બંદર રોડ પરની ઘટનામાં ડમ્પરના ચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવી

44

કાર ડીવાઈડર સાથે અથડાયા બાદ ડમ્પર સાથે અકસ્માત સર્જ્‌યો હોવાની ફરિયાદ
ભાવનગરનાં નવાબંદર રોડ પર બુધવારે સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર ચાર યુવાનો મોતને ભેટતા ગમગીની સાથે આક્રંદ છવાઈ ગયું હતું. આ બનાવમાં ડમ્પર ચાલક સામેથી પોલીસમાં હાજર થઈ પોતે કસૂરવાર નહિ હોવાનું જણાવ્યું હતું. જયારે અકસ્માતની ઘટના અંગે તેમણે ફરિયાદી બની પોલીસમાં ગુન્હો નોંધાવ્યો હતો. આ બનાવમા ડમ્પરના ચાલકની કેફિયત મુજબ સાંઢીયા ફાટક નજીક ડિવાઇડર સાથે પ્રથમ કાર અથડાઇ બાદ ડમ્પર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેને લઇ ડમ્પર ચાલક ગભરાઇ જઇ ડમ્પર સ્થળ પર જ છોડી ઘોઘારોડ પોલીસ મથક પહોંચ્યો હતો અને પોલીસને ઘટનાથી વાકેફ કરી હતી. દરમિયાન ડમ્પર ચાલક રાજુભાઇ કાળુભાઇ કંટારીયા (ઉ.વ.૪૦, રે.વારાહી સોસાયટી, ગાયત્રીનગર પાછળ, ભાવનગર)એ ઘોઘારોડ પો.સ્ટે.માં ફરિયાદ આપી હતી કે, તેઓ પોતાનું ડમ્પર લઇ નિરમા કંપનીમાંથી નવાબંદર જઇ રહ્યા હતા તે વેળાએ સાંઢીયા ફાટક પાસે ગોળાઇમાં સ્વીફ્ટ કારના ચાલકે સ્ટેરીંગ કન્ટ્રોલ ગુમાવી તેઓના ડમ્પર સાથે કારનો અકસ્માત સર્જી તેઓ અને તેના મિત્રને ગંભીર ઇજા પહોંચાડતા તમામના મૃત્યુ નિપજવા પામ્યા હતાં. જે ફરિયાદ અનુસંધાને ઘોઘારોડ પોલીસે આઇપીસી ૩૦૪(એ), ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૪૨૭, મોટર વાહન અધિનિયમ ૧૮૪, ૧૭૭ મુજબ કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ઘોઘરોડ પોલીસે સાંજના સુમારે ડમ્પરને ઝપત લઈ પોલીસ સ્ટેશન મુકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Previous article૨૪ કર્મી.ઓને ઉત્તમ કામગીરી બદલ PCSTE એવોર્ડથી સન્માત કરાયા
Next articleખેલ મહાકુંભની રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજની વિદ્યાર્થિનીને ગોલ્ડ મેડલ