આપણું ભવિષ્ય :- સારંગપ્રીત (વચનામૃત : જીવન માર્ગદર્શક )

103

કોઈ પણ બહુમાળી ઈમારતનું ભવિષ્ય તેના પાતાળમાં પુરાયેલા પાયા પરથી પંકાય છે,વિશાળ વટવૃક્ષનીઆવતી કાલ જમીનમાં દટાયેલાં અદૃશ્ય મૂળ પરથી અંકાય છે.તેમ, માતા-પિતાનું વૃદ્ધત્વ ઉજળું છે કે ધુંધળું તે પોતાના પુત્રના પારણામાંથી ડોકાય છે.
ગુજરાતી ભાષામાં એક કહેવત ખૂબ પ્રચલિત છે કે ‘પુત્રના લક્ષણ પારણેથી’. માતા-પિતાના ભવિષ્યના દીપ ઉજાળે તે દીકરો અને જે માતા-પિતાને તરછોડે તે છોકરો.
મનીષીઓ તારણ કાઢે છે કે સાંપ્રત વિશ્વમાં દીકરાઓ કરતાં છોકરાઓની જમાત દિનબદિન વધતી જાય છે.
૧ જૂન, ૨૦૦૧, નેપાળ
નેપાળનો રાજકુમાર દીપેન્દ્ર, દેવયાની રાણા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરવા માંગતો હતો. પરંતુ, પોતાની માતા અને નેપાળની રાજમાતા ઐશ્વર્યાને દેવયાનીના વંશ સાથે વર્ષો જૂની દુશ્મનાવટ હોવાથી તેણે આ દરખાસ્ત નામંજૂર રાખી.
લગ્ન માટે અન્ય કન્યાઓ બતાવી પરંતુ દીપેન્દ્રનું મન માનતું ન હતું. આજે, નારાયણ પેલેસ ડાઇનિંગ હોલમાં ડિનર મિટિંગ દરમ્યાન આ વિષયક વાત નીકળી. દીપેન્દ્રને માતા-પિતા સાથે ઝઘડો થયો.
રોષે ભરાયેલ દીપેન્દ્ર ડિનર અડધું મૂકી ઊભો થઈ ગયો. સિક્યોરિટિ ગાર્ડના હાથમાંથી સબમશીનગનથીપોતાના પિતા બિરેન્દ્ર, રાજ માતા ઐશ્વર્યા અને ભાઈઓ સહિત આઠ રાજવી પરિવારના સભ્યોની હત્યા કરી અંતે કૂળદીપક દીપેન્દ્ર પોતે પોતાના લમણે ગોળી મારી ઓઝલ થઈ ગયો.
એ રાજવી પરિવારનું ભવિષ્ય હંમેશ માટે રાજકુમાર દીપેન્દ્રના હસ્તે જ હોલવાઈ ગયું. આવા કેટલાય કુળ દીપકો દર વર્ષે બે લાખથી વધારે વૃદ્ધ માતા-પિતાને અજાણ્યા રસ્તા પર છોડી ચાલ્યા જાય છે.
ભારતમાં ૩૮૪ કરતાં વધારે વૃદ્ધાશ્રમોમાં ૩૬,૩૦૦ થી વધુ વૃદ્ધ-માતા-પિતા પોતાનું શેષ જીવન આવા કુળ દીપકોએ આપેલી નિરાશાનાઘોર અંધકારમાં વિતાવી રહ્યા છે.
વર્ષ ૨૦૦૭માં ‘હેલ્થ એજ ઇન્ડિયા’ નામની સંસ્થાએ કરેલા સર્વેક્ષણ મુજબ ભારતમાં ૪૭ ટકા મા-બાપને પોતાના જ સંતાનો ઘરમાંથી હડસેલી મૂકે છે અથવા તો તેમને એકલા મૂકીને છોકરા એકલા રહેવા લાગે છે.
વિશ્વમાં પોતાના જ સંતાનો સંપત્તિનો હક મેળવવા માતા-પિતાની સામે કોર્ટ કેસમાં પડ્યા હોય એવા યુવાનોની સંખ્યા લાખોમાં છે.
પોતાના માતા-પિતાનું એક યા બીજી રીતે ખૂન કરનાર અથવા કરાવનાર સંતાનોની વધતી સંખ્યાચિંતાનું કારણ છે.
પ્રેમ લગ્ન કરવા માટે પોતાના માતા-પિતાને છોડી ભાગી જનાર સંતાનોનાકિસ્સા રોજબરોજ કેટલાય બને છે.
લગ્ન બાદ પોતાના માતા-પિતાથી જુદાં રહેનાર સંતાનો આપણામાંથી જ કોક હશે ને?
જ્યારે, આવા ચોંકાવનારા કે સનસનીખેજ કિસ્સાઓ કે આંકડાઓ વર્તમાન પત્રો, મેગેઝિનો કે સોશિયલ મિડિયા પર વાંચીએ છીએ ત્યારે, આપણેપણ આમાંના એક નહીં હોઈએ?એ પ્રશ્ન સાહજિક થઈ આવે છે.
જેઓની સંભાળ પાછળ માતા-પિતાએ ખૂબ ભોગ આપ્યો હોય છે તેઓના જ ભોગ પોતાના સંતાનો શા માટે લેતા હશે?
આ પ્રશ્ન આજના યુગમાં અત્યંત પ્રાસંગિક છે.
ભારતભરમાં આદર્શ બાળપ્રવૃત્તિ કરવા બદલ ભારત સરકારે જેમણે રાષ્ટ્રપતિ એવોર્ડથીસન્માન્યા હતા. તેવા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ આનો જવાબ આપતાં કહે છે કે, ‘જો તમે તમારા સંતાનોને નહીં સાચવો તો તમારે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.’ અમૂક વાલીઓ પ્રત્યે ઉચ્ચારાયેલુંઆ ભવિષ્યકથન સમગ્ર વિશ્વના વાલીઓએ ગાંઠે બાંધી લેવા જેવું છે. કારણ કે મોર્ડન બનવાની મહેચ્છાએ અને આધુનિક બનવાની ઘેલછાએ આજે વાલીઓ પોતાની જવાબદારીથી અજ્ઞાત વધારે બનતા જાય છે.
અમેરિકન અર્થશાસ્ત્રી લોરેન્સ ઓલ્સન જણાવે છે કે, દરેક વાલી પોતાનો પુત્ર પગભર થાય ત્યાં સુધી તેની માવજજત પાછળ લગભગ ૨,૨૬,૦૦૦ ડોલર ખર્ચે છે.
હવે આપણે વિચાર કરીએ કે જો આટલું રોકાણ આપણે આપણો નવો વ્યવસાય કરવામાં કરવાનાં હોઈએ તો કેટલું પ્લાનિંગ કરીએ?
માત્ર બાળકોની જરૂરિયાતો પૂરી કરવી એટલી જ આપણી ફરજ નથી. તેઓના અને આપણા ભવિષ્ય માટે એમને સંસ્કાર આપવા એ પણ આપણી જવાબદારી છે.
સંસ્કાર વગરનું સંતાન એ પ્લાનીંગ વગરનો વ્યવસાય કે પાયા વગરની બહુમાળી ઇમારત કે મૂળ વગરના વટવૃક્ષ સમાન છે. તે ક્યારે ધરાશાયી થઈ પડે તેની કોઈ જ ખબર પડતી નથી.
સંતાન અને વાલીઓના સંબંધ કેવળ વન વે નથી. બંને તરફથી જયારે આમાં સહકાર મળે ત્યારે જ તે સંબંધો મજબૂત બને છે. ભગવાન સ્વામિનારાયણ સંતાનોની ફરજ બતાવતાં કહે છે, સંતાને માબાપની ચાકરી ન કરી હોય, તો તેમનું દિલ દુખાય છે, તેણે કરીને એની બુદ્ધિ શાપિત છે.
તેમજ માતા-પિતાનું પણ કર્તવ્ય છે કે બાળકને એવા સંસ્કાર આપવા જોઈએ કે જેથી બાળકનું, માબાપનું અને રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બને.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપેલી મે ગુજરાતનો ૬૨મો સ્થાપના દિન