અણીયાળી ગામ પાસેથી ૩૩ લાખનો દારૂ ઝડપાયો

1416

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમએ પૂર્વ બાતમી આધારે અણીયાળી ગામ પાસેથી લાખ્ખોના વિદેશી શરાબ સાથે ગોંડલના શખ્સની ધરપકડ કરી છે.

રાજ્ય સરકારનો દારૂ તથા અન્ય નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ અને તંત્ર દ્વારા મોટા ઉપાડે ગાય વગાડવામાં આવે છે કે, રાજ્યમાં ચુસ્ત દારૂબંધી છે પરંતુ સમગ્ર રાજ્યમાં ખુણે ખાચરે માંગો ત્યાં દેશી-ઈંગ્લીશ શરાબ મળી રહે છે. આ સત્ય વાસ્તવિક્તા જાહેર થાય છે. રાજ્યમાં છાશવારે ઝડપાતા લાખ્ખોની કિંમતના ઈંગ્લીશ દારૂ આવી જ એક ઘટના રાજ્ય સરકારના ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલવા પામી છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે બોટાદ જિલ્લાના પાળીયાદ રોડ ભુમિ વાયર ફેક્ટરી પાસે અણીયાળી ગામ તરફ જવાના રોડ પર વોચમાં હતા તે વેળા બોટાદ તરફથી આઈશર ટેમ્પો નં.જીજે૬ વાયવાય ૯પ૯૯, મહિન્દ્રા તુફાન જીપ નં.જીજે૦૩ એવી ૪પ૦૭ તથા હ્યુન્ડાઈ વર્ના કાર નં.જીજેપ સીએન ૮૧૮ર પસાર થતા જેને અટકાવતા આઈશર ટેમ્પાના ચાલક મંગલગીરી હરીગીરી ગોસ્વામી, રે.જેતપુર રોડ, ગોંડલવાળો ઝડપાઈ જવા પામેલ. જ્યારે અન્ય બે આરોપીઓ જેમાં કુલદિપ શિવકુ ઉર્ફે શિવરાજ ખાચર રે.બોટાદવાળો તથા અન્ય એક શખ્સ ત્રણેય વાહનોનું પેટ્રોલીંગ કરી રહેલ ઈનોવા કારમાં બેસી નાસી છુટ્યા હતા.

એલસીબીની ટીમએ ત્રણેય વાહનોમાં તપાસ કરતા પરપ્રાંતિય બનાવટનો ઈંગ્લીશ શરાબ તથા બિયર ટીન નં.ર૬૮૮ તથા દારૂ બોટલ નંગ-૬ર૬૧ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ સાથે આરોપી મંગ

લગીરીની પ્રોહી.એક્ટ તળે ગુનો નોંધી અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે બોટાદ-ભાવનગર જિલ્લામાં ભારે ચક્ચાર મચી જવા પામી છે.

નવરાત્રિ પૂર્વે બુટલેગરો બન્યા બેકાબુ

સમગ્ર રાજ્યમાં નવલા નવરાત્રિના દિવસો આડે થોડો સમય બાકી રહ્યો છે ત્યારે ગરબે જુમવા યુવાધન થનગની રહ્યું છે. તો બીજી તરફ આ દિવસો દરમ્યાન છાંટોપાણીના શોખીનો પ્યાસ બુઝાવવા મદિરાની બહોળી માંગ કરતા હોય છે. આ પર્વ પૂર્વે ગ્રાહકોની ડીમાન્ડ પુરી કરવા બુટલેગરો સક્રિય બન્યા હોય તેવું લાગી રહ્યું છે અને માલનો સ્ટોક કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં ગોઠવણના અંતિમ સમયે પોલીસ વિલન બની બુટલેગરોની બાઝી બગાડી રહી છે તે બાબત વર્તમાન સ્થિતિ પરથી સ્પષ્ટપણે ફલીત થાય છે.

આટલા વિશાળ જથ્થાનો માલિક કોણ..?

૩૩ લાખના ઈંગ્લીશ દારૂ પકડાયા મુદ્દે લોકોમાં ચર્ચાઓનો વણથંભ્યો દૌર ચાલી રહ્યો છે. આટલા મોટા જથ્થાનો માલિક કોણ ? આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યા ડીલેવર કરવાનો હતો ? રાજ્યમાં જો કડકપણે દારૂબંધી હોય તો પરપ્રાંતમાંથી આટલી મોટી રકમનો દારૂ છેક બોટાદ સુધી કઈ રીતે પહોંચ્યો ? આ એક સ્થળેથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો તો જિલ્લામાં અન્ય સ્થળે પણ દારૂનો બારોબારનો કાળો કારોબાર ચાલતો હશે કે કેમ ? પોલીસને માત્ર એક જ આરોપી હાથ લાગ્યો અન્ય કઈ રીતે નાસી છુટ્યા ? સહિત અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે.

Previous articleમાખણીયાના સરપંચ લાંચ સ્વીકારતા આબાદ ઝડપાયા
Next articleસિહોર પો.સ્ટે.માં યુવકે જાતે પેટ્રોલ છાંટી કાંડી ચાપી