મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી સાથે ભાવ. શહેર કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું

1001

તમામ મોરચે નિષ્ફળતાઓનો ઈતિહાસ ધરાવતી રાજ્યની ભાજપ સરકારે ગુજરાતના યુવાનોની રોજગારીના મામલે અસહ્ય અને ગુન્હાહિત બેદરકારી દાખવી છે. રાજ્યની રૂપાણી સરકારની આવી ગંભીર બેદરકારી અને લાપરવાહીનો વરવો નમુનો રજી ડિસેમ્બર, ર૦૧૮ના રોજ લોકરક્ષકની ભરતી પરીક્ષામાં થયેલા છબરડાથી વધુ એક વખત બહાર આવ્યો છે. રાજ્યના આશાસ્પદ યુવાનો અનેક આશાઓ અને અરમાનો સાથે લોકરક્ષકની ભરતી પરીક્ષા આપવા રવિવારે પરીક્ષા કેન્દ્રો પર ગયા ત્યારે સરકારી તંત્રની ઘોર બેદરકારીને પરીણામે પેપર લીક થઈ જતા પરીક્ષા રદ્દ કરવામાં આવી. બેરોજગાર યુવાનો માટે દુર દુરના પરીક્ષા કેન્દ્રો સુધી જવાની હાલાકીમાં વધારો કરતી ઘટનારૂપે આ પરીક્ષા રદ્દ કરવામાં આવી ત્યારે હજારો યુવાનો અટવાઈ પડ્યા હતા અને તેમને ઘરે જવામાં પણ પારાવાર મુશ્કેલી પડી અને અરાજકતા સર્જાઈ ગઈ તેમને નોકરી મળવાના અરમાો તો આ અરાજકતામાં ધરબાઈ ગયા. આમ રાજ્યની ભાજપ સરકારે રાજ્યના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે અને ભાજપ સરકારની બેદરકારીને લીધે લાખો બેરોજગાર યુવાનો સાથે ક્રુર મજાક થઈ છે. એટલું જ નહીં લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હોવાની પરીક્ષાર્થીઓને સમયસર જાણ કરવામાં ન આવી અને લાખો યુવાનોને બેરોજગારીની કફોડી પરિસ્થિતિમાં નાહકનો ખર્ચ થયો અને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું. રાજ્યની ભાજપ સરકાર યુવાનોને રોજગારી પુરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા પછી પણ યુવાનોની હાલાકીમાં વધારો કરી રહી છે તે અત્યંત શરમજનક છે.

આ સંજોગોમાં, રાજ્યની ભાજપ સરકારમાં જો સહેજ પણ શરમ બચી હોય તો રાજ્યના મુખ્યમંત્રીએ તાત્કાલિક રાજીનામુ આપી દેવું જોઈએ અને યુવાનોની માફી માંગવી જોઈએ, એવી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે, તમામ મોરચે નિષ્ફળ નિવડેલી ભાજપ સરકારે નૈતિક જવાબદારી સ્વીકારી લેવી જોઈએ અને યુવાનો સહિત રાજ્યની પ્રજાની માફી માંગવી જોઈએ અને મુખ્યમંત્રીએ તાત્કાલિક રાજીનામુ આપી દેવું જોઈએ.

Previous articleઘરફોડ ચોરીમાં વોન્ટેડ આરોપી દીનો ઝડપાયો
Next articleકાળીયાબીડ, મોતીતળાવમાં ઓપરેશન ડીમોલીશન