ગઢડામાં અષાઢી બીજે નીકળશે ભગવાન જગન્નાથજીની વિશાળ રંગદર્શી રથયાત્રા

24

રથયાત્રાનું મધ્યસ્થ કાર્યાલય સંતો, મહંતોના સાનિધ્યમાં ખુલ્લુ મુકાયું
પ્રતિ વર્ષની પરંપરા મુજબ ગુજરાત રાજયમાં ત્રીજા ક્રમની ગણાતી એવી ગઢડા(સ્વા.)ખાતે આગામી અષાઢી બીજના મહાપર્વે તા.૧ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૨૯ મી રંગદર્શી રથયાત્રા પરંપરાગત રાજમાર્ગો પરથી વાજતે ગાજતે નિકળશે. સંતો,મહંતો તેમજ સ્થાનિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતીમાં રથયાત્રાનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મૂકાયુ હતુ.
જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત રીતે આગામી તા.૧ જુલાઈને શુક્રવારે યાત્રાધામ ગઢડા ખાતે ૨૯ મી રથયાત્રાનું વિશિષ્ઠ આયોજન કરાયુ છે. કોરોનાની મહામારીના કારણે બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે ગઢડામાં ધામધૂમપૂર્વક ભવ્યતા સાથે રથયાત્રા નિકળશે. આ રથયાત્રાના આયોજનની પૂર્વ તૈયારી માટે ગઢડામાં ઠેર-ઠેર કલાત્મક સુશોભન અને શણગાર સહિતની અનેકવિધ કામગીરીઓ ઉપરાંત શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના વિવિધ મંડળો તરફથી રંગદર્શી ફલોટના નિર્માણની કામગીરી પણ હાથ ધરાઈ છે. આ રથયાત્રા નિમીત્તે ગોપીનાથજી દેવ મંદિર, ગઢડા ગુરુકુળના સંતો તેમજ શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સહયોગી વિવિધ મંડળો, ટ્રેક્ટરના માલીકો, નાસ્તા વિગેરે સ્ટોલના સહયોગીઓની ઉપસ્થિતિમાં મધ્યસ્થ કાર્યાલય ખૂલ્લુ મૂકાયુ હતુ. આ પ્રસંગે સંતો અને અગ્રણીઓએ તાલુકાની ગૌરવ સમાન રથયાત્રા તથા સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૮૦ મણ જેટલા કઠોળના પ્રસાદ અને ૮૦ જેટલા વાહનો તથા ભવ્ય ફલોટસના કારણે સમગ્ર રાજય કક્ષાએ ત્રીજુ સ્થાન ધરાવતી આ રથયાત્રા માટે સમગ્ર પંથકમાં ભારે હર્ષોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે.

Previous articleસણોસરાના યુવાને ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ ખોલી યુવતીને બદનામ કરી
Next articleકુડામાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દરિયા કિનારે હાથ ધરાઇ સફાઇ