ગુજરાતની ચૂંટણી ડિસે.ના પ્રથમ સપ્તાહમાં : શાહ

832
guj1032017-9.jpg

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે પ્રચાર-પ્રસાર તેજ થઈ ગયા છે. હાલમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રમાં રોડ શો કર્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત પહોંચ્યા છે. સોમવારે ગાંધી જયંતિ અંતર્ગત અમિત શાહે પોરબંદર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં થશે અને ચૂંટણી પંચ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત આવશે તેમ જણાવ્યું. તો અમિત શાહે રાહુલ ગાંધીને પણ આડે હાથ લેતાં તેમના પર પ્રહાર કર્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પછી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત પહોંચ્યા છે. તો આમ આદમી પાર્ટીએ પણ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણીની તારીખ જાહેર કરી નથી પરંતુ અમિત શાહે પોરબંદરમાં એક સભા સંબોધતા ચૂંટણી લગભગ ડિસેમ્બરમાં થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
શાહે કહ્યું કે, “ચૂંટણી પંચ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે.”ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ૨૨ જાન્યુઆરી, ૨૦૧૮ સુધીનો છે અને આ પહેલાં પ્રદેશમાં નવી સરકારની રચના જરૂરી છે. ગત વખતે ચૂંટણી બે તબક્કામાં ૧૩ અને ૧૭ ડિસેમ્બર, ૨૦૧૨નાં રોજ થઈ હતી.
અમિત શાહે, રાહુલ ગાંધી પર મોટો જુમલો કર્યો હતો. તેઓએ કહ્યું કે, “રાહુલ ગાંધીએ ઈટાલીના ચશ્મા નહીં પરંતુ ગુજરાતી ચશ્મા પહેરવાં જોઈએ ત્યારે જ તેઓને અહીંનો વિકાસ જોવા મળશે.”અમિત શાહે રાહુલ ગાંધી પર વધુ પ્રહાર કરતાં કહ્યું કે, “જો રાહુલને ગુજરાતના સપનાં આવે છે તો તેઓએ ઈટાલી નહીં પોરબંદર આવવું પડશે. અમે તો ત્રણ વર્ષના કામનો હિસાબ આપીશું પરંતુ શું રાહુલ ગાંધી પોતાની ત્રણ પેઢીનો હિસાબ આપી શકશે?”
૧૯૯૮થી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે. પરંતુ મોદી વડાપ્રધાન બન્યાં બાદથી ગુજરાતમાં ભાજપની સ્થિતિ નબળી પડી છે. ગુજરાતમાં પાટીદાર અને અન્ય જ્ઞાતિઓના વિરોધના કારણે ગુજરાતમાં ત્રણ વર્ષમાં બે મુખ્યમંત્રી બદલાય ગયાં છે. ત્યારે ભાજપને આ વખતે ચૂંટણી જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. મોદી વગર ચૂંટણી જીતવા માટે ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા વગરનો પ્રારંભ કર્યો છે. રવિવારે અમિત શાહે સરદાર પટેલના ગામ કરમસદ પહોંચી ગૌરવ યાત્રાને લીલી ઝંડી દેખાડી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય ચૂંટણીપંચે મતદાર યાદી અપડેટ કરવાથી માંડીને વીવીપેટ મશીનથી મતદાન કરાવવા સુધીની તૈયારીઓ કરી છે. ભાજપ, કોંગ્રેસ, આપ, અને શંકરસિંહ બાપુનો જનવિકલ્પ પક્ષે કમર કસી લીધી છે. ચૂંટણીપ્રચારના પ્લાનિંગ ચાલી રહ્યા છે. પ્રદેશ ચૂંટણી ઈન્ચાર્જ અરૂણ જેટલી બે વખત ગુજરાત આવીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી ગયાં છે. ગુજરાત વિધાનસભામાં હાલ ૧૮૨ ધારાસભ્યોની બેઠક છે. જેમાં હાલ ભાજપના ૧૧૮ ધારાસભ્યો છે. અમિત શાહે ૧૫૦ પ્લસનો ટાર્ગેટ આપ્યો છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં અંદાજે ૨૨ વર્ષથી ભાજપની સરકાર સત્તામાં રહી છે.
હવે પીએમ મોદી ફરીથી ૭-૮ ઓકટોબરે ગુજરાત આવી રહ્યા છે, નરેન્દ્ર મોદી બે દિવસમાં અનેક લોકાર્પણ અને ખાત મુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ જાહેરસભાની સંબોધન પણ કરશે. તાજેતરમાં જ તેઓ જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સાથે બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરી ગયા છે. તેમજ રાહુલ ગાંધી પણ બીજી વખત ૯-૧૦-૧૧ ઓકટોબર મધ્ય ગુજરાતના ગામડાઓને ખુંદશે, અને કોંગ્રેસના રાજની સિદ્ધિઓને વર્ણવશે. બીજી તરફ શંકરસિંહ બાપુ પણ જનસંવેદના યાત્રા લઈને ગુજરાતના ગામડે ગામડે ફરી રહ્યાં છે. ગુજરાતમાં જનવિકલ્પ આવી ગયો છે, એમ કહીને ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. એટલે આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ અને જનવિકલ્પ પક્ષ એમ કુલ ચાર પક્ષો વચ્ચે ચૂંટણી લડાશે. જો કે ગુજરાતની જનતાએ બે જ પક્ષને સ્વીકાર્યો છે, એવું અત્યાર સુધીનો ઈતિહાસ બોલે છે.

Previous article રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગ્રામ્ય  ગુજરાતનેર ODF જાહેર કર્યું
Next article ગીર-સોમનાથમાં ભાજપના બીચ-ફેસ્ટિવલનો ફિયાસ્કો