વરતેજ ખાતેથી સુજલામ-સુફલામ જળ અભિયાનના પાંચમા ચરણનો પ્રારંભ કરાવતાં જીતુભાઈ વાઘાણી

78

આ અભિયાન અંતર્ગત કાંસ સફાઈ,તળાવ ઊંડા કરવાં,જમીન પાળા,ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડીસિલ્ટિંગના આશરે રૂ.૧,૭૬૪ લાખના કુલ- ૬૬૭ કામો હાથ ધરવામાં આવશે
શિક્ષણ મંત્રી વાઘાણીએ આજે ભાવનગર જિલ્લાના વરતેજ ખાતેથી સુજલામ-સુફલામ જળ અભિયાનના પાંચમા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે,સુજલામ -સુફલામ જળ અભિયાનએ ધરતીને નવપલ્લવિત કરવાં સાથે ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનું જન અભિયાન છે. સુજલામ- સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં મળેલ સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, આવનારી ભવિષ્યની પેઢીને પાણીથી સભર બનાવવા માટેનું આ જળ અભિયાન છે. પાણીનું જળ ચક્ર વિક્ષેપિત થવાને કારણે આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી સમસ્યાઓ ઉદભવી છે. આ પાણીના ચક્રને ફરીથી સુનિયોજિત કરવાં માટે આ અભિયાન ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે. મંત્રીએ જણાવ્યું કે, પ્રભુના પ્રસાદ રૂપે ધરતી પર પડેલું પાણી દરિયામાં વહી ન જાય અને તેનો અટકાવ કરી સંગ્રહ થાય તે માટે આ અભિયાન અંતર્ગત વ્યાપક પ્રમાણમાં નદી- નાળાની સફાઈ સહિતના કાર્યો હાથ ધરવામાં આવે છે.આ વર્ષે આ માટે રાજ્યમાં રૂ. ૫૦૦ કરોડ આ માટે ફાળવવામાં આવ્યાં છે. જ્યારે ભાવનગર માટે ૧૭ કરોડનો ખર્ચ આ અભિયાન માટે થનાર છે. મંત્રીએ ઉમેર્યું કે, જે.સી.બી. મશીન એક સમયે જોવાનો વિષય હતો. તે આજે સામાન્ય બન્યો છે. દરેક ગ્રામ સુધી વ્યવસ્થાઓમાં બદલાવ કરીને લોકોને ઉપયોગી થઇ શકાય તેવી સુદઢ વ્યવસ્થાઓ ઉભી કરીને ગામમાં પણ આર.સી.સી. રોડ, ગટર વ્યવસ્થા જેવી કલ્પી પણ ન હોય તેવી વ્યવસ્થાઓ આજે ઊભી કરી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોક વિકાસના કાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે.આ ગ્રાન્ટનો ઉપયોગ કરીને સરપંચને સમાજમાં જશ મળે છે. તેથી આજે ગ્રામ્ય સ્તરે સરપંચ બનવા માટે પણ સ્પર્ધા થવા લાગી છે. ભાવનગર જિલ્લામાં સૌની યોજનાથી શેત્રુંજી ડેમ, રંઘોળા ડેમ, અને બોર તળાવ પાણીથી છલોછલ ભરાયેલાં રહે છે તેની વિગતો તેમણે આપી હતી.
સમાજ માટે આ આ ભગીરથ કાર્ય છે તેમ જણાવી તેમણે આ જળઅભિયાનથી રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં ૪૭૯ કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે. વર્ષ- ૨૦૨૧ માં ૧૭૧ કરોડ લીટર પાણી દરિયામાં વહી જતું હતું તેનો સંગ્રહ કરી શકાયો છે. મંત્રીએ જિલ્લામાં ૩૧મી મે સુધીમાં તમામ કાર્યો પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યોથી નદીઓ પુનર્જીવિત થશે સહિતની વિસ્તૃત સમજ આપી હતી. ભાવનગર જિલ્લામાં સુજલામ- સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના વિવિધ કામો હાથ ધરવામાં આવનાર છે. જેનાં પાછલાં વર્ષોમાં ખૂબ સારા અને સકારાત્મક પરિણામો મળ્યાં છે.જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિરાટ અભિયાનની સફળતાની તેમણે શુભકામના પાઠવી હતી. ભાવનગરના મેયર કીર્તિબાળા દાણીધારીયાએ જણાવ્યું કે, સુજલામ-સુફલામ જળસંચય અભિયાનથી જિલ્લાના નદી, તળાવ ઊંડા થશે. તેની પાણી ગ્રહણ કરવાની ક્ષમતામાં વૃદ્ધિ થવા સાથે તે પૂર્ણ રીતે ભરાતાં તેની સુંદરતામાં પણ વધારો થશે.
જિલ્લા કલેકટરયોગેશ નિરગુડેએ જણાવ્યું કે,જિલ્લામાં વર્ષ-૨૦૧૮ થી જળ સંચય-જળ સંગ્રહના કામો વ્યાપક પ્રમાણમાં હાથ ભરવામાં આવે છે. આ વખતે પણ ઘણી બધી કામો માટેની અરજીઓ આવી હતી. એમાંથી અત્યારે ૬૬૭ કામોને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે હજુ આગળ વધુ કામોને મંજૂરી આપવામાં આવશે.ભાવનગર જિલ્લામાં જળસંપતિ વિભાગ, નગરપાલિકાઓ, વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ વિવિધ જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે.આ અભિયાન દરમિયાન કાંસ સફાઈ,તળાવ ઊંડા કરવા,જમીન પાળા,ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડીસિલ્ટિંગના કામો હાથ ધરવામાં આવશે. માલેસરી નદી, મેલડી માતાના મંદિર પાસે, સોળવદરા રોડ ખાતે યોજાયેલાં આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી જનકાત, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ડી.આર.પટેલ, વરતેજ ગામના સરપંચ, પદાધિકારીઓ-અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

શિક્ષણ મંત્રીએ સુજલામ-સુફલામ જળ અભિયાનના પ્રારંભ પ્રસંગે જાતે જે.સી.બી. મશીન ચલાવ્યું
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે જિલ્લા કક્ષાના સુજલામ – સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવાના પ્રસંગે જાતે જે.સી.બી. મશીનની કમાન સંભાળીને આ અભિયાનની શરૂઆત કરાવી હતી. પોતાના મામાના ગામ અને પોતે જે નદીમાં નાનપણમાં છબછબીયા કરવાનો આનંદ ઉઠાવ્યો છે તે માલેસરી નદી ખાતેથી આજે શરૂ થયેલા જળ અભિયાન અંતર્ગત તેમણે સમાજના અએક અદના નાગરિક તરીકેની ફરજ નિભાવતા પોતે જે.સી.બી. મશીન પર સવાર થઈને જે.સી.બી. મશીન ચલાવ્યું હતું.

Previous articleબે વર્ષનો હિસાબ સરભર કર્યો યુવાવર્ગે મનભરીને માણ્યો રંગોત્સવ
Next articleભાવનગરની ફિલ્મ અભિનેત્રી આરતી જોષી એ “ધ કાશ્મીર ફાઇલ”નો મહિલાઓ માટે ફ્રી શો યોજાયો