સાવજને મોતીયો આવ્યો !

68

સિંહને નેત્રમણી બેસાડાઈ : માણસને મોતીયો આવે અને ઝાંખું દેખાય તેમ વનરાજ સાથે પણ થયું
ગીર જંગલના એક સિંહની બંન્ને આંખમાં મોતીયો હોવાથી દ્રષ્ટી વિહીન બની ગયો હતો. જેથી તેનું રેસ્ક્યુ કરી તપાસ હાથ ધરતા સિંહને કંઈ દેખાતું ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી સિંહને નવી દ્રષ્ટી આપવા નેત્રમણી ફીટ કરવાનું સક્કરબાગ ઝુના તબીબોએ નક્કી કર્યુ હતું. આ દરમિયાન અન્ય એક સિંહનું કુદરતી મૃત્યુ નીપજતા તેનું પોસ્ટમોર્ટમ કરી આંખ કાઢી તેનું માપ સહિતની અન્ય વિગતો મદુરાઈ લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી સિંહના માપની નેત્રમણી આવતા ઓપરેશન કરી બંન્ને આંખમાં આરોપણ કરવામાં આવ્યું હતું, જેથી સિંહને નવી રોશની મળી હતી. મોટાભાગે મોટી ઉંમરના લોકોમાં મોતીયો જોવા મળતો હોવાથી નેત્રમણી ફીટ કરવાનું ઓપરેશન થતું હોવાનું સાંભળતા હોઈએ છે. પરંતુ કોઈ વન્યપ્રાણીને મોતીયો હોય તેવું જવલ્લે જ સાંભળવા મળે છે. આવી રીતે ગીર જંગલના એક સિંહને બંન્ને આંખમાં મોતીયો હોવાનું સામે આવ્યું છે. જે કિસ્સાની પ્રાપ્ત માહિતી મુજબ ગીર જંગલની જામવાળા રેન્જના વિસ્તારમાં ગત દિવાળી આસપાસ એક પાંચ વર્ષના યુવાન સિંહ બેઠો રહેતો હતો અને એ સમયે તેની આસપાસમાંથી કોઈ પશુ પસાર થાય તો પણ તે કોઈ પ્રકારની હિલચાલ કરતો ન હતો અને અવાજ આવે તો તેના પર માત્ર ધ્યાન આપતો હતો. જેથી વનવિભાગના સ્ટાફને શંકા જતા આ સિંહનું રેસ્ક્યુ કરી નજીકના જામવાળા એનીમલ કેર સેન્ટરમાં લઈ આવવામાં આવ્યો હતો. જ્યાં વેટરનરી તબીબ ડો.કડીવાર, આંખના ડો.જાવીયાએ સિંહની આંખોની તપાસ કરતા બંન્ને આંખોમાં મોતીયો હોવાથી તે જોઈ શકતો ન હોવાનું જાણવા મળ્યું હતું. આ દ્રષ્ટીહીન સિંહને સક્કરબાગ ઝુ લઈ આવવામાં આવ્યો હતો. સિંહની ઉંમર પાંચેક વર્ષની હોવા અને તે જોઈ ન શકતો હોવાથી શિકાર કરી શકતો ન હતો. જેથી જંગલમાં રહી ન શકે એવી સ્થિતિ હતી. આ સિંહને નેત્રમણી આરોપણ કરી નવી દ્રષ્ટિ આપવાનું સક્કરબાગ ઝુ ના ડો.અભિષેક કુમાર અને વેટરનીટી તબીબોએ નક્કી કર્યુ હતું પરંતુ આ કરવું કઠીન હતું. જોકે, નેત્રમણી મદુરાઈ બનતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાં નેત્રમણી બનાવવા માટે સિંહની આંખનું માપ સહિતની જરૂરી વિગતો મોકલવી પડે તેમ હતી. જેને લઈને મુંઝવણ ઉભી થઇ હતી. આ દરમિયાન ગીર જંગલમાં એક સિંહનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું. આથી આ સિંહના પી.એમ. બાદ તેની આંખો કાઢી આંખના સર્જન તેમજ વેટરનરી તબીબોએ તેના માપ સહિતની વિગતો એકત્ર કરી મદુરાઈ લેબોરેટરીમાં મોકલાવી હતી. જેના આધારે ત્યાંથી નેત્રમણી બનીને આવી જતા આંખના સર્જન ડો.જાવીય અને વેટરનરી તબીબો ડો.કડીવાર, ડો.મિલન, ડો.ઝાલા સહિતની ટીમે પ્રથમ સિંહની એક આંખની સર્જરી કરી સફળતા પૂર્વક નેત્રમણી આરોપણ કરી હતી. ત્યારબાદ દસ દિવસ સુધી સારવાર હેઠળ રાખ્યા બાદ બીજી આંખનું પણ સફળ ઓપરેશન કરી નેત્રમણી બેસાડી હતી. જેથી આ સિંહને નવી દ્રષ્ટિ મળી હતી. હાલ આ સિંહને સક્કરબાગ ઝુ માં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. અહીં સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ટુંક સમયમાં આ સિંહને જંગલમાં મુક્ત કરવામાં આવશે.

Previous articleભરતનગરના પોલીસ કર્મીની કારને મોડી રાત્રે અકસ્માત, પત્નીનું મોત
Next articleસુરત જતી ખાનગી બસમાં વિધર્મી શખ્સે યુવતીનો ફોટો અને વીડિયો ઉતારતા હોબાળો