યુવાનને જીવતો સળગાવી દેવાના ગુન્હામાં પાલીતાણાના બે શખ્સોને આજીવન કેદ

57

એક વર્ષ પૂર્વેના કેસનો ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીનો ચુકાદો: દસ દસ હજારનો દંડ
એક વર્ષ પૂર્વે પાલીતાણાના હુસૈની ચોકમાં રહેતા મહેબુબશા રૂસ્તમશા પઠાણ ઉ.વ.૧૯ નામના યુવાનને બે શખ્સોએ રાત્રીના સમયે પેટ્રોલ છાંટી સળગાવી દઈ મોત નિપજાવેલ આ અંગેની મૃતકની ફરિયાદના આધારે બે આરોપીઓને ભાવનગર ડિસ્ટ્રીકટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહેબુબશા પઠાણ નામના યુવાને પાલીતાણા જયદિપ ઉર્ફે લાલો પ્રતાપભાઈ કોટીલા અને મહિપતભાઈ ઉર્ફે ભયલું બહાદુરભાઈ કોટીલા પાસેથી વ્યાજે પૈસા લીધેલા જેની બન્ને શખ્સો વાંરવાર ઉઘરાણી કરતા મહેબુબશાએ હમણા પૈસા નથી તેમ કહેતા ગત તા.૨-૪-૨૦૨૧ના રોજ બંન્ને શખ્સોએ મહેબુબશા પાસે પેટ્રોલ તથા બીડી બાકસ મંગાવેલ અને રાત્રીના ડો.ત્રિવેદીના દવાખાના પાસે બોલાવેલ જ્યાં બન્ને અગાઉથી હાજર હતા ત્યારે મહેબુબશાને કહેલ પૈસા દેવાના છે ? જેના જવાબમાં મહેબુબશાએ હમણા પૈસા નથી તેમ કહેતા જયદિપભાઈ અને મહિપતભાઈએ મહેબુબશા પાસેથી પ્લાસ્ટીકની થેલીમાં લાવેલ પેટ્રોલ લઈ તેની ઉપર છાંટી દીધેલ અને દિવાસળી ચાંપી સળગાવી દીધેલ. જેમાં ગંભીર હાલતે મહેબુબશાને હોસ્પિટેલ ખસેડાયેલ જ્યાં તેણે બંન્ને શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલ ત્યારબાદ તેનું મૃત્યુ થયેલ પોલીસે બન્ને ઝડપી લીધા હતા. આ બનાવ અંગેનો કેસ આજે ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ મિતેષભાઈ મહેતાની દલિલો અને આધાર પુરાવા ગ્રાહ્ય રાખી બન્ને શખ્સોને કસુરવાર ઠેરવી ડિસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીએ બન્નેને આજીવન કેદની સજા તથા રૂપીયા દસ દસ હજારનો દંડ ફટકાર્યો હતો અને મરણજનારના પરિવારને વળતર પેટે ૫૦-૫૦ હજાર ચુકવવા પણ હુકમ કર્યો હતો.

Previous articleજેમ સુરતીઓ હીરો ચમકાવે તેમ ખેડૂત અને તેના પરસેવાને પણ ચમકાવે : વડાપ્રધાન મોદી
Next articleયુવાનની હત્યા કરનાર માતાના પ્રેમીને આજીવન કેદ