મહાપાલીકાના કોરોના વોરિયર્સના પગાર અટકી પડ્યા

852

મહાપાલિકાના આરોગ્ય ધન્વંતરિ રથના ડૉક્ટર્સ, તબીબી સ્ટાફની સેવા દોઢ મહિનામાં જ સમાપ્ત કરાઈ પરંતુ પગાર ન થયો
ભાવનગરમાં કોરોનાની ત્રીજી લહેરમાં મહાપાલિકાન આરોગ્ય વિભાગે ડૉક્ટર્સ અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્ક્‌સની હંગામી નિમણુંક આપી સેવા લીધી હતી, ત્રીજી લ્હેર પૂર્ણ થતાં આ સેવાઓ સમાપ્ત કરાઈ છે પરંતુ દોઢ મહિનાના અંતે પગાર નહિ મળતા પ્રબળ કચવાટ વ્યાપી ગયો છે. જોકે, આરોગ્ય અધિકારીના ધ્યાને મામલો આવતા પગાર ઝડપથી ચૂકવી દેવા કાર્યવાહી હાથ ધરી દેવાઈ છે. કોરોનાની ત્રીજી લહેરમાં શહેરીજનોને ઘર આંગણે તબીબી નિદાન સાથે દવા મળી રહે અને કોરોના કાબુમાં રહે એ માટે થઈને જાન્યુઆરી ૨૦૨૨માં ૪૦ આરોગ્ય અને ધન્વંતરિ રથ તથા ટેસ્ટ ઓન કોલ વાનની સુવિધા શરૂ કરાઇ હતી. જેમાં મ્યુ. આરોગ્ય વિભાગ દ્વારા હંગામી ધોરણે ૪૦ ડૉક્ટર્સને નિમણુંક અપાઈ હતી, જયારે ૧૨૮ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ધન્વંતરિ રથ, આરોગ્ય રથ તથા આરોગ્ય કેન્દ્ર પર સેવા લેવાઈ હતી, કોરોના કુણો પડતા દોઢ મહિનામાં જ ૧૫ ફેબ્રુઆરીએ સંજીવની રથ અને ૧૮ ફેબ્રુઆરીથી ધન્વંતરિ રથ બંધ કરી દઈ સ્ટાફને છૂટો કરવા કોર્પોરેશને નિર્ણય લીધો હતો. પરંતુ કોરોના વોરિયર્સને પગાર નહિ મળતા કચવાટ વ્યાપી ગયો છે.
કલાર્ક રજા પર જતા મોડું થયું છે ડો. સિંહા
આરોગ્ય અધિકારી ડો. સિન્હાએ જણાવ્યું કે, એક ક્લાર્ક રજા પર જતાં તેમજ બીલમાં ભૂલ હોવાથી થોડું મોડું થયું છે પરંતુ બાબત ધ્યાને આવતા જ મેં સ્વયં ફોલોઅપ લઈ સ્ટાફને સત્વરે પગારના પૈસા મળી જાય એ માટે પ્રયાસો કર્યા હતા અને મોટાભાગના સ્ટાફને પગાર ચુકવાઈ ગયો છે, ૧૦-૧૨ નો પગાર બાકી છે તે જલ્દીથી ચુકવાઈ જશે. ફંડ કે ગ્રાન્ટનો કોઈ ઇશ્યુ નહિ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Previous articleરાણપુરમાં મુખ્યકુમાર શાળા ખાતે તાલુકા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ
Next articleભાવેણાવાસીઓ ગરમી માટે થઇ જાવ તૈયાર