રાશિદ-તેવાટિયાએ ગુજરાતને દિલધડક વિજય અપાવ્યો

211

નવી દિલ્હી,તા.૨૮
આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં બુધવારે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલો મુકાબલો અંતિમ બોલ સુધી દિલધડક રહ્યો હતો. જોકે, આ મેચમાં ગુજરાત ટાઈટન્સે વધુ એક વખત દિલધડક વિજય નોંધાવ્યો હતો જેમાં રાશિદ ખાન અને રાહુલ તેવાટિયા વિજયના હીરો રહ્યા હતા. ગુજરાત ટાઈટન્સે મેચના અંતિમ બોલ પર વિજય નોંધાવીને સનરાઈઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદે નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૯૫ રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમે ઓપનર રિદ્ધિમાન સહાની આક્રમક ૬૮ રનની ઈનિંગ્સ તથા રાહુલ તેવાટિયા અને રાશિદ ખાનની તોફાની બેટિંગની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૯ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. આ વિજય સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ગુજરાતે આઠ મેચમાં સાત મેચ જીતી છે અને તેના ૧૪ પોઈન્ટ છે. હદૈરાબાદનો પરાજય થતાં ઝડપી બોલર ઉમરાન મલિકની પાંચ વિકેટ તથા અભિષેક શર્મા અને એઈડન માર્કરાનની અડધી સદી એળે ગઈ હતી. અંતિમ ઓવરમાં ગુજરાત ટાઈટન્સને જીતવા માટે ૨૨ રનની જરૂરી હતી. બેટિંગમાં રાહુલ તેવાટિયા અને રાશિદ ખાન હતા. માર્કો જેનસેને કરેલી અંતિમ ઓવરના પ્રથમ બોલ પર રાહુલ તેવાટિયાએ સિક્સર ફટકારી હતી. બીજા બોલ પર તેણે એક રન લીધો હતો. હવે સ્ટ્રાઈક પર આવ્યો હતો રાશિદ ખાન અને તેણે ત્રીજા બોલને બાઉન્ડ્રી બહાર ફટકારતા સિક્સર ફટકારી હતી. આમ હવે ગુજરાતને ત્રણ બોલમાં નવ રનની જરૂર હતી. ચોથો બોલ ખાલી ગયો હતો. હવે ટીમને બે બોલમાં નવ રનની જરૂરી હતી. જોકે રાશિદ ખાને અંતિમ બે બોલમાં બે સિક્સર ફટકારીને ગુજરાતને દિલધડક વિજય અપાવ્યો હતો. રાહુલ તેવાટિયાએ ૨૧ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી અણનમ ૪૦ રન ફટકાર્યા હતા. જ્યારે રાશિદ ખાન ૧૧ બોલમાં ચાર સિક્સરની મદદથી ૩૧ રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો. ૧૯૬ રનના લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી ગુજરાતની શરૂઆત શાનદાર રહી હતી. રિદ્ધિમાન સહા અને શુભમન ગિલની જોડીએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. આ જોડીએ ૭.૪ ઓવરમાં ૬૯ રનની ભાગીદારી નોંધાવી હતી. ગિલ ૨૪ બોલમાં ૨૨ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે રિદ્ધિમાન સહાએ તાબડતોબ બેટિંગ જારી રાખી હતી. ટીમને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ૩૮ બોલમાં ૧૧ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૬૮ રન ફટકાર્યા હતા. સુકાની હાર્દિક પંડ્યા ૧૦ રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે ડેવિડ મિલરે ૧૭ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે બાકીનું કામ રાશિદ ખાન અને રાહુલ તેવાટિયાએ પુરૂ કર્યું હતું.

Previous articleઅભિનેત્રી આસ્થા ચૌધરી લગ્નના તાંતણે બંધાઈ
Next articleટાઈ- પ્રિ સ્કૂલ એસો. અને દક્ષિણામૂર્તિ દ્વારા યોજાયો શિક્ષકોનો વર્કશોપ