બરવાળા તાલુકાના રોજીદ ગામે સ્વામિનારાયણ મંદિરના સાધુ દ્વારા ૧૬ વર્ષીય સગીરાને મંદિર તેમજ ઘર કામ કરવા બોલાવી બળાત્કાર ગુજાર્યા અંગેની પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે સાધુની અટકાયત કરવામાં આવી હતી.
બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામે ઘરમાં બનાવેલ સ્વામિનારાયણ આશ્રમનાં સાધુ ઋષીપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજી સંત દ્વારા ત્રણ માસ પૂર્વે પંથકની એક સગીરાને આશ્રમ તેમજ ઘરે કચરા-પોતા તેમજ ઘરકામ કરવા બોલાવી સતત ચાર દિવસ સગીરાની મરજી વિરુધ્ધ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો અને તે અંગેની જાણ ઘરના પરિવારજનોને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ગભરાઈ ગયેલી સગીરાએ સાધુએ દુષ્કર્મ કર્યા અંગેની જાણ પરિવારજનોને કરેલ ન હતી.પરંતુ સગીરાને બજારમાં નીકળતી જોતા સગીરાની આગળ-પાછળ ફરતો અને કચરા-પોતા કરવા કેમ નથી આવતી એવું કહી પીછો કરતા હોવા અંગેની પીડિત સગીરાએ ફરિયાદ નોંધાવી હતી આ બનાવ અંગે બરવાળા પોલીસે આરોપી સાધુ ઋષિપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજી વિરુધ્ધ આઈ.પી.સી.કલમ ૩૭૬,૩૫૪(ડી), ૫૦૬(૨) તથા પોક્સો એક્ટ ૪,૮,૧૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ફરાર આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કરી દીધા હતા.ત્યારે બરવાળા પો.સ.ઈ.આર.કે.પ્રજાપતિ સહીતનો સ્ટાફ વોચમાં હતો તે અરસામાં આરોપી સાધુ ઋષિપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજીની આજરોજ સવારના ૧૧-૩૦ કલાકે રોજીદ ગામે સ્વામિનારાયણ આશ્રમ ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. જે બનાવ અંગેની તપાસ એચ.આર.ગૌસ્વામી(સી.પી.આઈ.)બોટાદ પો.સ્ટે.ચલાવી રહ્યા છે.તેમજ રાજદીપસિંહ નકુમ નાયબ પોલીસ અધિક્ષક બોટાદ દ્વારા આરોપી સાધુની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
સાધુની ભૂતકાળની કર્મ કુંડળી
બરવાળા તાલુકાના રોજીદ ગામે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ ઋષિપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજી આશ્રમ બનાવીને રહેતા હતા અગાઉ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દિક્ષા લઇ સાધુનો ભેખ ધારણ કર્યો હતો પરંતુ ભૂતકાળમાં સાધુની સાધુતાને લાંછન લગાડતા કિસ્સા તેમજ સાધુનો અશ્લીલ વીડીઓ વાયરલ થતા સંપ્રદાયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી ત્યારથી સાધુ રોજીદ મુકામે પોતાના ઘરે આશ્રમ બનાવી રહેતા અને મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની સેવા પૂજા કરતા હતા.