આંતરરાષ્ટ્રીય ટીમનું સંચાલન કરવાની ગ્રેગ ચૅપલને ગતાગમ જ નહોતીઃ લક્ષ્મણ

799

ભૂતપૂર્વ ભારતીય બૅટ્‌સમૅન વીવીએસ લક્ષ્મણે તાજેતરમાં લૉન્ચ થયેલી ‘૨૮૧ ઍન્ડ બિયૉન્ડ’ ટાઇટલ હેઠળની આત્મકથામાં એવો દાવો કર્યો છે કે ગ્રેગ ચૅપલ ભારતના કોચ તરીકે ‘કઠોર અને અક્કડ વલણવાળા’ હતા અને આંતરરાષ્ટ્રીય ટીમને કેવી રીતે સંભાળવી એનું તેમને કશું ભાન જ નહોતું.

લક્ષ્મણે એવો પણ ઘટસ્ફોટ કર્યો છે કે ‘ચૅપલના કોચિંગ હેઠળ ટીમ ઇન્ડિયામાં બેથી ત્રણ જૂથ પડી ગયા હતા અને આપસમાં વિશ્ર્‌વાસના અભાવનો ગંભીર મુદ્દો ઉભો થયો હતો. કોચની કેટલીક ખાસ વ્યક્તિઓ હતી જેમની બહુ સારી દેખભાળ થતી હતી, જ્યારે અન્યોને તેમના હાલ પર છોડી દેવામાં આવતા હતા. અમારા બધાની આંખો સામે ટીમમાં ભાગલા પડી ગયા હતા. ગ્રેગની કોચ તરીકેનો આખો સમયગાળો કટુતાભર્યો રહ્યો હતો. તેઓ વારંવાર ભૂલી જતા હતા કે કોચ નહીં, પણ પ્લેયરો મેદાન પર રમવા જતા હોય છે અને તેઓ જ સ્ટાર હોય છે.’ લક્ષ્મણની આ આત્મકથાના સહ-લેખક આર. કૌશિક છે. ચૅપલ મે, ૨૦૦૫થી એપ્રિલ, ૨૦૦૭ સુધી ભારતીય ટીમના વિવાદાસ્પદ કોચપદે હતા. લક્ષ્મણે વધુમાં લખ્યું છે, ‘ગ્રેગ ચૅપલ તોછડા અને આખાબોલા તેમ જ અન્યોની લાગણીને બહુ જલદી દુભવી નાખનારા હતા. તેમનામાં મૅન-મૅનેજમેન્ટની આવડત જેવું કંઈ હતું જ નહીં. તેઓ ટીમમાં અસંતોષ અને નારાજીની લાગણીના બીજ બહુ જલદીથી વાવી દેતા હતા.

Previous articleઓપનિંગ જોડી ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કરે તે જરૂરી : સચિન તેંદુલકર
Next articleપ્રથમ ટેસ્ટમાં ભુવનેશ્વર કુમારને સ્થાન ન મળવું જોઈએ : ઝહીર ખાન