હવે આપણને વિશ્વ ગુરૂ બનતા કોઇ પણ મહાસતા કે તાકાત રોકી શકે નહીં. જય હો!!

15

યુગોથી પ્રાચીન અને અર્વાચીન વચ્ચે ખૂંખાર લડાઇ ચાલી રહી છે. વલ્લકલ પહેરનારને ધોતી કે ધોતિયું પહેરનાર સામે ઉગ્ર વિરોધ છે.ધોતિયું પહેરનારને પેન્ટ પહેરનાર સામે તીવ્ર વાંધા વિરોધ છે. પેન્ટ પહેરનારને શોર્ટસ પહેરનારને સામે વાંધો છે.
આ જ રીતે પંજાબી ડ્રેસ પહેરનાર મહિલા માટે કછોટાધારી સાડીધારી બેનોનો વિરોધ હોય છે. જીન્સ-ટીશર્ટ પહેરનારી આધુનિકા સામે સાડીધારીનો સદૈવ મોરચો મંડાયેલો હોય છે!!
લાડુ-લાપશી સામે કેક અને રોટલા સામે પિત્ઝા, નારિયેળ પાણી સામે કોલ્ડ ડ્રિંક સામે વિરોધ હોય છે.ખીચડી સામે બિરયાનીનો મોરચો મંડાયેલો હોય છે!!
એક પેઢી નોસ્ટાલજિયા એટલે કે ભૂતકાળને ગાય-ભેંસની માફક વાગોળે છે. એમને જૂનું બધું સારૂં લાગે છે, નવું બધુ નકામું લાગે છે. બંને સામસામે એકમેકને ભાંડે છે!!
એક સમયે પતિ નિધન પામે પછી નવવિધવા પતિની ચિંતા પર ચડીને સ્વૈચ્છિક રીતે સતી હતી. રાજા રામમોહન રાયે રજૂઆત કરતાં વિલિયમ બેન્ટિકે સતી પ્રથાને રદ કરી હતી. તે જમાનામાં પુરૂષ પત્નીની ચિતા પર ચડીને સતો થયો હોય તેમ જણાતું નથી. ઉલ્ટાનું પુનઃલગ્ન કરવાની ઇચ્છા ધરાવનાર પતિ તેની પત્નીને અંતિમ વિદાય આપવા સ્મશાને પણ આવતો ન હતો!!
પંચતંમની વાર્તામાં મંદગતિ અને ઝડપી ગતિની સ્પર્ધા કાચબા અને સસલાની દોડ તરીકે આલેખવામાં આવેલ છે. જેમાં કાચબો વિરામ લીધા સિવાય લક્ષ્યાંક પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચાલીને જીત મેળવે છે!!
હિન્દી સિનેમાના માઇલસ્ટોનસમાન ઓલ ટાઇમ ગ્રેટ સિનેમા “ નયા દૌર” માં પ્રાચીન સભ્યતા અને નવી સભ્યતા વચ્ચેની ક્શ્મકશ કલાત્મક રીતે રજૂ થઇ છે. કેસરી કસમના રાજકપૂરની માફક દિલીપકુમાર કોચવાન કે ટાંગેવાલા હોય છે. અલબત, મર્દ ટાંગેલાલા ગીતના અમિતાભ બચ્ચન જેવો મારધાડ ટાંગેવાલા ન હતો. વિક્ટોરિયા ૨૦૩ ના અશોકકુમાર જેવો દો બિચારે બિના સહારે કુછ કુછ કરે ટાઇપ પણ ન હતો.
વિલન-જીવન-અજીત વિલન હોય છે.જીવનની બસ સેવા હોય છે.ગામમાં આધુનિતા લાવવાનો હિમાયતી હતો. જેના લીધે પરંપરાગત વ્યવસાયમાં પ્રવૃત લોકો બેરોજગાર થઇ જવાની ભીતિ હતી. દિલીપકુમાર ગામના જમીનદારને રજૂઆત કરે છે. જમીનદાર ટાંગા અને બસ વચ્ચે સ્પર્ધા કરવા અને જેની જીત થાય તે મુજબ ગામમાં વ્યવસ્થા સુનિશ્ચિત થશેતેમ જણાવ્યું.
ગામમાં એક દિવસ ટાંગા અને બસની હરીફાઈ થઇ!! અનેક આરોહઅવરોહના અંતે દિલીપકુમારની જીત થઇ!! ઓ. પી. નૈયરનું બહેતરીન સંગીત અને બી.આર. ચોપડાનું દિગ્દર્શન ફિલ્મનું જમા પાસુ હતું. “ઉડે જબ જબ ઝૂલ્ફે તેરી “ જેવું કર્ણમંજુલ ગીત ઓલ ટાઇમ હીટ હતું .
સને ૧૯૮૦માં સ્કાયલેબ તૂટી જવાની હતી ત્યારે ઘણા લોકો શહેર છોડીને ગામડામાં સાથે મરવા પહોંચી ગયા હતા. કૂવામાં ખાટલા ઉતારી અંદર જતા રહેલા!!
મોગલો ભારતમાં તોપ અને દારૂગોળા જેવા આધુનિક શસ્ત્રો સાથે ચડાઇ કરી હતી ત્યારે તેનો સામનો કરવા માટે રાજાઓ આધુનિક હથિયારોને બદલે તીરકામઠા, તલવાર, ભાલા, ઘોડા,હાથીથી લડ્યા અને મચ્છરની જેમ ખપી ગયા!!
તમને એ થશે કે આ વાતોનો શું મતલબ છે??
હમણાં એક ઘટના બની. દહેગામ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ પર આવેલા હરખજીના મુવાડા, પાલુંદ્રા અને દેવકરણના મુવાડામાં ગઇકાલે મંગળવારે રાત્રે અચાનક દસેક જેટલા ડ્રોન ઘોંઘાટ સાથે આવી પહોંચતા ગ્રામજનોમાં કુતૂહલની સાથે ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ મામલે સ્થાનિક ધારાસભ્યથી માંડીને આખું દહેગામ વહીવટી તંત્ર ગાઢ નિદ્રામાં રહ્યું હતું. રાત્રીના બારેક વાગ્યાના અરસામાં અચાનક ઘોંઘાટ સાથે ડ્રોન આવી ચડ્યા હતા. જેનાં કારણે ગ્રામજનો જાગી ગયા હતા. આશરે ત્રીસેક ફૂટની ઊંચાઈએ ડ્રોન ઊડવાના કારણે ગ્રામજનો ફફડી ઉઠ્‌યા હતા. જેમાં ઘણા ગ્રામજનોએ ડરના માર્યા લાકડીઓ, ધોકા જેવા હથિયારો પણ હાથમાં લઈ લીધા હતા. બોલો ઊડતા ડ્રોનને હણવાનો કેટલો ઇન્ટેલિજન્ટ અને અલ્ટ્રા મોડર્ન ઇન્સ્ટ્રૂમેન્ટ!! હવે આપણને વિશ્વ ગુરૂ બનતા કોઇ પણ મહાસતા કે તાકાત રોકી શકે નહીં. જય હો!!

– ભરત વૈષ્ણવ

Previous articleકે એલ રાહુલ માટે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં રમવું મુશ્કેલ, વન-ડે અને ટી ૨૦માંથી બહાર થઇ શકે છે
Next articleભાવનગરમાં શહેર આજે ત્રણ કોરોનાનો નવા કેસ નોંધાયો