હાઇકોર્ટના સીટીંગ જજ તપાસ કરે : કોંગ્રેસ

1000
guj1112017-8.jpg

સિવિલ હોસ્પિટલમાં સેપ્ટીસિનિયા ઇન્ફેકશનના કારણે ત્રણ જ દિવસમાં ૨૦થી વધુ નવજાત શિશુઓના મોત નીપજવાના રાજયભરમાં ખળભળાટ મચાવનારા પ્રકરણમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઇકોર્ટના સીટીંગ જજ મારફતે ન્યાયિક તપાસ કરાવવા માંગણી કરી છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા શકિતસિંહ ગોહિલે સમગ્ર મામલામાં રાજય સરકારની ગંભીર બેદરકારી અને જવાબદારીના આક્ષેપો કર્યા હતા અને સરકારની ગુનાઇત બેદરકારીના કારણે ઘટના ઘટી હોવાનું જણાવ્યું હતું. સરકાર દ્વારા નીમાયેલી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ પ્રાથમિક તપાસના અંતે સિવિલ હોસ્પિટલને કલીનચિટ્‌ આપતાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને પક્ષના સિનિયર નેતા શકિતસિંહ ગોહિલે તાબડતોબ પત્રકાર પરિષદ બોલાવી તેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગોહિલે જણાવ્યું તે, નિર્દોષ નવજાત શિશુઓના અકાળે મોતની ઘટનામાં ભાજપ સરકાર પોતાની ભૂલ જાહેરમાં સ્વીકારે અને ગુજરાતની જનતાની માફી માંગે. આ સમગ્ર પ્રકરણ માટે સરકારની ગુનાઇત બેદરકારી જવાબદાર છે. આ મામલો અતિગંભીર છે અને તેની ન્યાયિક તપાસ થાય તે જરૂરી છે, તેથી હાઇકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં સીટની રચના કરી તેના મારફતે નિષ્પક્ષ થવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવજાત શિશુઓ કે બાળકો માટેની સિવિલ હોસ્પિટલમાં પૂરતી કે યોગ્ય સારવાર કે વાતાવરણ ઉપલબ્ધ નથી. લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી એમ્બ્યુલન્સમાં લાઇફ સપોર્ટ સીસ્ટમ નથી. આઇસીયુ અને ટ્રોમા સેન્ટરમાં એ.સી ચાલતા નથી તો, ડસ્ટ અને એર ફિલ્ટર પણ રખાયા નથી. બાળકોના આરોગ્યની કાળજી માટે ૨૪ કલાક સીસીટીવી નીરીક્ષણ કરવુ જરૂરી છે પરંતુ ત્યાં સીસીટીવી લગાવેલા ન હતા. સગર્ભા મહિલાઓની તપાસ કરીને ત્રીજા મહિનાથી જ સરકારે તેમની કાળજી લેવાની હોય છે. સગર્ભા મહિલાને પૂરતું પોષણ અને આયર્ન મળે રહે તેનું ધ્યાન રાખવાનું હોય છે પરંતુ સગર્ભા મહિલાઓને પૂરતું પોષણ કે આયર્ન જ અપાતું નથી અને તેથી સરકારની ઘોર બદરકારીના કારણે કુપોષિત બાળકો જન્મે છે. સરકારની ગ્રાંટ મળવા છતાં તેમાંથી નાના બાળકોને પ્રવાહી ખોરાક અપાતો નથી, નાના બાળકોને ફળોનો જયુશ, સુપ, દૂધપૌંઆ વગેરેમાંથી કંઇ જ અપાતુ નથી. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુઓના મોત પ્રકરણમાં તબીબી શિક્ષણ વિભાગના નાયબ નિયામક ડો.રાઘવ કે.દીક્ષીતની  અધ્યક્ષતામાં નીમાયેલી તપાસ સમિતિએ ઓન ડયુટી ડોકટર્સ અને નર્સના નિવેદન લીધા હતા અને સમગ્ર ઘટનામાં સિવિલ હોસ્પિટલના સાધનો અને સારવારના વ્યવસ્થાપનોની તપાસ પણ કરી હતી અને તપાસના અંતે સમગ્ર મામલામાં સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ કે તબીબોની કોઇ ચૂક કે બેદરકારી જણાઇ ન હતી અને સિવિલ હોસ્પિટલને કલીન ચિટ્‌ આપી દીધી હતી, જેનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. 

Previous article શહેરમાં તુલસી વિવાહની થયેલી ઉજવણી
Next article ખેડૂતો ખુશખુશાલ : ગીર-સોમનાથમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ