નિવૃત્તિ લેવામાં મને કોઈ પસ્તાવો નથી, દિલથી રમ્યો : પ્રવીણ કુમાર

1008

અનુભવી ભારતીય ઝડપી બોલર પ્રવીણ કુમારે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. મેરઠનો પ્રવીણ કુમાર ભારતીય ટીમના ઘણા યાદગાર વિજયનો ભાગ બન્યો છે. ૧૩ વર્ષ સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યા પછી તેણે આ નિર્ણય લીધો છે. તે હવે માત્ર ઓએનજીસી માટે કંપની ક્રિકેટ રમશે અને તે બોલિંગનો કોચ બનવા માંગે છે. નિવૃત્તિ બાદ તેણે જણાવ્યું કે ’મને કોઈ પસ્તાવો નથી. દિલથી રમ્યો, દિલથી બોલિંગ કરી.

તેણે જણાવ્યું કે યુપીમાં સારા બોલર છે, જે રાહ જોઈ રહ્યા છે, અને હું નથી ઇચ્છતો કે તેમની કારકિર્દી પ્રભાવિત થાય. હું રમીશ તો એકની જગ્યાએ જશે. અન્ય ખેલાડીઓના ભવિષ્ય વિશે વિચારવું મહત્વનું છે. મારો સમય સમાપ્ત થઈ ગયો છે અને મેં તેનો સ્વીકાર કર્યો છે. મને આ તક આપવા માટે હું ભગવાનનો આભારી છું અને ખુશ છું.’ તેણે જણાવ્યું કે હું બોલિંગ કોચ બનવા માંગુ છું. લોકો જાણે છે કે મારી પાસે આ જ્ઞાન છે. મને લાગે છે કે આ એક એવું ક્ષેત્ર છે જ્યાં હું કામ કરી શકું છું, હું આ અનુભવને યુવાનોને આપી શકું છું.

ઉલ્લેખનીય છે કે પ્રવીણકુમાર ૨૦૦૫-૦૬માં રણજી ટ્રોફીમાં ઉત્તરપ્રદેશ તરફથી રમ્યો હતો, જ્યાં તેણે ૪૧ વિકેટ લીધી હતી અને ૩૮૬ રન બનાવ્યા હતા. તેની પાસે બંને બાજુ બોલ સ્વિંગ કરવાની ક્ષમતા હતી. ઘરેલું ક્રિકેટમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ તેણે નવેમ્બર ૨૦૦૭માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મેળવ્યું.

તેણે ભારત માટે ૬૮ વનડે અને ૬ ટેસ્ટ મેચ રમી છે, જેમાં ૭૭ વનડે અને ૨૭ ટેસ્ટ વિકેટ લીધી છે. વર્લ્ડકપ ૨૦૧૧ની ટીમમાં પણ તેની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ ઈજાના કારણે તે મેચ રમી શક્યો ન હતો. ભારત માટે  પ્રવીણકુમારે છેલ્લી મેચ ૩૦ માર્ચ ૨૦૧૨ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી અને આ ટી-૨૦ મેચ હતી.

Previous articleવિજય હજારે ટ્રોફીઃ ઝારખંડની હારથી હરભજન થયો એમએસ ધોનીથી નારાજ
Next articleમાણસા શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પુતળાનું દહન