કોણ કહે છે સિગારેટ છોડવી મુશ્કેલ છે? મેં આઠ વાર છોડી છે- પ્રસિધ્ધ હાસ્યકાર માર્ક ટવેન (બખડ જંતર)

26

કોઇને ખોરાકનું વ્યસન હોય. કોઇને વાતોના તડાકા ઝીંકવાનું વ્યસન હોય. કોઇને ફેંકુબાબાની સાથે ફેંકવાની હરીફાઈ કરવાનું વ્યસન હોય!! કોઇ પુસ્તકિયો કીડો બની વાંચવાનું વ્યસન હોય! આમ વ્યસન અનંતા, વ્યસન કથા અનંતા!! એક જમાનામાં માન-મર્યાદા- મરજાદ હતી. લોકો હોટલમાં ભોજન લેવાનું તો દૂર રહ્યું પણ તેની કલ્પના કરે તો પગ થથરી જતા હતા.
ચા સામાજિક સ્વીકૃત ન થઇ ત્યાં સુધી વ્યસન-કુટેવ- બદીની કેટેગરીમાં સમાવિષ્ટ હતી.
વ્યસન અંગે ખાતરીપૂર્વક કહી શકાય કે માની કૂખમાં કોઇ વ્યસની હોતું નથી!!
વ્યસન કરવાની આરંભિક પળો તપાસો તો આંચકો લાગે.
અમારા એક નાયબ સચિવ હતા. મકવાણા એમની અટક. એમણે એનો અનુભવ શેર કરેલો. ‘ મારા બાપા બીડીના શોખીન. મને ચુલેથી બીડી સળગાવી લાવવાનું કહે અને તાકીદ કરે કે બીડી બુઝાવી ન જોંઇએ એટલે હું ફૂંકો મારતો બીડી બાપાને આપું. આમ, બીડીની આદત થઇ ગઇ’
મકવાણા સાહેબ નસીબદાર હતા કે નવી નકોર બીડીનો સટ મારવા મળતો હતો. બધા આવા નસીબદાર હોતા નથી!! તમને જે પ્રિય હોય તેના સોગન ખાઇને કહેજો કે તમારી ધૂમ્રપાનની પ્રોજવલ કારક્રિદી કેવી રીતે શરૂ થયેલી. મહદ્‌અંશે ઘણાએ પીવાયેલી બીડીના રસ્તા પર પડેલા ઠુંઠા ભેગા કરી બીડીના ઠુંગાપાણી કરવામાં આવતા હતા !!!
દરેક વ્યસની શરૂઆતમાં હથેળીમાં જમાવેલી તમાકુમાંથી ચપટી કે નવટાંક તમાકું મોઢાના ગલોફામાં ભરાવે! મસાલામાંથી એકાદ સોપારી બીજા હાથે આમતેમ સાફ કરી( જાણે તમાકુ જતી રહેવાની ન હોય!) જેમ ઘંટીમાં દાણા ઓરે તેમ મોઢામાં ઓરે!! સિગારેટનો એક સટ મારે. હરેક એવો ફાંકો મારે કે તેમને વ્યસન નથી. તેના સિવાય નશો તૂટે નહીં, કે બેચેની રહે નહી. જેમ કબજિયાતનો દર્દી દ્રઢપણે માને કે તેને કબજિયાત નથી તેમ વ્યસની પોતાને વ્યસન નથી તેમ માને છે અને બીજાને મનાવવા કોશિશ કરે છે.આમ, ધીરેધીરે જેમ મનોવલણો રૂઢ થઇ પૂર્વગ્રહોમાં રૂપાંતરિત થાય તેમ શોખ સ્વરૂપમાંથી વ્યસનનું કાયમી સ્વરૂપ ધારણ કરે છે!!
વિશ્વમાં તમાકુનો ઈતિહાસ ઘણો જૂનો છે, મનુષ્ય છેલ્લા આઠ હજાર વર્ષથી તમાકુના છોડનો ઉપયોગ કરતો હોવાનો અનેક પુરાવાઓ છે. ૯મી સદીના અરેબિક ચિકિત્સાગ્રંથોમાં પણ તમાકુનો ઉલ્લેખ થયેલો છે. તમાકુ પહેલા લોકો ધતુરાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. તમાકુનું વૈજ્ઞાાનિક નામ ’નિકોટીન ટેબેકમ’ ફ્રેન્ચ રાજદૂત નિકોટાના નામ પરથી પાડયું હોવાનું મનાય છે. કારણકે તે જ પ્રથમ હતો કે જેણે ફ્રાંસના રાજાને તમાકુના બીજ લાવી આપ્યા હતા. તમાકુની ૭૦થી વધુ પ્રજાતિઓ દુનિયામાં છે પણ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પ્રજાતિ નિકોટીના ટેબેકમ છે. સર વૉલ્ટર રેસિંગે સિગારેટ બનાવવાની રીત શોધી. કહે છે કે પોર્ટુગલમાંના ફ્રાન્સના એલચી જીયા નિકોટને તેની એટલી બધી આદત પડી ગઈ કે તમાકુને ‘લૅડી નિકોટીન’ નામે લોકો ઓળખવા માંડ્યા. વખત જતાં તેમાંના સક્રિય દ્રવ્યની શોધ થઈ, જેને ‘નિકોટીન’ નામ અપાયું.સિગારેટમાં સાઇનાડ અને રેડીયોએકટીવ જેવા ૬૦૦ ઝેરી તત્વો હોય છે!!!
દર વરસે વ્યસનીઓ ૬ લાખ કરોડ સિગારેટ ફૂંકી મારે છે. જેને એકથી એક ગોઠવવમાં આવે તો પૃથ્વીથી સૂર્ય સુધી રસ્તો થઇ જાય .તેમ છતાં વધે તો મંગળ સુધી રસ્તો પહોંચી શકે. દર સેકન્ડે ૧૫ કિમી જેટલી લાંબી સિગારેટ પીવાય છે!!સિગારેટ બનાવવા દર વરસે ૧૫ કરોડ વૃક્ષો કાપવામાં આવે છે.
યુનાઇટેડ સ્ટેટ્‌સમાં વાર્ષિક ૫ મિલિયનથી વધુ મૃત્યુ માટે ધૂમ્રપાન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ભારતના દૃષ્ટિકોણથી પણ આ ઝડપથી વધી રહેલી સમસ્યા છે. તમાકુના ઉત્પાદનો કેન્સર, ફેફસાના રોગ, હૃદય રોગ અને સ્ટ્રોક જેવા ગંભીર રોગોનું કારણ બને છે. દર વર્ષે ભારતમાં તમાકુના ઉપયોગને કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લગભગ ૧.૩૫ મિલિયન મૃત્યુ થાય છે.
ધૂમ્રપાનથી થતા ફેફસાના રોગોમાં ર્ઝ્રંઁડ્ઢ સૌથી સામાન્ય છે.એટલું જ નહીં, ફેફસાના કેન્સરના મોટાભાગના કેસમાં ધૂમ્રપાનને મુખ્ય કારણ તરીકે જોવામાં આવે છે. તમાકુમાંનાં ઝેરી દ્રવ્યો : તમાકુમાં જુદાં જુદાં ૪૦૦૦ તત્વોને શોધી કઢાયાં છે, જે વત્તેઓછે અંશે નુકસાનકારક છે. તેમાંના ટાર, નિકોટીન, કેટલાંક ક્ષોભકો (ૈિિૈંટ્ઠહંજ) અને કોષોના તાંતણા જેવા પ્રવર્ધો(કશા, ષ્ઠૈઙ્મૈટ્ઠ)ને નુકસાન કરનારાં તત્વો મુખ્ય છે. વળી ધૂમ્રપાન કરનારના લોહીમાં કાર્બન મૉનૉક્સાઇડનું પ્રમાણ વધે છે એક અંદાજ મુજબ એક સિગારેટમાં ૧૦૦ મિગ્રા. જેટલું નિકોટીન હોય છે. ટારને જો સતત ચામડી પર લગાવવામાં આવે તો તેને કૅન્સર કરે છે. એક સિગારેટમાં ૩૦ મિગ્રા.થી ૪૦ મિગ્રા. ટાર હોય છે, જે ફેફસાં અને શ્વાસનળીઓની નાજુક દીવાલને નુકસાન કરે છે. સિગારેટના બળતા છેડાનું તાપમાન ૫૦૦ સે.થી ૯૦૦ સે. હોય છે; તેથી તે સમયે અનેક ઝેરી તત્વો વાયુરૂપ થઈને ધુમાડામાં પ્રવેશે છે, શ્વાસમાં અંદર જાય છે. મોંમાં પ્રવેશતા ધુમાડાનું તાપમાન પણ ૩૦૦ સે. જેટલું હોય છે એવી ગણતરી કરવામાં આવી છે
ઈલેક્ટ્રોનિક સિગારેટની શોધ ચીની ફાર્માસિસ્ટ હોન લિકએ ૨૦૦૩માં કરી હતી. ઇ-સિગારેટ એ બીજુ કઇ નથી માત્ર આકર્ષક રીતે (ઝેરી) નિકોટિન પહોંચાડવાની એક પદ્ધતિ (મિકેનિઝમ) છે.
બજારમાં ખુલ્લેઆમ વેચાતી સાદી સિગારેટ કરતા ઇ-સિગારેટનું વેચાણ વધી રહેલ છે. ઈ-સિગ્સ, ઈ-હુક્કા, વેપ પેન્સ અને ઈલેક્ટ્રોનિક નિકોટીન તરીકે જાણીતી ઈ-સિગારેટ દેખાવમાં તો સામાન્ય સિગારેટ, સિગાર કે પાઈપ જેવી હોય છે. કેટલીક ઈ-સિગારેટ પેન જેવી પણ દેખાય છે. ઈ-સિગારેટમાં રહેલાં જુદાજુદા પ્રકારને સિગ-અ-લાઈક, લિક્વિડ, મોડ, ક્લાઉડ ચેસર્સ, વેર ટ્રેકર્સ, ધ ડ્રેગન, એડીવી અને વેપ ટંગ જેવાં નામ પણ અપાયાં છે. વેનિલા, ચોકલેટ, લવિંગ, જાયફળ, કેળાં, માખણ, નીલગીરી, ફુદીનો, સ્ટ્રોબેરી જેવા વિવિધ ફ્લેવર ધરાવતી બેટરીથી ચાલતી ઈ-સિગારેટમાં રહેલું પ્રવાહી ગરમ થતાં ધુમાડો નીકળે છે. અને આ ઈ-સિગારેટની ખાસિયત કહો કે ખામી પણ તેના પ્રવાહીમાં નિકોટીન હોય જ છે.
તમાકુ વિરોધી ઝૂંબેશ સરમુખત્યાર હિટલર કરેલી.તમાકુથી કેન્સર જેવી જીવલેણ બિમારીઓ થતી હોવાથી ૩૧ મે ભલે તમાકુ વિરોધી દિવસ તરીકે ઉજવાતો હોય પરંતુ આધુનિક વિશ્વમાં સૌ પ્રથમ તમાકુ વિરોધી ઝુંબેશે જર્મનીમાં નાઝીઓએ શરુ કરી હતી. ૨૦ મી સદીની શરુઆતમાં જર્મન ડોકટરોએ ધુમપ્રાનથી ફેફસાનું કેન્સર થતું હોવાનું સંશોધન કર્યું એ પછી જર્મનીમાં ધુમ્રપાન વિરોધી ચળવળનો પ્રારંભ થયો હતો. નાઝીઓની એન્ટી ટોબેકો ઝુંબેશ એટલી સ્ટેગ હતી કે જોત જોતામાં તે દેશમાં ફેલાઇ ગઇ હતી.
જર્મનીમાં નાઝીઓ સત્તા સંભાળી એ પછી પણ આ ચળવળ સતત ચાલતી રહી હતી. ખાસ કરીને ટ્રામ, સિટી ટ્રેન અને બસમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવેલો તેને હિટલરના આર્શિવાદ મળેલા હતા.
એક માહિતી મુજબ એડોલ્ફ હિટલરને યુવાવસ્થામાં રોજની ૩૫ થી ૪૦ જેટલી સિગારેટ પીવાની ટેવ હતી પરંતુ તે નજીકના મિત્રોને હંમેશા ધુમ્રપાનની આદત છોડવાની વાત કરતો હતો. હિટલરે ધુમ્રપાનથી થતા નુકસાન અંગે સંશોધકોને વધુ સંશોધનો કરવા અંગે પ્રોત્સાહન પણ આપ્યું હતું.
જગત વરસમાં એક દિવસ તમાકુ વિરોધ દિવસ એટલે “નો ટોબેકો ડે “ની ઉજવણી કરે છે. તમાકુ સાથે જેને હાલમાં લેવાદેવા નથી( ભવિષ્યની ખબર નથી) વતેવા યાર બાળકોને હાથમાં પ્લે કાર્ડ , બેનર પકડાવીને રેલી, રેલો, રેલું કાઢે છે!! લો બોલો. હકીકતમાં વ્યસનીની કે દર્દીની રેલી કાઢવી જોઇએ! એઇડઝ વિરોધી રેલીમાં બાળકોની શી જરૂર છે, ભલાદમી???તમાકુ કે ગુટકા વિરોધી રેલીમાં ભાગ લેનાર ગુટકા કે મસાલો ખાતાં ખાતાં ભાગ લેતો હતો. “ સ્મોકીંગ ઇઝ ઇન્જરસ ટુ હેલ્થ” નું પાટિયું ચિતરનાર સિગારેટ પીતાં લખતો હોય!!
“નો ટોબેકો ડે “ઉજવણી નિમિતે તમાકુ વિરોધી કેટલીક બાબતો રજૂ કરવામાં
વ્યસનીઓના કોન્ફિડન્સને દાદ દેવી પડે!! તે છાતી ઠોકીને ( આમ કરતાં છાતી અંદર ઉતરી જાય તે વાત અલગ છે!) જયાંત્યાં ગમેત્યાં દાવો કરે છે કે તત્ક્ષણથી વ્યસનનો ત્યાગ – પરિત્યાગ કરવા માટે સમર્થ કમ સક્ષમ છે!! અલબત, આવું કરવા તમાકુ છોડી મસાલા કે મસાલા છોડી સિગારેટ થરૂ કરે છે. વચનપાલન તો વ્યસની ભાઇ બહેનોનું( સોરી અમુક કામુક બહેનોનો જ સમાવેશ સમજવો )!! તરત જ એક કાંખઘોડી ત્યજી બીજી ધારણ કરે છે. ટૂંકમાં સુલેમાન સુઘર ગયા. બીડી છોડ કે ગાંજા શરૂ કિયા! સિયાવર રામચંદ્ર કી જય!!
એમની દલીલમાં દમ હોય છે. અમે અમારી કમાણીમાંથી મોજ કરીએ છીએ અને શરીર અમારું છે, સરકાર કે સમાજનું શું જાય છે? અમે રોજગારી સર્જનમાં મદદ કરીએ છીએ. તમાકુ પકવતા ખેડૂતો માટે સરકાર ટેકાના ભાવ જાહેર કરતી નથી એને રાકેશ ટીકૈતનું ધ્યાન આ મુદે ગયું નથી!! જાણીતા હાસ્યકાર માર્ક ટવૈન હુંકાર ભરી કહે છે કે કોણ કહે છે સિગારેટ છોડવી મુશ્કેલ છે? મેં આઠ વાર છોડી છે. આશા છે કે વ્યસનીઓ માર્ક ટવૈનમાંથી પ્રેરણા લેશે!!!!

– ભરત વૈષ્ણવ

Previous articleહાર્દિક પંડ્યાને વનડે ક્રિકેટથી દૂર રાખવાની જરૂર છે : શાસ્ત્રી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે