સ્કીમમાં રોકાણ કરાવી ઊંચા વ્યાજની લાલચ આપી લાખોનું ગબન : કોંગી મહિલા નેતાના પુત્રનું ૧૦ લાખનું થઈ ગયું

32

કાકા અને ફુઈના દિકરાના કુલ ૨૫ લાખ ચાઉ થયાની પોલીસમાં ફરિયાદ : કથિત આરોપી કુંભારવાડા સરકારી શાળાનો આચાર્ય છે, ઈશ્વરભાઈ સાથે નોકરી કરતા હોવાથી ભોળવી ૨૫ લાખ રોકાવ્યા હતા : અન્ય કેટલાક રોકાણકારોના પૈસા પણ ફસાયાની ચર્ચા
ઊંચા વ્યાજ અને ડબબલ પૈસાની લાલચ આપી અવનવી સ્કીમો આપી ગબન થતા રહે છે જેમાં મોટાભાગે અશિક્ષિત લોકો ફસાઈ જાય છે અને મરણ મૂડી ગુમાવી રાતા પાણીએ રડે છે પરંતુ આજે જે કિસ્સો સામે આવ્યો છે તેમાં ભોગ બનનાર અને આરોપી બંને શિક્ષણ આલમ સાથે સંકળાયેલા છે. ફરિયાદી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યના પુત્ર છે. ઊંચા વ્યાજની સ્કીમ આપી ફરિયાદી અને તેના મારફત તેના સગા સંબંધીના રૂ.૨૫ લાખનું બુચ લાગતા ભરતનગર પોલીસના કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે શૈક્ષણિક આલમ અને બહુમત પાલીવાલ સમાજમાં ચકચાર મચાવી છે. આ ચકચારી બનાવની ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગર જિલ્લા પંચાયતની દિહોર બેઠકના પૂર્વ સદસ્યા નિર્મળાબેન અને ઇશ્વરભાઇ જાનીના પુત્ર ભગીરથભાઈ જાની (ઉ.વ.૨૨, રે. તળાજા રોડ, ગોપાલનગર ભાવનગર) અભ્યાસ કરે છે તેમણે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પિતા ઈશ્વરભાઈ લાભશંકરભાઈ જાની કુંભારવાડા પ્રાથમિક શાળા નં. ૨ માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓની સાથે આ જ શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા સાગર ઉમેશભાઈ જાની (રે, સિંધુનગર, પ્લોટ નં.૧૯૬૭, સોલંકી રેસ્ટોરન્ટ સામે ભાવનગર) એ પોતાના સમાજના હોય તેમજ પોતાના પિતાજીની સાથે નોકરી કરતા હોવાથી પરિચયમાં આવેલ. દરમિયાનમાં સાગરભાઈએ પોતે શોર્ય એન્ટરપ્રાઇઝ નામની કંપની ધરાવુ છું જેનો માલીક હું છું, કંપનીમાં નાણાં રોકવામાં આવે તો મોટી રકમ નફા અને વળતર રૂપે મળે તેવી સ્કીમ હોવાનું જણાવી આપવાની લાલચ આપી રૂ.૧૦ લાખના રોકાણ સામે દર મહિને ૪૦ હજાર મળશે તેમ જણાવેલ.આથી અભ્યાસનો ખર્ચ નીકળી જશે તેવી આશાએ રૂ.૧૦ લાખનું રોકાણ કર્યું હતું અને પ્રથમ ત્રણ મહિના વ્યાજ પેટે રૂ.૧.૨૦ લાખ ચૂકવેલ. બાદમાં વ્યાજ ચૂકવેલ નહિ તેમજ ઉઘરાણી કરવા છતાં મુદ્દલ રકમ નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનું જણાવી તેમજ તેમના ફઈના દિકરા પાર્થ દિનેશ ધાધલીયાના ૧૦ લાખ અને કાકાના દીકરા હિરેન જયંતીભાઈ જાનીના રૂ.૫ લાખ મળી કુલ રૂ.૨૫ લાખ ઓળવી ગયા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં ભરતનગર પોલીસે કલમ ૪૦૬, ૪૨૦ તળે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ સ્કીમના નામે આર્થિક ગબનના આ કિસ્સામાં અનેક લોકોના પૈસા ફસાયા હોવાનું ચર્ચામાં આવ્યું છે. સ્કીમ ચલાવનાર પોતે સરકારી શાળાનો આચાર્ય હોવાથી શિક્ષણ આલમના લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. જયારે ચર્ચા મુજબ કોઈ બળવંતભાઈ નામના વ્યક્તિના પણ ૪૦ લાખ ફસાયા છે અને ગબનનો આંક લાખોમાં થાય તો નવાઈ નહિ. હાલાકી હાલ માત્ર ૨૫ લાખની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ તપાસ ચલાવી રહી છે.

Previous articleતાલુકાવાર પરીક્ષા કેન્દ્રનું પરિણામ
Next articleરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના છાયા ગામના બાળકનું જન્મ જાત હૃદયરોગનું સફળ ઓપરેશન થયું