બેંકની નોકરી છોડી 36 વર્ષ સુધી શિક્ષકની ભુમિકા નિભાવનાર અને 35થી વધુ પુસ્તકોના લેખક ડૉ.ભદ્રાયુ વછરાજાની નવા રોલમાં, ગુરૂવારે કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળશે

40

કે.જી. થી પી.જી. સુધીની ડૉ. ભદ્રાયુ વછરાજાનીની શિક્ષણયાત્રા બહુ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક
ભાવનગરના સણોસરા ખાતે લોકભારતી સંસ્થા આવેલી છે. આઝાદીના સમયગાળામાં યુવાનોમાં મૂલ્યવાન અને ગ્રામ્ય પ્રશિક્ષણ આપવાં માટે લોકભારતી સંસ્થા સ્થાપવામાં આવી હતી. જેને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે ડૉ.ભદ્રાયુ વછરાજાની વરણી કરવામાં આવી છે, તેઓ ગુરૂવારના રોજ પ્રથમ કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળશે. સમયના બદલાતાં વહેણની સાથે બદલાવ કરીને વર્તમાન સ્પર્ધામાં ટકી રહે તેવાં અભ્યાસક્રમોને નિરંતર સામેલ કરી છેલ્લાં 70 વર્ષના ઇતિહાસમાં આ સંસ્થામાં અભ્યાસ કરી ગયેલાં 30 હજાર વિદ્યાર્થીઓમાંથી આજે એકપણ વિદ્યાર્થી બેકાર નથી તે તેની કુશળતા, સમયને પારખવાની આવડત અને વિદ્યાર્થીલક્ષી અભિગમને સૂચવે છે. એક સમયના શિક્ષણ ક્ષેત્રના દિગ્ગજો એવાં ઋષિતુલ્ય શિક્ષકજીવો નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોલી, મુળશંકર મો.ભટ્ટ અને નટવરલાલ પ્ર. બુચ દ્વારા સિંચાયેલી અને પોષાયેલી આ સંસ્થા છે. મોરારિબાપુ જેમને ‘કલમ અને કાયાથી ગણપતિ’ કહીને નવાજે છે અને જાણીતા ચિંતક ગુણવંતશાહ જેને ‘તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર’ કહીને સન્માને છે તે પ્રા ડૉ.ભદ્રાયુ વછરાજાની, બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી શિક્ષણની કેડીએ વળ્યાં છે, બેંક છોડી પ્રાથમિક શિક્ષક બનીને 36 વર્ષે તેઓ ઉચ્ચશિક્ષણના ટોચના સ્થાનથી સ્વૈચ્છિક નિવૃત થયા છે. કે.જી. થી પી.જી. સુધીની ડૉ. ભદ્રાયુ વછરાજાનીની આ શિક્ષણયાત્રા બહુ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી છે. ડૉ.ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક, જાતીયશિક્ષણ(Sex Education) ક્ષેત્રના પ્રથમ ભારતીય ડોક્ટરેટ છે. તેઓ Ph.D.ના માર્ગદર્શક છે. બાર સ્કોલર્સ તેઓના માર્ગદર્શન હેઠળ ડોક્ટરેટ કરી ચૂક્યાં છે. ડૉ. ભદ્રાયુ ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષક, નવ વર્ષ માધ્યમિક શિક્ષક, 24 વર્ષ પ્રાધ્યાપક તરીકે રહ્યા છે. બાર વર્ષ તેઓ યુ.જી.સી.ની ઈન્ટર યુનિવર્સીટી ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર અને ડાયરેક્ટર રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરીક્ષા નિયામક તરીકે વધારાનો હવાલો સંભાળી ડૉ. ભદ્રાયુએ વિક્રમજનક Examination Reforms કરેલી છે, જેની સમગ્ર દેશે નોંધ લીધી છે. તેઓએ અદાણી ફાઉન્ડેશન, અમદાવાદના Advisor-Education તરીકે પણ રાષ્ટ્રીય સ્તરે પ્રદાન કરેલ છે. ડૉ. ભદ્રાયુ વછરાજાની ઉત્તમ વક્તા છે અને પ્રભાવક શૈલીથી વાતને રજૂ કરનારા લેખક છે. તેમનાં 35થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમનું પુસ્તક “હૈયું – મસ્તક – હાથ”, 2010નું અને માનવ વર્તનના ઘડવૈયાઓ વિષેનું તેમનું પુસ્તક “નાની પાટીમાં શિલાલેખ” 2012નું બેસ્ટસેલર પુસ્તક છે. “મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો” 2015નું બેસ્ટસેલર માઈલસ્ટોન પુસ્તક છે. ગુજરાતી પ્રકાશનની દુનિયામાં પહેલો ગ્રંથ છે જે બે ધૂરંધર પ્રકાશકોએ સાથે મળીને પ્રકાશિત કર્યો છે. તેઓને પૂજ્ય મોટા રિસર્ચ પેપર એવોર્ડ એનાયત થયો છે. તેઓ વર્તમાનપત્રોના ખ્યાત કટાર લેખક છે. પુષ્કળ વાંચવું, અમાપ વિહરવું અને ભરપૂર જીવવું એ ભદ્રાયુ વછરાજાનીના નિજાનંદો છે.

Previous articleરેપો રેટ વધ્યાના ૨૪ કલાકમાં ૭ બેંકે વ્યાજ દર વધારી દીધા
Next articleસાળંગપુરના હનુમાન મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરાયો