પીજીવીસીએલ દ્રારા ૧,૮૨,૫૦૦ ખેતી જોડાણો સૌરઊર્જા હેઠળ આવરી લેવાશે

42

પ્રથમ તબક્કામાં અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ તથા સુરેન્દ્રનગર વિસ્તારમાં પંચાવન સોલાર પ્લાન્ટનું આયોજન
સોલાર રૂફટોપ યોજનાની ભવ્ય સફળતા બાદ પીજીવીસીએલ દ્રારા કુસુમ યોજના હેઠળ ૬૦૦ મેગાવોટ સોલાર વીજળી ઉત્પન્ન કરવાના લય સાથે ૬૬ કેવી સબસ્ટેશનમાંથી નીકળતા સિલેકટેડ ખેતીવાડી ફીડરોનું જૂથ બનાવીને ૧ થી ૪ મેગા વોટની મર્યાદામાં પ્રથમ તબક્કામાં કુલ પ૫ સોલાર પાવર પ્લાન્ટ બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સદર યોજનામાં ૧ થી ૪ મેગાવોટનો પ્લાન્ટ સ્થાપિત કરવા માટે આ પ્રકારના કામની અનુભવી ડેવલપર એજન્સીઓ પાસેથી ૨૫ વર્ષના કરાર માટે ભાવ મંગાવવામાં આવ્યા છે. પીજીવીસીએલ દ્રારા હાલમાં પ્રથમ તબક્કામાં અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર વિસ્તારમાં ૫૫ (પંચાવન) સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૬૭ ખેતીવાડી ફીડરોના આશરે ૫૬,૯૫૦ ખેતીવાડી વીજ જોડાણોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ૫૫ સોલાર પ્લાન્ટ થકી આશરે ૧૪૦ મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે. આ ઉપરાંત તબક્કાવાર ૧,૮૨,૫૦૦ ખેતીવાડી વીજ ગ્રાહકોના વીજ જોડાણો (૭.૫ એચપી સુધીના) ને સોલરાઇઝ કરાશે. જેના થકી આશરે ૬૦૦ મેગવોટ સૌર ઊર્જાનું ઉત્પાદન કરી શકાશે.
અગાઉ પીએમ કુસુમ સી ૬૦૦ફીડર લેવલ સોલરાઈઝેશન હેઠળ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ત્રણ ફીડરોનો સમાવેશ કરીને ૧.૨૦૬ મેગાવોટ સોલાર પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ૬૮૪ ખેતીવાડી વીજગ્રાહકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલ પ્રથમ તબક્કામાં સર્કલ દીઠ સોલાર પ્લાન્ટની સંખ્યામાં અમરેલીમાં ૬, બોટાદ ૭, ભાવનગર ૯, જામનગર ૩, જુનાગઢ ૭, પોરબંદર ૧૪, રાજકોટ ગ્રામ્ય ૭ અને સુરેન્દ્રનગર સર્કલમાં ૨ પ્લાન્ટનો સમાવેશ કરાયો છે. પીજીવીસીએલ દ્રારા તા. ૨૨-૦૬-૨૦૨૨ના રોજ બહાર પાડવામાં આવેલ ટેન્ડર ભરવાની તા. ૧૨-૦૭-૨૦૨૨ રખાઇ છે.

Previous articleભગવાન જગન્નાથજીની રથયાત્રા આડે હવે ત્રણ દી’ બાકી, જબ્બર ઉત્સાહ
Next articleભાવનગર જિલ્લામાં તા.૫ જુલાઇથી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે