એશિયા કપમાં શિખર ધવને સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ બનાવ્યો

1424

ભારતીય ટીમનાં ઓપનર શિખર ધવન ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ પરત ફરતા જ પોતાના બેટથી રનનો વરસાદ વરસાવી રહ્યો છે. શિખરે એશિયા કપની ભારતની પહેલી મેચમાં હોંગકોંગ સામે સદી ફટકારી હતી, ત્યારબાદ પાકિસ્તાન સામે ૪૬ અને બાંગ્લાદેશ સામે તેણે ૪૦ રન ફટકાર્યા હતા. ફક્ત બેટિંગમાં જ નહીં પરંતુ ફીલ્ડિંગમાં પણ શિખર ધલન કમાલ કરી રહ્યો છે.

શુક્રવારે શિખર ધવને બાંગ્લાદેશ સામે ૪ કેચ પકડ્યા હતા અને આ સાથે જ એશિયા કપની કોઇ એક મેચમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ તેના નામે નોંધાયો છે. આ ટૂર્નામેન્ટનાં ૩૪ વર્ષોમાં તે પહેલો ફીલ્ડર છે જેણે એક મેચમાં ૪ કેચ પકડ્યા હોય.

બાંગ્લાદેશ સામેની મેચમાં ધવને ૩ કેચ જસપ્રીત બુમરાહની ઓવરમાં અને એક કેચ રવીન્દ્ર જાડેજાની ઓવરમાં પકડ્યો હતો. આ ઉપરાંત ધવન ૧૪ વર્ષ બાદ વનડેમાં ૪ કેચ ઝડપનાર ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા વીવીએસ લક્ષ્મણે ૨૦૦૪માં ઝિમ્બાબ્વે સામે આ કારનામુ કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે જૉન્ટી રૉડ્‌સ એકમાત્ર ફીલ્ડર છે જેણે એક વનડે મેચમાં ૫ કેચ પકડવાનો રેકોર્ડ બનાવ્યો છે.

ઑવરઑલ વનડે ક્રિકેટમાં શિખર ધવન ભારતનો ૭મો ક્રિકેટર છે જેણે એક ઇનિંગમાં ૪ કેચ પકડ્યા હોય. તેની પહેલા સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, મોહમ્મદ અઝહરુદ્દીન, રાહુલ દ્રવિડ, મોહમ્મદ કૈફ અને વીવીએસ લક્ષ્મણ આવું કરી ચુક્યા છે.

Previous articleવેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રેક્ટિસ-મેચમાં બૉર્ડ પ્રમુખનો કેપ્ટન કરુણ નાયર
Next articleએશિયા કપમાં ભારત-પાકસ્તાન વચ્ચે વધુ એક મેચ