તણસા નજીક ટ્રક અને કાર અથડાતા ૨ યુવાનના મોત

76

તળાજાના યુવાનો કાર લઈ મિત્રના પિતાને ડાયાલીસીસ કરાવવા ભાવનગર જઇ રહ્યા હતા : અકસ્માતમાં ઘવાતા ત્રણને ભાવનગર સારવારમાં ખસેડાયા, ગોજારી દુર્ધટનાના પગલે ભારે અરેરાટી સાથે આક્રંદ છવાયો
તળાજાના દિનદયાળનગરમાં રહેતા ચાર યુવાન આજે મિત્રને ડાયાલીસીસ કરાવવા સબબ કારમાં ભાવનગર જઇ રહ્યા હતા તે વેળાએ તણસા નજીક કારનો ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાતા બે યુવાનના ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજવા પામ્યા હતાં. જ્યારે અન્ય ત્રણને ભાવનગર સારવારમાં ખસેડાયા હતાં. ગોજારી દુર્ઘટનાના પગલે ભારે અરેરાટી સાથે આક્રંદ છવાઇ જવા પામ્યો હતો. બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર તળાજાના દિનદયાળનગરમાં રહેતા ભાવેશભાઇ વશરામભાઇ બારૈયા પોતાની સ્વીફ્ટ કાર નં.જીજે-૧૧-એબી-૯૦૯૭ લઇ તેઓના મિત્ર પ્રવિણભાઇ નાથાભાઇ પરમાર, આશાપુરા હોટલમાં પાનની દુકાન ચલાવતા જયુભા ગોહિલ, રવુભા શિવુભા ગોહિલ અને આશાપુરા હોટલમાં મજુરીકામ કરતા વિજયપાલ સાથે ભાવનગર રવુભા ગોહિલને ડાયાલીસીસ કરાવવાનું હોય જે સબબ આજે સવારે હનુમાન જયંતિના અવસરે ભાવનગર જવા માટે નિકળ્યા હતા તે વેળાએ સવારે ૧૦.૩૦ કલાકના અરસા દરમિયાન ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ઘોઘા તાલુકાના તણસા ગામથી આગળ પહોંચતા સ્વીફ્ટ કારનો ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાતા કારનો બુકડો બોલી ગયો હતો. જ્યારે અકસ્માતના પગલે ભાવેશભાઇ બારૈયા અને તેના મિત્ર પ્રવિણભાઇ પરમારનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને એક કલાકની ભારે જહેમત બાદ બંને મૃતક યુવાનને કારમાંથી બહાર કાઢ્યા હતાં. અકસ્માતના પગલે અન્ય જયુભા ગોહિલ અને તેઓના પિતા રવુભા ગોહિલને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતાં. ઉક્ત ગોજારી દુર્ઘટનાના પગલે ભારે અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઇ જવા પામી હતી. જ્યારે બનાવની જાણ થતા ઘોઘા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને મૃતક યુવાનનો કબ્જો સંભાળી પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઘોઘા તાલુકાના તણસા નજીક આજે સવારે ગોજારી દુર્ઘટના સર્જાતા તળાજાના દિનદયાળનગરમાં રહેતા ભાવેશભાઇ બારૈયા અને તેના મિત્ર પ્રવિણભાઇ પરમારના કમકમાટીભર્યા મૃત્યુ નિપજવા પામ્યા હતાં. જાણવા મળ્યા મુજબ મૃતક કાર ચાલક ભાવેશભાઇ બારૈયાનું વેવિશાળ બોરડા ગામે થયું હતું અને આગામી વૈશાખ મહિનામાં લગ્ન પણ લેવાના હતા. જ્યારે અન્ય પ્રવિણભાઇ પરમાર દિનદયાળનગરમાં દરજી કામની દુકાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું.

Previous article૨૩માં ગુજરાત લિગ્નાઈટ માઈન્સ સેફટી એન્ડ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાઈ
Next articleભાવનગરના યુવરાજે પાળિયાદ વિહળધામની મુલાકાત લઈ વિહળાનાથના દર્શન કર્યા