કરુણા અને સંવેદના જનને મહાજન બનાવે છે

1859

ભગવાન મહાવીર પોતાની તપશ્ચર્યા કરી રહ્યા હતા. આસપાસમાં પોતાની ગાયો ચરાવતો ગોવાળ કોઈક કામ અર્થે થોડો દૂર ફરવા જાય છે. ગોવાળ પોતાનું કામ પતાવી પરત આવે છે ત્યારે ચરી રહેલ ગાયોમાં ખૂબ સુંદર એવી રાતી ગાયને જોતો નથી. તે ગાય શોધવા લાગે છે. શોધતા-શોધતા પેલા તપશ્ચર્યા કરી રહેલા, વૃક્ષ નીચે બેઠેલા મહાત્મા તેની નજરે પડે છે. ગોવાળ તેમની પાસે જઈને બોલી ઊઠે છેઃ ’ભગત મારી રાતી ગાય જતા જોઈ?’ મહાત્મા તરફથી કોઈ જવાબ મળતો નથી. તે સમાધિ લગાવીને તપશ્ચર્યા કરી રહ્યા હતા. ગુસ્સે ભરાયેલો ગોવાળ મહાત્મા પાસે જઈ લોખંડનો સળિયો મહાત્માના કાનમાં ઘુસાડી કહે છેઃ ’તને સંભળાતું નથી ? હું ક્યારનો તને પૂછું છું કે મારી રાતી ગાય ક્યાં ગઈ ? તેમ છતાં ભગવાન મહાવીર સ્વામી એકચિત્તે સમાધિ લગાવી ભગવાનની આરાધના કરતા રહે છે. બન્ને કાનમાંથી લોહી ટપકવા લાગે છે, છતાં તેની અસર ભગવાન મહાવીર સ્વામી પર જરા પણ થતી નથી. તેનું મન ઈશ્વર સાથે લાગેલ હોવાથી તેને ગોવાળની વાત સંભળાતી નથી. કાનમાં લોખંડના સળિયા ઘુસાડવા છતાં તેની વેદના પણ તેને થતી નથી. કારણ કે તેમણે શરીર અને મન પર વિજય મેળવ્યો હતો. તેથી જ તેને ઇન્દ્રિયોના વિજેતા મહાવીર સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. પોતાના પર હુમલો કરનાર પર પણ સમભાવ દાખવવો, અન્યની વેદનાનો પોતે અનુભવ કરી સંવેદનશીલ વ્યવહાર સાથે તેનું ભલું કરવા હંમેશા તત્પર રહેવા તેમણે સંદેશ આપ્યો છે. આ સંદેશને લઈને આગળ વધતા જૈન સમાજના અનેક રત્નો ઇતિહાસમાં નજરે પડે છે. આજે પણ આ સમાજે એ ઉમદા સંવેદન હૃદયસ્થ કરી જીવમાત્ર પ્રત્યે સંવેદના અને કરુણા દાખવવા કઠોર તપશ્ચર્યા કરી હોય તેવા અનેક દાખલા જોવા મળે છે; એટલે જ આપણે આ લોકોને ‘મહાજન’ તરીકે ઓળખીએ છીએ.

લગભગ ૧૭૦૦ વર્ષના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો વસ્તુપાળ, તેજપાળ, ભામાશા, જગડુશા, વર્તમાનમાં જોઈએ તો દીપચંદ ગાર્ડી, સી. યુ. શાહ, કાંતિલાલ નારણદાસ શાહ જેવા અનેક મહાનુભાવો કે જેણે પોતાની પવિત્ર લક્ષ્મી પ્રજાના કલ્યાણ માટે અર્પણ કરી અને હજુ પણ તેમના વંશજો આ યજ્ઞને પ્રજ્વલિત રાખી રહ્યા છે. પોતાના પગ વાટે એક નાનકડા જંતુને પણ હાનિ ન પહોંચે તેવા હેતુથી મહારાજ સ્વામીઓ હંમેશા ખુલ્લા પગે જમીન પર ચાલવાનું પસંદ કરે છે અને અન્યને પણ તેમ કરવા દોરે છે. પોતાના પ્રેરક પ્રવચનમાં જીવમાત્ર પ્રત્યે દયા અને કરુણા દાખવવા ઉપદેશ આપે છે. એટલે આજે આટલા વર્ષો પછી પણ જૈન લોકો માટે આપણે ’મહાજન’ શબ્દ વાપરતા હર્ષ અનુભવીએ છીએ. કારણ કે તેઓ ખરા અર્થમાં મહાજન છે. જેમણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવી ખરા માનવધર્મને પ્રગટ કર્યો છે તેવા સમાજને વંદન છે.

આજે પણ જ્યારે જ્યારે જૈન સમાજના કોઈ પણ સભ્ય સાથે પરિચયમાં આવવાનું થાય છે ત્યારે એના સાથેના સંવાદના પ્રત્યેક શબ્દોમાં ખરી સંવેદના નીતરતી દેખાય છે. કોઈ પણ માટે તેઓ હંમેશા મદદ માટે આગળ આવતા હોય છે. પછી તે પાંજરાપોળ હોય, વસ્ત્રહીન, ભૂખ્યા, તરસ્યા લોકો હોય-કોઈ પણને જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે પોતાની શક્ય તેટલી સંપત્તિ તેઓ અર્પણ કરવા આગળ વધતા રહ્યા છે. આપણે જોઈએ તો અનેક શાળાઓના ભવન, છાત્રાલયો, દવાખાના, આશ્રયઘરો , ગૌશાળાઓ અને ધર્મશાળાઓ પર જૈન સમાજના મહાનુભાવોના નામ શોભતા જોવા મળે છે. પ્રમાણમાં ખૂબ નાનો સમાજ હોવા છતાં અથાક પરિશ્રમથી તેણે અગણિત વિસ્તારમાં ઉપરોક્ત સેવાઓ વિસ્તારી છે અને હજુ આવી સેવાઓના વિસ્તાર માટે પોતાની સઘળી ધન-સંપત્તિ આપતા કદી ખચકાતા નથી.

મને આ સમાજના ઘણા લોકો સાથે અંગત પરિચય કેળવવાની અનેક તક સાંપડી છે. મેં આ પરિચયમાં હમેશા જોયું છે કે આવા લોકો માનવ સેવાને વધુ મહત્ત્વ આપતા હોય છે. માનવસેવાના કોઈ પણ કાર્યો જેવા કે શિક્ષણ, આરોગ્ય, ભોજન, વિશ્રામગૃહ જેવી પ્રવૃત્તિઓને જીવંત રાખવા તેમની પાસે કોઈ પણ રકમની માગણી કરીએ તો આ સમાજના સભ્યો કદી નારાજ કરતા નથી. કદાચ દરખાસ્તના પ્રમાણમાં વધઘટ થઇ શકે પરંતુ મુકાયેલ દરખાસ્ત કદી સમાજ દ્વારા ઠુકરાવવામાં આવી હોય એવું મને યાદ નથી. હંમેશા નિર્ધન લોકોના કલ્યાણ માટે કંઈ ને કંઈ કરતા રહેવું, આવા લોકો માટે થોડી ઘણી સંપત્તિ અર્પણ કરતા રહેવું – તે તેમનો જીવનમંત્ર હોય છે.

થોડા સમય પહેલાં આવા જ એક મહાજનના પરિચયમાં હું આવ્યો. આ મહાજન એટલે જ મુંબઈની દહીંસર સ્પોટ્‌ર્સ ક્રિકેટ ક્લબના સૂત્રધાર એવા શ્રી પ્રવીણભાઈ ગોગરી કે જેવો અંડર ૧૬ ખેલાડીઓની ટીમ સાથે થોડા સમય પહેલા ભાવનગરમાં ભરૂચા ક્લબમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પોતાની ક્રિકેટ ટીમ લઇને આવ્યા હતા. ક્રિકેટ મેચ પૂરી થતાં તેઓ ખેલાડીઓ સાથે ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની મુલાકાતે આવી પહોંચે છે. તે સમય મારો પરિચય તેમની અને તેમની ટીમના અંડર ૧૬ ખેલાડીઓ સાથે થાય છે. તેઓ શાળાની પ્રવૃત્તિઓથી અભિભૂત બને છે અને શાળાના એક વિદ્યાર્થીને વાર્ષિક સ્પોન્સર પણ કરે છે. બાદ શાળાના વિભાગોની મુલાકાત પૂર્ણ થતા તેઓ મારું વિઝિટિંગ કાર્ડ માંગે છે. કાર્ડ લઇને તેઓ ખેલાડીઓ સાથે પોતાને આપવામાં આવેલ ઉતારા તરફ નીકળી જાય છે.

મુંબઈ પહોંચ્યા પછી દહીંસર સ્પોટ્‌ર્સ ક્રિકેટ ક્લબની મીટિંગમાં તેઓ અંધ ઉદ્યોગ શાળાની મુલાકાત વિશે સભ્યોને વિગતે માહિતી આપી જણાવે છે અને સાથોસાથ કલબના આગામી વાર્ષિક સમારંભમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ સંચાલક શ્રી લાભુભાઈ સોનાણીને ’ચીફ ગેસ્ટ’ તરીકે ક્લબના ખર્ચે આમંત્રિત કરવા મીટિંગમાં દરખાસ્ત પણ રજૂ કરે છે. દરખાસ્ત મંજૂર થતા તા૦૫/૧૧/૨૦૧૮ના રોજ યોજાનાર ક્લબના વાર્ષિક સમારંભમાં ’ચીફ ગેસ્ટ’ તરીકે ઉપસ્થિત રહેવા મને તથા મારા સમગ્ર પરિવારને નિમંત્રણ મોકલી આપવામાં આવે છે. મોકલાયેલ નિમંત્રણ મુજબ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અમે લોકો મુંબઈ જવા તા.૦૪/૧૧/૨૦૧૮ ના રોજ સાંજના ભાવનગરથી ઉપડતી બાંદ્રા ટ્રેનમાં રવાના થઈ જઈએ છીએ. ટ્રેનમાં પહોંચતા જ ક્લબના સભ્ય એવા વીરેનભાઈ જેઠવાનો ફોન પણ આવે છે. સર, ટ્રેન ઊપડી કે? તમે કયા કોચમાં બેઠા છો? તમારો કોચ નંબર અને ઊતરવાનો સમય મને મોકલી આપો, જેથી હું આપને રિસીવ કરી શકું. અમો બોરીવલી પહોંચીએ તે પહેલા જ પ્રાધ્યાપક વીરેનભાઈ જેઠવા અમારી અગાઉથી જ પ્રતીક્ષા કરી રહ્યા હતા. પહોંચતા જ તેઓ અમને દહીંસર સ્વામિનારાયણ મંદિર વિશ્રામગૃહ લઈ ગયા. ત્યાં અમારી સઘળી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજના કાર્યક્રમ પહેલાં તેઓ અમને કાર્યક્રમમાં લઈ જવા માટે લેવા આવશે તેમ કહી તેઓ ગયા. દરમિયાન ક્લબના મુખ્ય સૂત્રધાર પ્રવીણભાઈ ગોગરીનો મારા મોબાઈલ પર ફોન આવે છેઃ ’તમે સુખરૂપ પહોંચી ગયા છો ને? તમારી વ્યવસ્થામાં કોઇ કચાશ લાગે તો મને જરા ફોન કરશો.’ સગવડ ખૂબ સારી હતી. સંભાળ પણ ઠીક ઠીક રાખવામાં આવી હતી. તેમ છતાં ફરી પ્રવીણભાઈનો મારા મોબાઈલ પર ફોન આવે છેઃ ’તમો હજુ ભોજનાલયમાં કેમ પહોંચ્યા નથી? ભોજન વગેરે પતાવી આરામ કરો આજે તમારે તમારા જીવનસંઘર્ષ પર થોડી પ્રેરક વાતો કરવાની છે. વક્તવ્ય પણ લાંબું આપવાનું છે, તેથી બરાબર આરામ કરી લો. તમને કાર્યક્રમમાં સમયસર અમારા ક્લબ મેમ્બર વીરેનભાઈ જેઠવા લેવા આવી પહોંચશે.’ ખરેખર બપોરના ૪ઃ૦૦ ના ટકોરે વીરેનભાઈ આવી પહોંચ્યા. મુંબઈની દોડધામ વચ્ચે આટલી કાળજી રાખવી સહેલી નથી તેમ છતાં, સમયસર મુંબઈના ભારે ટ્રાફિક વચ્ચે તેઓ પોતાની ગાડીમાં અમને કાર્યક્રમના સ્થળે લઈ જઈ

આભાર – નિહારીકા રવિયા  રહ્યા હતા. વચ્ચે પણ વીરેનભાઈના મોબાઇલ પર પ્રવીણભાઈનો ફોન આવે છેઃ ‘હૉટેલમાં નીચેના ફ્‌લોર પર લાભુભાઈને ચા-પાણી, નાસ્તો કરાવ્યા પછી જ કાર્યક્રમ હૉલમાં લાવશો. અમે લોકો કાર્યક્રમની તૈયારી કરીશું. તમારે માત્ર લાભુભાઈ અને તેના પરિવારની સંભાળ રાખવાની છે.’ પ્રવીણભાઈની સૂચના મુજબ વીરેનભાઈએ અમારી બધી સગવડતાઓ સાચવી. કાર્યક્રમનો સમય થતા તેઓ અમને કાર્યક્રમના હૉલમાં લઈ જઈ રહ્યા હતા. હૉલના દરવાજે પહોંચતા જ હોલમાં બિરાજમાન ખેલાડીઓ, આમંત્રિત મહાનુભાવોએ તાળીઓના ગડગડાટ સાથે અમારું સ્વાગત કર્યું. મંચ સુંદર સજાવેલ હતો. આકર્ષક અંગ્રેજી ભાષામાં કાર્યક્રમની ઉદ્દઘોષણા ૨૦૧૧ના વર્લ્ડકપમાં મેનેજર તરીકે ઇન્ડિયન ક્રિકેટટીમમાં જેમણે ભૂમિકા ભજવી હતી એવા અજય શેઠ કરી રહ્યા હતા. ઉદ્દઘોષકની ભાષા અને ઉદબોધન જોતા મંચ ઉપર ઘણા મહાનુભાવો બિરાજમાન થવાના હશે તેવું મને લાગતું હતું, પરંતુ જ્યારે અજયભાઈ શેઠે મંચ પર બિરાજમાન મહાનુભાવોની યાદી જાહેર કરી ત્યારે મારા અચરજનો કોઇ પાર રહ્યો નહીં. કારણ કે મારી જિંદગીમાં પ્રથમવાર આવું જોયું હતું ! ઉદ્દઘોષકે અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉદ્દઘોષણા કરતા કહ્યું કેઃ ’આજના આપણા ચીફ ગેસ્ટ કે જેમણે આંખોના અંધારાને બાજુ પર મૂકી અનેક વ્યક્તિઓના જીવનમાં સોનેરી સવારના અજવાળાની ચમકતી ઉષાના કિરણો પાથર્યા છે તેવા – શ્રી લાભુભાઈ સોનાણીને મંચ પર લઈ આવવા ક્લબના મુખ્ય કર્તાહર્તા પ્રવીણભાઈ ગોગરીને હું રિક્વેસ્ટ કરીશ.’ બાદમાં તેમણે ઉમેર્યુંઃ ‘ક્લબના મહાનુભાવોને મારી નમ્ર અપીલ છે કે લાભુભાઈના સેવાયજ્ઞમાં જેમણે દીવેલ પૂરવાનું કામ કર્યું છે તેવા લાભુભાઈના જીવનસાથી નીલાબેન અને દીકરી નિષ્ઠાને પણ મંચ પર દોરી લાવવામાં આવે.’ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા. ખ્યાતનામ પત્રકારો, સામાજિક કાર્યકરો અને ક્લબના પદાધિકારીઓ આ બધા જ અમારી સામે બેઠેલા હતા. ક્લબના મુખ્ય સૂત્રધાર એવા પ્રવીણભાઈ ગોગરીએ મારું ખાસ સ્મૃતિચિહ્નથી સ્વાગત કરી પરિવારના સભ્યોનું પણ વિશિષ્ટ મોમેન્ટોથી સન્માન કર્યું હતું અને તેમણે ઉદ્દઘોષક એવા અજયભાઈ શેઠ મારફતે સંદેશ પાઠવ્યો હતો કે આજે મંચ પર માત્ર જીવન સાથે જેમણે સંઘર્ષ કર્યો છે તેવા વક્તાને આપણે માણીશું અને તેમના વરદ હસ્તે ટુર્નામેન્ટમાં ઉજ્જવળ દેખાવ કરનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.’ લગભગ અઢી-ત્રણ કલાક ચાલેલ આ કાર્યક્રમમાં વર્ષો પછી જનકરાજાની સભામાં  અષ્ટાવક્રને પ્રવચન માટે જે સન્માન આપવામાં આવ્યું હતું તેવું જ સન્માન આજે દહીંસર સ્પોટ્‌ર્સ ક્રિકેટ ક્લબ દ્વારા અમારું થઈ રહ્યું હતું. તે પ્રસંગ અમોને હંમેશના માટે યાદ રહેશે. કારણકે, કરુણા અને સંવેદના જનને મહાજન બનાવે છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ