સાળંગપુર સ્વચ્છ બનાવવા સફાઈ ઝુંબેશ

917

રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોની પવિત્રતા જળવાય અને તેઓ સ્વચ્છ – સુંદર – રળિયામણા બને તે માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં આવેલ લોકોની આસ્થાનું સ્થાનક એવું સાળંગપુર સ્વચ્છ – નિર્મળ બને તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંનિષ્ઠતા સાથે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

બોટાદ જિલ્લા મથકથી અંદાજે ૧૦ કિલોમીટર દૂર આવેલા સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર અને  બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર આવેલું છે.

લોકોની આસ્થાના સ્થાનક એવી આ જગ્યામાં દરરોજ હજારો યાત્રાળુંઓ દર્શનાર્થે આવે છે. જેને ધ્યાને લઈ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમારના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટરશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજેશ ચૌહાણ અને તેમના કર્મયોગી અધિકારી – કર્મચારીઓની ટીમ દ્વારા આ પવિત્ર યાત્રાધામની સફાઈનું અભિયાન આરંભાયું હતુ.

નવા વર્ષના પ્રારંભમાં એટલે કે, તા. ૨ જી જાન્યુઆરીથી સાળંગપુરમાં રોડ ઉપર રહેલા ગંદકી – ઉકરડાને દૂર કરવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી. આ માટે બે જેસીબી, પાંચ થી વધુ ટ્રેક્ટરનો ઉપયોગ કરી ગામમાં રોડની બન્ને તરફ રહેલા ઉકરડાને ગંદકીના ઢગલાઓને હટાવવાની કામગીરી શરૂ કરી બે દિવસમાં ૧૦૦ થી વધુ ઉકરડાઓ હટાવવામાં આવ્યા છે.

પવિત્ર યાત્રાધામને સ્વચ્છ બનાવવા જિલ્લા પ્રશાસને શરૂ કરેલ પહેલમાં ગામના તલાટી, સર્કલ ઈન્સ્પેકટર અને ગ્રામ સેવકની સક્રીય ભાગીદારીની સાથે ગામના લોકોનો પણ સહયોગ મળ્યો છે. જેના પરિણામે આવનારા સમયમાં આ ગામમાંથી ઉકરડા તથા ગંદકીના પ્રશ્નના કાયમી ઉકેલ માટે ડોર ટુ ડોર કચરાના કલેકશનને વધુ સઘન બનાવીને સાળંગપુર યાત્રાધામને વધુ સુંદર, નિર્મળ તથા સ્વચ્છતાની બાબતોમાં સર્વશ્રેષ્ડ બનાવવાની નેમ નાયબ કલેકટર રાજેશ ચૌહાણે વ્યક્ત કરી છે.

Previous articleસ્વામી નિર્દોષાનંદ હોસ્પિ.નાં નિવૃત થતા ડોકટરનું સન્માન
Next articleરસ્તામાંથી મળી આવેલ અસ્થિર મગજની મહિલાને ૧૮૧ની ટીમે ઘરે પહોચાડી