવામાં આવી, હરાજી ચાલુ રહેશે