વેદના સૃષ્ટિ પર શાંતિનું સામ્રાજ્ય સ્થાપે છે

1321

સૃષ્ટિ પરના જીવો વચ્ચે સંવેદનાના સેતુથી સબંધો સ્થાપિત થાય છે. આ સંબંધો એક જીવને બીજા જીવ સાથે જોડે છે. પરિણામે પ્રત્યેક જીવ સૃષ્ટિ પર પોતાની જીવનયાત્રાને ઉત્સાહ અને આનંદપૂર્વક આગળને આગળ ધપાવી શકે છે. જો કે જીવ પોતાની સંવાદ શક્તિ દ્વારા સંવેદના રૂપી ઊર્જાથી શિવત્વને પણ પામી શકે છે. તેની યાત્રાનો પ્રારંભ માતાના ગર્ભમાં રચાતા પિંડના બીજથી થાય છે. ગર્ભમાં ભૃણનો નિયત સમયમાં વિકાસ થવા પાછળ સંવેદનાની શક્તિ કારણરૂપ બને છે. ભૃણ દિન-પ્રતિદિન સંવેદનાની ઊર્જા વડે પોતાની વિકાસયાત્રા આગળને આગળ ધપાવવા માટે જરૂરી પોષણ અને શક્તિ માતાના ગર્ભમાં માતાની સંવેદનાના કારણે મેળવી શકે છે. એટલે કે, માતા જે ખોરાક લે છે તેમાંથી કેટલીક શક્તિ ગર્ભમાં ઉછેરાતાં ભૃણનાં વિકાસ માટે સંવેદનાના સેતુ વડે પહોંચતી રહે છે. જેના કારણે ઉત્તરોત્તર ગર્ભમાં ઉછરી રહેલા ભૃણ અર્થાત્‌ બાળકનો વિકાસ થવા લાગે છે.
માતા જે અનુભૂતિ કરે છે, તે પ્રત્યેક ભાવ બાળક અનુભવવા લાગે છે. માતા જ્યારે પણ પુલકીત હોય છે, ત્યારે બાળક પણ તેની અનુભૂતિ કરે છે અને તે તંદુરસ્ત રીતે વિકાસ પામવા લાગે છે. પરંતુ માતા વ્યગ્રતા, દુઃખ કે ભય જેવી સ્થિતિમાં મુકાય છે ત્યારે ગર્ભમાં વિકાસ પામતા બાળક પર તેની ગંભીર અસર થાય છે. કેટલીક વાર ગર્ભમાં જ ભૃણ અર્થાત બાળક મૃત્યુ પામે છે. આ બધાની પાછળ સંવેદના કારણરૂપ બને છે. માતા જેવી અનુભૂતિ કરે તેવી જ અનુભૂતિ તેના બાળકને થાય છે. તેથી હકારાત્મક ઊર્જા ધરાવતી પ્રત્યેક ગર્ભ ધારણ કરનાર માતા તંદુરસ્ત બાળકને જન્મ આપતી હોય છે. સંવેદના માટે કહેવું હોય તો કહી શકાય કે : જન્મ ધારણ કરનાર બાળક માતાની કૂખે જેવો જન્મ લે છે તેવું જ માતા તેના બાળકને સ્તનપાન કરાવી શકે તેવું દૂધ બાળક અને માતાનાં સંવેદનારૂપ સ્થપાયેલ વ્યવહારને કારણે આપી શકે છે. કારણ કે માતા આવા સમયે વિચારતી હોય છે કે, મારા ભૂખ્યા બાળકને હું સ્તનપાન કરાવી તૃપ્ત કરુ. બાળકની ભૂખ એ માતાની ચિંતાનું કારણ હોય છે અને ખરું પૂછો તો એ જ સાચી સંવેદના છે. માતા પોતે જાણે બાળકની ભૂખની અનુભૂતિ કરવા લાગે છે અને તેના કારણે જ તે સ્તનમાં દૂધ ધારણ કરી શકે છે. ટૂંકમાં અન્યની અનુભૂતિ જ્યારે આપણે પોતે અનુભવવા લાગીએ ત્યારે સંવેદનાનો સેતુ બંધાય છે. તે સેતુ વડે જીવ સંસારરૂપી સૃષ્ટિમાં સંસાર સાગર પર પોતાની યાત્રા આગળ ધપાવી શકે છે.
સૃષ્ટિના સર્જકે જીવ સૃષ્ટિ પોતાની આગવી શૈલીથી પ્રસ્થાપિત કરી. સૂક્ષ્મ જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. સમગ્ર જીવસૃષ્ટિમાં જીવાણું કે બેક્ટેરિયાથી લઇ ડાયનોસોર સુધીના પ્રાણીઓનો સમાવેશ કરી શકાય. જ્યારે વનસ્પતિસૃષ્ટિમાં છોડ, વેલા, વૃક્ષ, પ્રકાંડ, વગેરે સમાવી શકાય. આ બંને સર્જનમાં સંવેદનાનું સામ્રાજ્ય જોવા મળે છે. જોકે એકમેકના વિકાસ માટે કોઈવાર એકબીજાનો ભોગ લેવાનું પણ બનતું હોય છે. જેમ કે મોટા જીવો નાના જીવોનું ભક્ષણ કરે છે. તો વનસ્પતિ વિઘટિત પદાર્થોના કોહવાણથી મળેલા પદાર્થોનો ઉપયોગ કરી પોતાનો વિકાસ સાધે છે. પરંતુ આ બધામાં સંવેદના એક સરિતાની જેમ અવિરત પ્રવાહ વહેતો રાખી સૃષ્ટિના ચક્રને ગતિમાન રાખવા અને તેને ફળદ્રુપ બનાવવા અવિરત ગતિ જાળવી રાખે છે.
આપણે સંકલ્પ કરીએ કે જીવનના કલ્યાણ માર્ગ પર ચાલતા રહી સત્યની શોધનો અને આંતરિક સાધનાનો આધ્યાત્મિક માર્ગ પ્રસ્થાપિત કરી આત્માની જાગૃતિમાં કાર્યરત રહીએ, જ્ઞાન પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરીએ, પરંતુ તે મેળવવા અન્યને બાધક ન બનીએ, આધ્યાત્મિક માર્ગ પર ચાલતા રહેવા સંવેદનાની સરિતાનાં વહેતા નીરને ક્યાંય અવરોધીએ નહીં. કારણ કે, પૂર્વે વખતસિંહ નામના રાજવીએ સૃષ્ટિ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે સૈન્યબળના જોરે અનેક રાજ્યોને પાયમાલ કર્યા. પરિણામે પ્રજા દુઃખી અને વ્યથિત થઇ ગઈ. જો કે રાજા વખતસિંહે દુનિયાભરની સંપત્તિનો કબજો મેળવ્યો પરંતુ તે શાંતિ પામી શક્યો નહીં. તે રાત્રે ઊંઘી પણ શક્તો નહીં. તેને સતત વિચારો આવતા રહેતા કે : મારા સામ્રાજ્યને કોઈ ઝૂટવી લેવા મારા પર દગો તો નહીં કરે ને? તે દિવસ-રાત બેચેન રહેતો. એક વાર ફરતા ફરતા તે જંગલમાં એક વિશાળ વૃક્ષ નીચે બેસી તાનપુરા પર માલકોશ રાગમાં સુંદર પદ છેડતા એક ઋષિને સાંભળતાં અને જોતાં જ રાજા વખતસિંહ અચરજ પામી તેના ચરણોમાં પડ્‌યો. તેને એકાએક એવો તો શાંતિનો અનુભવ થવા લાગ્યો કે જાણે પોતાની બધી જ વ્યગ્રતા વિસરાઈ ગઈ હોય અને તેને કોઈ ચિંતા કે ભયનું કારણ જ ન હોય તેમ તે અનુભવવા લાગ્યો. તેના સુખનો કોઈ પાર ન રહ્યો. તેને થયું કે જરૂર આ ઋષિ પરાક્રમી પુરુષ છે. તે ઋષિના સાનિધ્યમાં સામ્રાજ્યની ચિંતા બાજુ પર મૂકી માલકોશ રાગમાં છેડાઈ રહેલા પદને સાંભળવા લાગ્યો : “મોહે લાગી લગન ગુરુ ચરનનકી, અબ ફિકર નહીં મુજે તરનનકી, મોહે લાગી લગન” વખતસિંહ માટે આ શબ્દ જીવનનો માર્ગ બદલી નાખે તેવા પ્રેરણા આપનારા હતા. જે સંપત્તિનાં ભંડારે વખતસિંહને શાંતિ ન આપી તે શબ્દના સમ્રાટે અનોખી અનુભૂતિ આપી જાણે નવું જીવન બક્ષ્યુ હોય તેમ વખતસિંહના આનંદનો કોઈ પાર ન રહ્યો. તેને ગીતાનો સંવાદ સંભળાવા લાગ્યો : ‘દેવતાઓમાં હું ઈશ્વર છું, ઇન્દ્રીયોમે હું મન છું, હું જ ચૈતન્ય શક્તિ છું, વેદોમાં હું સામવેદ છું, સંગીતની સુરાવલીમાં હું રાગ છું. આમ, સર્વત્ર ભગવાન શ્રી કૃષ્ણની અનુભૂતિ તેને થવા લાગી કારણ કે સંવેદનાની સરિતાના નીરથી તે પવિત્ર બની સંતનાં સાનિધ્યમાં સંગીતના ગુંજનથી ગૂંથાયો હતો. જ્યારે વ્યક્તિ સંગીતની ખરી મધુરતાને માણવા લાગે છે ત્યારે પક્ષીઓના કલરવમાં પણ તેને સંગીત સંભળાય છે. ભમરાના ગુંજનમાં તેને માલકોશ રાગની સુરાવલી સંભળાવા લાગે છે. ટૂંકમાં સંવેદના રૂપી ઊર્જાશક્તિ જ્યારે હૃદયસ્થ બને છે ત્યારે જ વ્યક્તિ સાચી માનવતાને પામે છે. આધ્યાત્મિક માર્ગમાં જેમણે યાત્રા કરવી છે, કલ્યાણના માર્ગ પર આગળ વધવું છે, જીવનને નવપલ્લવિત કરવું છે, હંમેશા પ્રફુલ્લિત રહેવું છે. તેમણે અન્યની પીડાને પોતીકી સમજી નરસિંહ મહેતાના પદને જીવનમાં ઉતારી વૈષ્ણવજન બનવું રહ્યું.
આપણે કદી સાંભળ્યું નથી કે કોઈ માતાએ તેના પેટમાં ઊછરી રહેલા ગર્ભના કારણે તેને કોઈ પીડા થતી હોય, તેવી ફરિયાદ કરી હોય. જે પેટ એક નાનકડી કાંકરી પણ સંઘરી શકતુ નથી તે બે, સવાબે કે અઢી કિલો સુધીના ગર્ભને નવ-નવ માસ સુધી સંઘરી શકે છે, તેનું વજન સહન કરી શકે છે. તેનું કારણ માતાની બાળક પ્રત્યેની સંવેદના છે. બાળક પ્રત્યેની તેમની લાગણી અને મમતાના કારણે આ શક્ય બને છે. જો કે આ જ બાળક મોટું થતાં માતાનો તિરસ્કાર કરવા લાગે છે. ઘણા બધા સંતાનો હોવા છતાં એક માતાને સંઘરી શકાતી નથી. જ્યારે એક માતા અનેક બાળકોની સુશ્રુષા કરતા કદી થાકતી નથી. માતાના વાત્સલ્ય ભર્યા વ્યવહારની અવગણના સંતાનોની સંવેદનહીનતા સૂચવે છે.
અંતરિક્ષમાં વિહાર કરતા જીવાત્માને સંવેદનાની ઊર્જા વડે ગર્ભમાં પિંડ બીજ રચાતા સ્થાન મળે છે. એટલે કે, ગર્ભમાં બાળકની શરીર રચનાનો પ્રારંભ થાય છે. પ્રારંભથી જ માતાની હકારાત્મક ઉર્જા તેના વિકાસ માટે શક્તિ આપે છે. પોષણ પૂરું પાડે છે. માતાના મગજમાં તેના પ્રત્યેના અહોભાવ ઉત્પન્ન થવા લાગે છે. લાગણીનાં ભાવ જાગવાના કારણે થતી હકારાત્મક રાસાયણિક પ્રક્રિયા શરીરમાં અંગ-ઉપાંગ, મનોવલણ, બુદ્ધિ વગેરેનું નિર્માણ થવા લાગે છે. બાળકના જન્મ બાદ પણ આ પ્રક્રિયા માતાના મગજમાં સતત શરૂ રહે છે. પરિણામે જન્મ બાદ બાળક માટે તે પોતાના સ્તનમાં પોષક દૂધ ધારણ કરી શકે છે. માતાનું સ્પર્શ પણ બાળકને આહલાદક આનંદ આપે છે. તેનું કારણ પણ માતાની બાળક પ્રત્યેની સંવેદના છે. દૂધ પીતાં બાળકને ઠસકુ આવે તો પણ માતા ચિંતા અનુભવવા લાગે છે. વારંવાર જો બાળકને આવી તકલીફ થાય તો માતા નારાજ થઈ તેના ઉપાય કરવા લાગી જાય છે. જાત-જાતની ઔષધિઓ, ઓસડિયાં દોડધામ કરી એકત્રિત કરવા કામે લાગી જાય છે. કારણ કે તે બાળકને દુઃખી જોઈ શક્તી નથી. બાળકની વેદના તે પોતે અનુભવવા લાગે છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે બાળક માટે માતાએ ભાવતા ભોજનનો ત્યાગ કરી બાળકની સુખાકારીને લક્ષ્યમાં રાખી, નહીં ભાવતા પદાર્થોને નિયમિત ખોરાકમાં સમાવી મહિનાઓ સુધી દુઃખ સહન કરી લઈ જે બાળકનું જતન કર્યું હતું, તે જ બાળક યુવાન થતાં માતાને ડગલેને પગલે તરછોડવા લાગે છે. તેનું કારણ યુવાન સંતાનના મગજમાં ઉત્પન્ન થતા નકારાત્મક રસાયણો છે. આ રસાયણો આજુબાજુના વાતાવરણ, સોબત, સંગત અને આહાર હોઈ શકે છે. બીજી રીતે જોઈએ તો આજનો સમાજ વિભક્ત કુટુંબમાં વહેંચાય રહ્યો છે. તેથી દરેકને માતા પિતાથી અલગ થવું છે આવી મંશાના કારણે પણ સંતાનો માતાપિતાને તરછોડતાં હોય છે. તેનાથી દૂર થઈ સ્વતંત્રતા મેળવવા નકારાત્મક વલણ દાખવતા હોય છે. તેથી નાની નાની વાતોમાં કુટુંબમાં ઝઘડાનો માહોલ ઊભો થાય છે. આખરે માતા-પિતાનો ત્યાગ કરી સંતાનો છૂટા પડે છે. ટેલિવિઝન, સિનેમા, મોબાઈલ, ઇન્ટરનેટ જેવા માધ્યમોમાં તે ખોવાય, “અશાંતિ અને અજંપાનો ભોગ બને છે. — કારણ તેને ખબર નથી “સંવેદના સૃષ્ટિ પર શાંતિનું સામ્રાજ્ય સ્થાપે છે.”

Previous articleદિલ્હી-NCRમાં વરસાદ જ્યારે હિમાચલ, કાશ્મીરમાં હિમવર્ષા
Next articleઆજથી પ્રારંભ થતા પૌષ માસનાં કૃષ્ણ પક્ષનાં પખવાડિયાનું સંક્ષિપ્ત પંચાગ વિવરણ