પરિવારમાં દરેક જણ ખુશ રહેશે કારણ કે એક ભાઈને વિકેટ મળી અને બીજાને જીત.: હાર્દિક પંડયા

256

મુંબઇ,તા.૨૯
આઇપીએલ ૨૦૨૨ ની રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્‌સને ૫ વિકેટે હરાવી ટુર્નામેન્ટમાં જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી. આઇપીએલના ઈતિહાસમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી, જેથી ચાહકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો. જો કે મેચમાં આવી ઘણી ક્ષણો હતી, જે ચાહકોને યાદ હશે, પરંતુ સૌથી રસપ્રદ બે ભાઈઓની ટક્કર હતી. જ્યારે કૃણાલ પંડ્યા સામે ભાઈ હાર્દિક પંડ્યા આવ્યો હતો. અગાઉ, પંડ્યા ભાઈઓ આઇપીએલમાં એક જ ટીમ (મુંબઈ ઈન્ડિયન્સ) તરફથી રમતા હતા, પરંતુ આ વખતે તેમની ટીમ બદલાઈ ગઈ છે. જ્યારે મોટા ભાઈ કૃણાલને લખનઉ સુપરજાયન્ટ્‌સે ખરીદ્યો હતો,ત્યારે નાના ભાઈ હાર્દિકને ગુજરાત ટાઇટન્સે તેમનો કેપ્ટન બનાવ્યો હતો. બધા જ તે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા જ્યારે બંનેની પીચ પર ટક્કર જોવા મળે અને તે ક્ષણ આવી ગઈ.
મેચમાં ૧૫૯ રનના ટાર્ગેટનો પીછો કરવા ગુજરાતની ટીમ ઉતરી ત્યારે તેની શરૂઆતની બે વિકેટ સસ્તામાં પડી હતી અને હાર્દિક પંડ્યા પીચ પર આવ્યો હતો. જ્યારે હાર્દિક ૨૭ બોલમાં ૩૩ રન બનાવીને પોતાની ટીમને મક્કમતાથી પાટા પર લાવી રહ્યો હતો ત્યારે ઈનિંગની ૧૧મી ઓવરમાં તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરના પહેલા જ બોલ પર કૃણાલે હાર્દિકને મનીષ પાંડેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વિકેટ તો મળી પરંતુ કૃણાલે તેની ઉજવણી ન કરી. જ્યારે હાર્દિકની પત્ની નતાશા હાજર હતી તે સ્ટેન્ડ પર સૌથી રસપ્રદ નજારો જોવા મળ્યો હતો, તે મૂંઝવણમાં દેખાતી હતી. મેચ બાદ જ્યારે હાર્દિક પંડ્યાને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે વિકેટ ગુમાવવી નિરાશાજનક હતી પરંતુ બાદમાં જીત મળી જેનાથી રાહત મળી. તેણે કહ્યું કે પરિવારમાં દરેક જણ ખુશ રહેશે કારણ કે એક ભાઈને વિકેટ મળી અને બીજાને જીત.

Previous articleસાસુ-વહુની સીરિયલમાં કામ કરવા તૈયાર ટિ્‌વન્કલ
Next article૧૮૫૭ ની ક્રાંતિ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )