નોટબંધી અને GSTથી અર્થતંત્ર ટ્રેક ઉપર : મોદી

577
gandhi23102017-2.jpg

કોંગ્રેસની આક્રમક વ્યૂહરચના અને જીએસટીને લઇને વેપારીઓની નારાજગી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ મહિનામાં ત્રીજી વખત ગુજરાત પહોંચ્યા હતા. મોદીએ ભાવનગર અને વડોદરા જિલ્લામાં શ્રેણીબદ્ધ પ્રોજેકટોનું લોકાર્પણ કર્યું હતુ અને સાથે સાથે આધારશીલા મુકી હતી. મોદીએ શ્રેણીબદ્ધ સભા પણ આ ગાળા દરમિયાન સંબોધી હતી. સાથે સાથે ભવ્ય રોડ શો યોજીને પોતાની લોકપ્રિયતાની પણ સાબિતી આપી હતી. મોદીએ દેશમાં બે ઐતિહાસિક અને કઠોર એવા નોટબંધી અને જીએસટીના નિર્ણયને લઇને પણ બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે અર્થતંત્ર બિલકુલ યોગ્ય માર્ગ ઉપર છે. અર્થતંત્રના મૂળભૂત પાસા ખુબ મજબૂત છે. વડોદરામાં મોદીએ જાહેર બેઠકમાં કોંગ્રેસ પાર્ટીની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, જે લોકો રિકાઉન્ટિંગના કારણે રાહત અનુભવી ગયા હતા તે લોકો ચૂંટણી પંચની કુશળતાને લઇને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. મોદીએ સરદાર પટેલની જન્મજ્યંતિના પ્રસંગે રન ફોર યુનિટીમાં ભાગ લેવા અપીલ કરી હતી. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, વિકાસનો વિરોધ કરી રહેલા લોકોને પ્રજાના એક રૂપિયાની પણ મદદ કરવામાં આવશે નહીં. અમે અમારી કામગીરીને લઇને બિલકુલ સ્પષ્ટ છીએ. દરેક નાગરિકના કલ્યાણ માટે સંશાધનોનો ઉપયોગ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે વડોદરા ખાતે પણ ૧૧૪૦ કરોડના વિકાસ કામોના ખાતમૂર્હુત અને લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં માત્ર ને માત્ર વિકાસ માટે કાર્યરત સરકાર છે. જે રાજયો વિકાસ કરવા તત્પર હશે તેને કેન્દ્ર સરકાર મદદ કરશે. દિવાથી ચાલતા ચાર કરોડ પરિવારોને વીજળીનું કનેકશન મળવું જોઇએ અને ૨૦૧૯ સુધીમાં ઝુંપડપટ્ટી સુધી વીજળી પહોંચાડવાનું અમારું આયોજન છે. પ્રજાના પૈસાનો ઉપયોગ જનહિત અને વિકાસના કાર્યો માટે જ થવો જોઇએ. મોદીએ દેશની જનતા સાથે ૭૦ વર્ષ સુધી અન્યાય કરવા બદલ કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારે માત્ર ગોટાળા જ કર્યા ને અમારી સરકારે માત્ર ને માત્ર વિકાસ કર્યો છે. મોદીએ વડોદરાવાસીઓને દિવાળી-બેસતાવર્ષની શુભકામના પાઠવી હતી અને મજામા ને…કહી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. મોદીએ જણાવ્યું કે, દિવાળી પછી પહેલું કામ મા કાલીના ધામનું થાય તેનાથી મોટા આશીર્વાદ શું હોઇ શકે. કોંગ્રેસ અને વિરોધીઓ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે, ૨૦૧૪ સુધી કોંગ્રેસે માત્ર ગોટાળા જ કર્યા અને ૭૦ વર્ષો સુધી દેશની જનતા સાથે અન્યાય કર્યો જયારે અમારી સરકાર આવી ત્યારે તેણે માત્ર વિકાસના કર્યો કર્યા. દેશના નાગરિકને નજર સામે દેખાવું જોઇએ કે કામ થયું છે. આજે દેશને પરિવર્તન અને વિકાસ જોઇએ છે.  દિવાળીમાં હું શું કરવા વડોદરા આવ્યો તેને લઇને પણ લોકોને પેટમાં દુઃખે છે. મને કંઇ નથી કહી શકતા, તેથી ચૂંટણી પંચ પર દબાવ બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હું એવા લોકોને કહેવા ઇચ્છુ છું કે, તેઓને ચૂંટણી પંચ તરફ આંગળી ઉઠાવવાનો કોઇ હક્ક કે અધિકાર નથી. કોંગ્રેસમાં લાંબી વિચારસરણી નથી. પહેલા ભ્રષ્ટાચારના સમાચારો આવતા હતા અને આજે વિકાસના સમાચારો આવે છે. તેમણે ઉમેર્યું કે, હું શોધીશોધીને ફાઇલો નીકાળી રહ્યો છું અને જે પ્રોજેકટ કે પરિયોજનાઓ અટકેલી પડી છે, તેને પૂરી કરી રહ્યો છું. દશકોની વ્યવસ્થા બદલવાનો અમે નિર્ધાર કરી લીધો છે. પહેલાં ગેસના બોટલના કનેકશન માટે ચપ્પલ ઘસાઇ જતા જયારે આજે ઠેર-ઠેર પાઇપલાઇનથી ગેસ પહોંચાડવાનું કામ અમારી સરકારે કર્યું છે. દરમ્યાન ભાજપ સરકારના વિકાસ કાર્યો અને ભાવિ આયોજનને વર્ણવતાં મોદીએ જણાવ્યું કે, ઘેર-ઘેર વીજળી પહોંચાડવાનું કામ ભાજપ સરકારે કર્યું છે અને હજુ ૨૦૧૯ સુધી તમામ ઝુંપડપટ્ટીઓમાં વીજ જોડાણો મળી જાય તેવું આયોજન ચાલી રહ્યું છે. આ પહેલી એવી સરકાર છે કે, જેણે મધ્યમવર્ગને મકાન લેવામાં મદદ કરી છે, ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિકને પોતાનું ઘર હોય તેવું આયોજન છે.  વડાપ્રધાન મોદીએ આજે એક જ દિવસમાં રૂ.૩૬૦૦ કરોડના પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું. મોદીએ સીટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર, સીટીના સૌથી મોટા બ્રીજ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.