ભાવનગર રેલ્વે સ્ટેશનનું ૧૦ કરોડના ખર્ચે આધુનિકરણ કરાશે

992

ભાવનગર શહેરનું રેલ્વે સ્ટેશન કે જે રાજાશાહીના સમયમાં બનાવવામાં આવ્યું હતું. તે હવે આધુનિક કલેવર ધારણ કરતા રૂા. ૧૦ કરોડના ખર્ચે અત્યંત આધુનિક સુવિધા સાથેનું રેલવે સ્ટેશન બનવા થઈ રહ્યું છે. જેનું ભુમિ પુજન આવતીકાલે સવારે ૧૧ઃ૦૦ કલાકે સાંસદ ડો. ભારતીબેન શિયાળના વરદ હસ્તે જીલ્લા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન મકવાણા, મેયર મનહરભાઈ મોરી સહિતના મહાનુભાવોની વીશેષ ઉપસ્થિતિમાં યોજાશે.

શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવેલ કે ભાવેણા ખાતે રાજાશાહીના સમયમાં ભાવેણાના દુરંદેશી રાજવીઓએ ભાવેણાના લોકોની સુવિધા માટે જે તે સમયે રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરેલ જે સમયાંતરે જર્જરિત બનતા અને સમયાંતરે મુસાફરોની અવર-જવર વધતા નાના-મોટા સુધારાઓ કરવામાં આવેલા પરંતુ ભાવેણાના નાગરિકો માટે એક આધુનિક રેલ્વે સ્ટેશનની માંગણી કાયમ રહેલ જેને ભાવેણાના સક્રિયા સાંસદ ડો. ભારતીબેન શિયાળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયુશભાઈ ગોયલ સમક્ષ રજુઆત કરવામાં આવતા રેલવે મંત્રી હકારાત્મક પ્રતિભાવ આપતા ભાવનગર રેલ્વે સ્ટેશનની નવીનીકરણ માટે રૂા. ૧૦ કરોડ મંજુર કરતા આ કાર્યનું ભુમિપુજન આવતીકાલે સવારે ૧૧-૦૦ કલાકે સાંસદ ડો. ભારતીબેન શિયાળના વરદ હસ્તે ભાવનગર ટર્મિનલ ખાતે યોજાશે.  આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, શહેર સંગઠનના પદાધિકારીઓ, મહાનગરસેવાસદનના પદાધિકારીઓ, નગરસેવક, શિક્ષણ સમિતિના સદસ્યો, સેલ મોરચાના પદાધિકારી વોર્ડ પ્રમુખ – મહામંત્રીઓ સહિત તમામ કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને ભાવેણાવાસીઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

Previous articleપ્રજ્ઞાપંથી અવાજના અજવાળે વિશિષ્ટ પ્રદર્શનનો પ્રારંભ
Next articleસિંધુનગરમાંથી સેકંડો દબાણો હટાવતું તંત્ર