સુકાની તરીકે ડેબ્યુ ટેસ્ટમાં વિજય મેળવનારો રોહિત ૧૦મો ભારતીય

84

નવી દિલ્હી, તા.૭
ભારતીય ટીમે શ્રીલંકા સામે મોહાલી ટેસ્ટ જીતીને શ્રેણીમાં ૧-૦થી વિજય પ્રાપ્ત કરી લીધો છે. આ જીત પછી એ નક્કી થઈ ગયું છે, કે રોહિત શર્મા કેપ્ટન તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં હારશે નહીં. જો શ્રીલંકાની ટીમ બીજી ટેસ્ટ જીતી જશે તો પણ સિરીઝ ૧-૧થી બરાબર થઈ જશે. રોહિત કેપ્ટન તરીકે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જીત મેળવનાર ૧૦મો ભારતીય ખેલાડી છે. ભારતના ટેસ્ટમાં ૩૫ કેપ્ટનોમાંથી ૧૩ કેપ્ટન ટેસ્ટ જીતી શક્યા નથી. માત્ર ૧૦ કેપ્ટન જ ટેસ્ટ મેચ જીતી શક્યા છે. પોલી ઉમરીગર કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ ખેલાડી હતા. તેમણે ૧૯૫૫માં ન્યુઝીલેન્ડ સામે જીત મેળવી હતી. તેમના પછી, સુનીલ ગાવસ્કરે ઓકલેન્ડમાં ન્યુઝીલેંન્ડ સામે પ્રથમ વખત ટીમનું સુકાન સંભાળ્યું હતું. રવિ શાસ્ત્રીએ માત્ર એક જ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. જેમાં ભારતીય ટીમે ચેન્નાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી હતી. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત કેપ્ટનશીપ કરી હતી. કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં તેને સફળતા મળી હતી. ત્યારબાદ દિલ્હીમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. બાદમાં આ યાદીમાં સૌરવ ગાંગુલીનું નામ પણ જોડાયું હતું. તેણે વર્ષ ૨૦૦૦માં બાંગ્લાદેશ સામે પ્રથમ વખત કેપ્ટનશીપ કરી હતી અને ટીમ ઈન્ડિયાએ તે મેચ જીતી હતી. ગાંગુલી બાદ વીરેન્દ્ર સેહવાગે કેપ્ટન તરીકે પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી હતી. તેઓએ ૨૦૦૫માં અમદાવાદમાં શ્રીલંકાને હરાવ્યું હતું. સેહવાગ બાદ અનિલ કુંબલેને પણ આવી સફળતા મળી હતી. તેણે ૨૦૦૭માં પાકિસ્તાન સામે પ્રથમ વખત કેપ્ટનશિપ કરી હતી અને ભારતીય ટીમ દિલ્હીમાં જીતી હતી. કુંબલેની ગેરહાજરીમાં મહેન્દ્ર સિંહ ધોનીને ૨૦૦૮માં પ્રથમ વખત કેપ્ટનશીપ મળી હતી. તેમણે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી હતી. ધોની બાદ આ લિસ્ટમાં અજિંક્ય રહાણે સામેલ થયો છે. કેપ્ટન તરીકેની તેની પ્રથમ મેચમાં તેણે ૨૦૧૭માં ધર્મશાલા ખાતે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી. ગયા વર્ષે, વિરાટ કોહલીની વિદાય બાદ રોહિત શર્માને પ્રથમ ટી૨૦માં પૂર્ણકાલીન કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પછી, કોહલીને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો હતો. રોહિતને ટી૨૦ બાદ વન-ડેની પણ જવાબદારી સોપવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ વિરાટે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી. રોહિતને ફરીથી ટેસ્ટની કમાન સોંપવામાં આવી હતી. હવે શ્રીલંકા સામે જીત્યા બાદ તે એક વિશિષ્ટ ક્લબમાં જોડાઈ ગયા છે. રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ભારતની કેપ્ટનશિપ કરનાર પાંચમા ખેલાડી છે. મોહાલીમાં જીત સાથે જ તેમણે પોતાનું નામ સ્પેશિયલ ક્લબમાં રજીસ્ટર કરાવી લીધુ હતું. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરતી વખતે ઓછામાં ઓછી એક મેચ જીતનાર તે ભારતનો પાંચમો કેપ્ટન છે. તેમના પહેલા, વીરેન્દ્ર સેહવાગ, મહેન્દ્ર સિંહ ધોની, અજિંક્ય રહાણે અને વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું અને ત્રણેયમાં ઓછામાં ઓછી એક મેચ જીતી હતી.

Previous articleબહેન ઈશિતાના લગ્નમાં છવાઈ કિયારા અડવાણી
Next article૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ મહિલા દિવસ ઉજવવામાંનું મહત્વ અને ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત થય ?