પાલીતાણા ખાતે ઢેબરા તેરસ-ફાગણ સુદ ૧૩ની યાત્રાની તૈયારીઓ પૂર્ણ

71

૧૫-૧૬ માર્ચ પાલિતાણામાં ગુંજી ઉઠશે જય જય આદિનાથનો જયઘોષ : ભાવનગર અને અન્ય ગામોના ૧૨૦૦થી વધુ સ્વયંસેવકો યાત્રાળુઓની સેવામાં જોડાશે : સિદ્ધપુર ખાતે ૯૯ જેટલા પાલ એટલે કે મંડપ વિવિધ મંડળો દ્વારા તૈયાર થશે
સદીઓની પરંપરા સાથે યોજાતી શેત્રુંજયની છ ગાઉની યાત્રા બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે ફરી યોજાવાની છે. ૧૬ માર્ચે ફાગણ સુદ તેરસની છ ગાઉની યાત્રા યોજાશે. કોરોના મહામારીને કારણે ૨૦૨૦ અને ૨૧ ના વર્ષમાં આ યાત્રા યોજાઈ ન હતી. સતત બે વર્ષ સુધી આ યાત્રા ન યોજાઈ હોય તેવી આ ઘટના ઈતિહાસમાં પ્રથમ વખત બની તેમ જૈન અગ્રણી સંજય ઠાર કહે છે. આ વર્ષે ફરી આ યાત્રામાં એક લાખથી વધુ જૈને – જૈનેતર ધર્મલાભ લેવા ઉમટી પડે તેવી સંભાવના છે અને આણંદજી કલ્યાણજી પેઢી એ તે અંગેની તૈયારીઓ કરી લીધી છે.

જૈન સમાજમાં ત્રણ તિથિનું ખાસ મહત્વ છે જેમાં કાર્તિકી પૂનમ કે જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય છે તે અને શેત્રુંજય પર ફરી દર્શન ખુલે છે, વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ જ્યારે પારણા થાય છે અને આ ફાગણ સુદ તેરસ કે જ્યારે આ યાત્રા યોજાય છે. આ ત્રણેય તિથિએ પાલીતાણામાં સમગ્ર દેશમાંથી જૈન સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડતો હોય છે. ફાગણ સુદ તેરસ તિથિનું જૈન ધર્મમાં વિશેષ મહત્વ છે અને તેનો સીધો સંબંધ આ છ ગાઉની યાત્રા સાથે રહેલો છે. જૈન શાસ્ત્રો મુજબ આ તિથિએ શેત્રુંજય ગિરિરાજ પરથી ભગવાન કૃષ્ણના પુત્ર સાંબ અને પ્રદ્યુમ્નકુમાર ૮.૫ કરોડ મુનિઓ સાથે મોક્ષ પદને પામ્યા છે. આથી આ તિથિએ શેત્રુંજય તળેટીથી શરૂ કરી સિદ્ધવડ સુધી આ છ ગાઉની યાત્રા મોક્ષ માર્ગે લઈ જનાર હોવાની જૈન સમાજની આસ્થા છે.
૨૦૧૯ પછી હવે ૨૦૨૨માં આ યાત્રા યોજાઈ રહી છે ત્યારે ભાવનગર અને અન્ય ગામોના ૧૨૦૦થી વધુ સ્વયંસેવકો યાત્રાળુઓની સેવામાં જોડાશે. સિદ્ધપુર ખાતે ૯૯ જેટલા પાલ એટલે કે મંડપ વિવિધ મંડળો દ્વારા તૈયાર થશે જેમાં સાધર્મિક ભક્તિરૂપે યાત્રાળુઓની વિવિધ અનુમોદના -સેવા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પાલમાં દસકાઓથી યાત્રાળુઓ માટે ઢેબરાની ખાસ વ્યવસ્થા થતી હોય આ યાત્રા અને તે પ્રસંગે ભરાતો મેળો ઢેબરાં તેરસના મેળા તરીકે જાણીતો છે. જૈન સમાજના મુખ્ય ફિરકાઓ પૈકી એકમાં તિથિની વિસંગતતા હોય ત્યારે બે દિવસ આ યાત્રા યોજાતી હોય છે. જો કે આ વર્ષે પેઢી દ્વારા જાહેર કર્યા મુજબ કોઈ તિથિ વિવાદ નથી અને ૧૬મી માર્ચે આ યાત્રા યોજવાની છે. પાલિતાણા તીર્થનો વહીવટ સંભાળતી અઢીસો વર્ષ કરતાં પણ જૂની આ આણંદજી કલ્યાણજી પેઢીના ભાવનગરના પ્રતિનિધિ મનિષભાઇ કનાડીયાના જણાવ્યા મુજબ, કાર્તિકી પૂનમ બાદ ફરી ગિરિરાજ ખુલ્યો ત્યારે ભાવિકો આવ્યા હતા પરંતુ કોરોના બાદ પાલિતાણામાં પુરી ભવ્યતાથી આ પ્રથમ પ્રસંગ ઉજવાશે. આ છ ગાઉની યાત્રા ક્યારે શરૂ થઈ તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, વિક્રમ સંવત પૂર્વેથી એટલે કે ૨૦૭૮ વર્ષ પૂર્વેથી આ યાત્રા ચાલી રહી હોવાનું નોંધાયેલું છે જો કે નિશ્ચિત સમય કહેવો મુશ્કેલ છે. પાલીતાણા જૈન તીર્થ ઉપરાંત ધર્મશાળાઓનું નગર કહી શકાય અને અહીં આવા પર્વ, ઉત્સવ અને ધાર્મિક કાર્યક્રમો સમયે આ શહેરની રોનક કંઈક અલગ હોય છે. બે વર્ષના અંતરાલ બાદ ફરી ૧૫-૧૬ માર્ચ જૈન યાત્રાળુઓ અને જય આદિનાથ, જય જીનેન્દ્રના ઘોષથી આ નગરની રોનક ફરી ખીલી ઉઠશે.

Previous articleભાવનગરનો એ ચા વાળો ગ્રાહકોને ચાની સાથે પીરસે છે લાઈવ મ્યુઝિક, રજનીકાંત સ્ટાઈલમાં ઉકાળે છે ચા
Next articleભાવનગર રેલવે મંડળના કર્મચારીઓએ ટ્રેનમાં મુસાફરોનો ખોવાયેલો કિંમતી સામાન પરત કર્યો