CSK ને આંચકો : દીપક ચહર IPLની આખી સિઝનમાંથી બહાર થઇ શકે છે

377

મુંબઇ,તા.૧૨
આઇપીએલની આ સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખૂબ જ ખરાબ ચાલી રહી છે. સતત પ્રથમ ૪ મેચ હારી ચૂકેલી ચેન્નઈને હવે વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. ચેન્નાઈના ફાસ્ટ બોલર દીપક ચહર સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે, જ્યાં તે કદાચ આ વર્ષે આઇપીએલથી દૂર રહેશે એટલે કે તેની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. દીપક ચહર, જે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે, તે હવે આખી સિઝન માટે રમતમાંથી બહાર થઈ શકે છે, કારણ કે મીડિયા અહેવાલો અનુસાર, દીપક ચહરને પીઠમાં ઈજા થઈ છે. જો કે હાલમાં દીપક ચહરની આ ઈજા કેટલી ગંભીર છે તે અંગે બોર્ડ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ, હેમસ્ટ્રિંગની ઈજા પછી પીઠની ઈજા દીપકની પુનરાગમનની આશાઓને તોડી પાડી શકે છે. દીપકની ગેરહાજરીને કારણે ચેન્નાઈ પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. કારણ કે, દીપક સીએસકેનો મુખ્ય બોલર છે, સાથે જ તેની બેટિંગ પણ ઘણી સારી છે. આવી સ્થિતિમાં જો દીપક ચહર આઇપીએલની આખી સિઝનમાંથી બહાર થઈ જશે તો તે ચેન્નાઈ માટે ચિંતાનો વિષય બની જશે. આઇપીએલ મેગા ઓક્શનમાં દીપક ચહરને ચેન્નાઈ સુપર કિંગ્સે ૧૪ કરોડમાં ખરીદ્યો હતો.આઇપીએલન્માં ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ દીપક ચહરની ફિટનેસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કારણ કે, જો દીપક ચહર ઓક્ટોબરમાં રમાનાર ટી-૨૦ વર્લ્‌ડ કપ પહેલા સંપૂર્ણ રીતે ફિટ નહીં થાય તો તે ભારતીય ટીમ માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે.

Previous articleમોનાલિસાએ બ્લેક શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે