ઓનલાઇન અભ્યાસથી બાળકોની આંખો પર ગંભીર અસર

59

બાળકોની આંખોની તકલીફના મારી કારકિર્દીમાં મેં જેટલા કુલ કેસ નથી જોયા તેટલા કેસ છેલ્લા બે વર્ષમાં જોયા છે : ડૉ. જનક શાહ
ઓનલાઇન અભ્યાસ તથા સતત મોબાઇલનો ઉપયોગ આ સમસ્યાને કારણે બાળકો માનસિક સ્થિતિને મોટી અસર થઈ છે અને આંખોની તકલીફ પણ ગંભીર રીતે વધી છે. મુંબઈના આઈ સર્જન અને પીડિઆટ્રિક ઓપ્થેલ્મીક કેમ્પ માટે ભાવનગર આવેલા ડૉ.- સર્જન જનક શાહ કહે છે કે, બાળકોની આંખોની તકલીફના મારી કારકિર્દીમાં મેં જેટલા કુલ કેસ નથી જોયા તેટલા કેસ છેલ્લા બે વર્ષમાં જોયા છે.

ડૉ. શાહ કહે છે કે, બાળકોની આંખોની તકલીફ ખૂબ ગંભીર રીતે વધી રહી છે મોબાઈલ પર ઓન સ્ક્રીન રહેવાને કારણે આંખો સુકાઈ જવી, પ્રકાશની તકલીફ, વિઝનમાં મુશ્કેલી, ફોકસ થવામાં સમસ્યા સહિતની તકલીફો ખૂબ વધી છે. આની હજુ વધુ અસરો આગળના સમયમાં જોવા મળશે. હવે આ મોબાઇલ સાવ ટાળી શકાય તેમ નથી પરંતુ યોગ્ય આયોજન અને કાળજી લેવામાં નહીં આવે તો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. શહેરની પી.એન.આર. હોસ્પીટલમાં દર બે મહિને વિના મૂલ્યે પીડિઆટ્રિક ઓપ્થેલ્મીક કેમ્પ યોજાતો હોય છે અને લાભ લેવા ઠેર ઠેરથી લોકો આવતા હોય છે. ગત મહિને ૬૭મો વિનામૂલ્યે પીડિઆટ્રિક ઓપ્થેલ્મીક કેમ્પ યોજાઈ ગયો. પી.એન.આર. સોસાયટી દ્વારા વર્ષ ૨૦૦૫થી બાળકોની ત્રાંસી આંખ અને બાળકોના મોતિયોના નિદાન અને સારવાર કેમ્પ યોજાઈ રહ્યા છે. ૧૭ વર્ષ દરમિયાન ૬૭ કેમ્પ થયા છે અને ૯૯૫થી વધુ બાળકોના વિનામૂલ્યે ઓપરેશન થયા છે.
આ કેમ્પ માટે નિષ્ણાંત સર્જન જનક શાહ અને પ્રિતી શાહ નિયમિત મુંબઈથી આવતા હોય છે.બાળકોની આંખોની મુશ્કેલી અંગે વાત કરતા તેઓ કહે છે કે, વાલીઓની બેદરકારી અને યોગ્ય સમયે નિદાન અને સારવાર માટે બાળકને ન લઈ આવવાની લાપરવાહીને કારણે બાળકોને હેરાન થતા જોઈએ છીએ. ખાસ કરીને ત્રાંસી આંખના કિસ્સાઓમાં બાળક નાનું હોય ત્યારે ’ લોહી ભરાતા બરાબર થઈ જશે, બાળક મોટું થશે એટલે આપોઆપ સરખું થઈ જશે’ આવી સલાહ માનીને યોગ્ય કરતા નથી અને પછી મુશ્કેલી વધી જાય છે. બાળકોની ત્રાંસી આંખે અંગે વાત કરતા ડૉ.પ્રિતી શાહે જણાવ્યું કે, મોટાભાગે આ જન્મજાત ખામી હોય છે ઉપરાંત તાવ તને અન્ય બીમારીમાં પણ આંખ ત્રાંસી થઈ જવાની ઘટનાઓ બનતી હોય છે. યોગ્ય સમયે સારવાર અને જરૂર જણાયે ઓપરેશન કરાવવામાં આવે તો દર્દીને સીધું અને સ્પષ્ટ જોતો કરી શકાય છે. અમુક સમય બાદ ત્રાંસી આંખ કામ કરવાનું બંધ કરી દે તે પછી સારવાર અને સર્જરી મુશ્કેલ બનતી જાય છે. પીએનઆર સંસ્થાના ટ્રસ્ટી બાબાભાઈએ જણાવ્યું હતું કે, સેવાને સમર્પિત ડૉ. જનક શાહ અને પ્રિતી શાહ ૨૦ વર્ષથી મુંબઈની પોતાની પ્રેકટીસ છોડીને નિયમિત આવે છે? અને આ દંપતી બાળકોના ઓપેરશન કરી અચૂક પાલીતાણાની જાત્રા પણ કરતાં હોય છે.

Previous articleલોકભારતી લોકસેવા મહાવિદ્યાલય , સણોસરા ખાતે સ્ટેટ લેવલ વર્કશોપનું ભવ્ય આયોજન
Next articleફુલે બાયોપિક : એક્ટર પ્રતીક ગાંધી બનશે મહાત્મા ફુલે