તા. ૨૧ મી જૂનના રોજ ‘માનવતા માટે યોગ’ની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભાવનગર ખાતે ઉજવણી કરવામાં આવશે

15

ભાવનગર શહેર અને જિલ્લામાં આશરે ૬ લાખ લોકો યોગમાં સહભાગી બનશે : નિલમબાગ પેલેસ, હસ્તગીરી પર્વત અને વેળાવદર નેશનલ પાર્ક સહિતના આઇકોનિક સ્થળો પર પણ યોગ કરવામાં આવશે
સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. તેના ઉપક્રમે ભાવનગર ખાતે પણ આ યોગ દિવસની ઉજવણી”Yoga for Humanity” – ‘ ‘ માનવતા માટે યોગ’ ની થીમ પર કરવામાં આવનાર છે. યોગ દિવસની ઉજવણીની આખરી ઓપ આપવાં માટે ઇસ્કોન ક્લબ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી એક અણમોલ વિરાસત છે. તેને આપણે એક દિવસનો ઉપક્રમ ન બનાવી દઇને આપણે તેને આપણાં જીવનનો નિયમિત હિસ્સો બનાવવો જોઇએ. તેમણે યોગ દિવસની ઉજવણીની તૈયારીઓની વિગતો આપતાં જણાવ્યું કે, ભાવનગર શહેર અને જિલ્લામાં આશરે ૬ લાખ જેટલાં લોકો યોગ કરશે. નિલમબાગ પેલેસ, હસ્તગીરી પર્વત, વેળાવદર નેશનલ પાર્ક, બોર તળાવ, તખ્તેશ્વર મંદિર સહિતના આઇકોનિક સ્થળો પર પણ યોગ કરવામાં આવશે. આ આઇકોનિક સ્થળોએ આઝાદીના ૭૫ વર્ષને ધ્યાનમાં રાખીને ૭૫-૭૫ લોકો યોગનું નિદર્શન કરશે. આ માટેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સીદસર સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે, ભાવનગર શહેરનો તમામ વોર્ડ ખાતે તેમજ મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ એમ.કે.બી.યુ. ના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કલેક્ટરે ઉપસ્થિત લોકોને આહવાન કરતાં જણાવ્યું કે, તમે યોગ કરો તેની સાથે-સાથે તમારી આસપાસના લોકોને પણ યોગ કરવાં માટે પ્રેરિત કરો. આ સિવાય સમાજમાંથી કોઇ અલગ કે નાવિન્યપૂર્ણ રીતે યોગ કરવાં માંગતું હોય તો તેને પણ વહીવટીતંત્ર દ્વારા સહકાર આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ સિવાય શાળાઓ તેમજ જે કચેરીમાં ૨૫ થી વધુનો સ્ટાફ છે તેવાં પોલીસ સ્ટેશનો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરવામાં આવશે. યોગના તજજ્ઞો દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમો કોવિડના પ્રોટોકોલને ધ્યાનમાં લઇને કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ જિલ્લા પંચાયત દ્વારા હેલ્થ અને વેલનેશ સેન્ટરો ખાતે આ માટે યોગ ઇન્સ્ટ્રક્ટરોની નિમણૂંક કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો પણ સક્રિય રીતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહર્ષિ પતંજલિએ ચિંધેલાં અષ્ટાંગ યોગ તથા આસન, ધ્યાન અને પ્રાણાયામથી તન સાથે મનની પણ તંદુરસ્તી પણ જળવાય છે. મન અને મસ્તિષ્ક શાંત થાય છે. મનની ઉધ્વ ગતિ થાય છે. ભારતના વડાપ્રધાન નરેર્ન્યભાઇ મોદીના પ્રયત્નોને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ દુનિયાભરમાં યોગ દિવસ મનાવવાનું આહ્વવાન કર્યુ હતું. આ પ્રસ્તાવ બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૧૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ ઘોષણા કરી હતી કે, ૨૧ જૂન ના રોજ દુનિયાભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારથી તેની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિન્દ્ર પટેલ, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યોગ નિદર્શકો, તેમજ જિલ્લા તથા તાલુકાકક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleસણોસરામાં લોકભારતી યુનિ. ફોર રૂરલ ઈનોવેશનના વડાઓએ પદભાર સંભાળ્યો
Next articleભાવનગરમાં ભગવાન જગન્નાથની ૩૭મી રથયાત્રાની તૈયારીઓને લઇને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ