શહેર-જિલ્લામાં આજે ઉજવાશે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર

1450

સમગ્ર રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવતીકાલ તા.૧૬મીના રોજ રમજાન માસ પૂર્ણ થતા પવિત્ર ઈદ-ઉલ-ફિત્ર રમજાન ઈદના તહેવારની શાનોશોકતથી ઉજવણી કરશે. જેમાં સવારે વિવિધ મસ્જીદોમાં તેમજ ઈદગાહમાં ઈદની સામુહિક નમાઝ અદા કરવા ઉપરાંત કબ્રસ્તાનમાં પોતાના મર્હુમોની કબર ઉપર ફુલ ચડાવી દુઆઓ કરી અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવશે.

મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસના ૩૦ રોજા રાખી બંદગી અને નેકી કરી પૂણ્યનું ભાથુ બાંધ્યું હતું. તેના ઈનામ રૂપે ઈદ-ઉલ-ફિત્ર રમઝાન ઈદનો તહેવાર ઉજવવામાં આવશે. આજે વહેલી સવારે તમામ મુસ્લિમ બિરાદરો શહેર-જિલ્લાની મસ્જીદો અને ઈદગાહમાં ઈદની ખાસ નમાઝ અદા કરશે. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવશે. ત્યારબાદ કબ્રસ્તાનમાં જઈ પોતાના મર્હુમની કબર ઉપર ફુલ ચડાવી ફાતિહા પડી ખાસ દુઆઓ કરશે તેમજ નાના બાળકોને ઈદી રૂપી રોકડ રકમ પણ આપશે.

આજે ઈદ-ઉલ-ફિત્રના તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરો પોતાના ઘરમાં કીમામી સેવ, નમકીન અને ખીરખુરમા સહિતની વાનગીઓ બનાવવામાં આવશે અને એકબીજાના ઘરે પણ ખીરખુરમા મોકલશે અને ઈદની મુબારકબાદી પાઠવશે. આ ઉપરાંત ઈદના તહેવાર નિમિત્તે જે લોકો આર્થિક રીતે સધ્ધર છે. તેઓ ગરીબ, લાચાર, મોહતાજ, વિધવા બહેનોને અને જરૂરીયાતમંદોને આર્થિક સહાય પણ કરશે. આજે પવિત્ર ઈદનો તહેવાર હોવાથી ભાવનગર શહેર-જિલ્લાની મસ્જીદ અને ઈદગાહ પાસે કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને આ તહેવાર સુલેહ શાંતિથી ઉજવાય અને કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા મુસ્લિમ વિસ્તારો મસ્જીદો, ઈદગાહ વિગેરે વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ અને બંદોબસ્ત ગોઠવાશે. આજે ઈદનો તહેવાર હોવાથી ભાવનગર શહેરના ફરવાલાયક સર્કલો, બોરતળાવ, ઘોઘા, કુડા સહિતના ફરવાલાયક સ્થળોએ મુસ્લિમ બિરાદરોની ભીડ જામશે.

આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર હોય ભાવનગર શહેરની મસ્જીદો ઉપરાંત ભાવનગર જિલ્લા જેલમાં પણ કેદી ભાઈઓ ઈદની ખાસ નમાઝ અદા કરી ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરશે.

મહુવામાં શુક્રવારે ઈદ મનાવાઈ

રાજ્યભરની સાથસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં શનિવારે ઈદની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આજે શુક્રવારે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે મહુવામાં ચાંદના દિદાર થયા બાદ આજે શુક્રવારે ઈદ મનાવાઈ હતી. જો કે અન્ય તમામ તાલુકા, જિલ્લાઓમાં શનિવારે ઈદની ઉજવણી કરવામાં આવશે.

Previous articleભાવનગર ડેપોને ત્રણ નવી બસ ફાળવાઈ દિવ, મોરબી, તથા રાજકોટ રૂટ પર દોડાવાઈ
Next articleપાલીતાણા તાલકાની કસ્તુરબા ઉ.બુ. વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો