પરબ્રહ્મની વાણી : વચનામૃત

964

જગદ્ગુરુ કહેવાતા ભારતવર્ષનો ૨૦૦ વર્ષ પૂર્વેનો સમય(૧૭મી તથા ૧૮મી સદી) ભયાનક અંધાધૂંધીનો સમય હતો. મોગલ સત્તા અને પેશ્વા રાજ્યના અંતની સાથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સત્તાનાં સૂત્રો હાથમાં લેવા માંડ્યાં હતાં. વહીવટી અવ્યવસ્થાને કારણે ગુંડાતત્ત્વોને છૂટો દોર મળ્યો હતો. પ્રજાના આચારો શિથિલ અને વિચારો વહેમી બન્યા હતા. ધાર્મિકતાના નામે સર્વત્ર આડંબર ચાલતો હતો. એ યુગ રાજકીય, સામાજિક અને ધાર્મિક અંધકારનો હતો.

આવા સમયે ઉત્તર ભારતમાં અયોધ્યા નજીક નાનકડા છપૈયા ગામમાં એક સૂર્યનો ઉદય થયો. સને ૧૭૮૧, ૩ ઍપ્રિલ, સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ નોમના દિવસે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય ભક્તિમાતા અને ધર્મદેવના પુત્રરૂપે થયું.

આ સર્વાવતારી પુરુષોત્તમનું અવતરણ ભારતભૂમિ પર પ્રસરેલી અવિદ્યાના અંધકારને દૂર કરવા માટે હતું. એમની અસાધારણ વિદ્વત્પ્રતિભા અને ઐશ્વર્યથી એમના પારલૌકિક વ્યક્તિત્વનો પરિચય સૌને થવા માંડ્યો હતો. ૧૧ વર્ષની સુકુમાર વયે સંસારનો ત્યાગ કરી સાત વર્ષ સુધી સંપૂર્ણ ભારતમાં પદયાત્રા કરી અને ગુજરાતને તેઓએ પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું. ૨૧ વર્ષની વયે તેઓએ આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી. જીવનનાં શાશ્વત મૂલ્યોને વ્યક્તિ-વ્યક્તિમાં સિંચવા તેમણે પ્રચંડ પુરુષાર્થ કર્યો. એમના પાંચસો પરમહંસોએ એ માટે જીવન ન્યોછાવર કર્યું.

એમના સંમોહક વ્યક્તિત્વે બધા ક્ષેત્રોની શ્રેષ્ઠ વ્યક્તિઓને આકર્ષી, લોકોએ પરબ્રહ્મના રૂપમાં એમની ઉપાસના કરી. કાલાંતરે વિશાળ સંસ્કારી ગુણિયલ ભક્તસમાજ તેઓને આશ્રિત થયો. પોતાના સમર્પિત અનુયાયીઓ દ્વારા એમણે સમાજમાં અપ્રતિમ શાંતક્રાંતિ કરી. સંસ્કૃતિનાં સનાતન મૂલ્યોને તેમણે જીવિત કર્યા. રાજનૈતિક, સામાજિક અને આધ્યાત્મિકદૃષ્ટિએ ભ્રષ્ટ અને કંગાળ બનેલા સમાજનો એમણે ઉદ્ધાર કર્યો.

સ્વામિનારાચણ ભગવાનના આવા યોગદાનથી તથા આધ્યાત્મિક મૂલ્યોના સિંચનથી, પ્રેમ અને અહિંસા દ્વારા સમાજ કુરીતિઓ, વ્યસનો, અંધશ્રદ્ધા તથા વહેમોથી મુક્ત થયો. આ એક વાસ્તવિક ઐતિહાસિક ઘટના હતી. જાતિ, સંપ્રદાય, રંગ અને દેશનો ભેદભાવ ભૂંસી એમણે બધાને સ્વીકાર્યા અને અંતિમ મોક્ષની પદવી આપી.

છ ભવ્ય શિખરબદ્ધ મંદિર, ઉચ્ચ સાધુતાયુક્ત હજારો સંતો અને શુદ્ધ-નિર્મળ સ્વામિનારાયણ સંપ્રદાયની તેઓએ સ્થાપના કરી, ૪૯ વર્ષની વયમાં તેમણે સ્થૂળ દેહનો ત્યાગ કર્યો. આ સાથે જ પોતાના અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીત ગુરુઓની પરંપરા દ્વારા પૃથ્વી પર હંમેશા રહેવાનું અભય વચન પણ આપ્યું.

માત્ર ૩૦ વર્ષના પોતાના કાર્યકાળ દરમ્યાન સમાજ સુધારણાની સાથે આત્મકલ્યાણ માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત ભાગવતધર્મની સ્થાપના કરી. આ દિવ્ય અવતારી પુરુષનું જીવન અને કવન આ પૃથ્વી પર રહેનારા મનુષ્યો માટે અમૂલ્ય હતું. તે માટે ભગવાન સ્વામિનારાયણની દિવ્ય પરાવાણી તેમના મહાન પરમહંસોએ સંગૃહીત કરીને તેમજ દસ્તાવેજી વિગતો સાથે સંપાદિત કરીને ‘વચનામૃત’ની રચના કરી.

સરળ ને ચિત્રાત્મક શૈલી, દિવ્ય અને અસાધારણ નિરૂપણ સામર્થ્ય, શાસ્ત્રોના ગહન સંદેશનું સરળ અને વ્યવહારુ નિરૂપણ વગેરે અનેક વિવિધતાઓથી સભર ગ્રંથ એટલે વચનામૃત. આધ્યાત્મિક સાધનાના રાજમાર્ગ સમા આ ગ્રંથમાં શુદ્ધ સિદ્ધાંતોને એટલી સાદી ને સરળ શૈલીમાં રજૂ કરવામાં આવ્યો છે કે અભણને અઘરું ન લાગે અને વિદ્વાનને સહેલું ન લાગે.

ગુજરાતી ભાષાની ગદ્યશૈલીમાં લખાયેલા સૌપ્રથમ ગ્રંથ વચનામૃતના ઉદ્બોધક ભગવાન સ્વામિનારાયણ છે. તેમણે ગુજરાતનાં જુદાં જુદાં શહેરો અને ગામડાંઓમાં પોતાના આશ્રિત સંતો અને ભક્તોને જે ઉપદેશ આપેલો, તેમાંથી અમુક ઉપદેશોનું સંકલન આ ગ્રંથમાં છે. તેઓએ અંતિમ ૧૦ દસ વર્ષ(આષાઢી સંવત ૧૮૭૬ થી આષાઢી સંવત ૧૮૮૬ અર્થાત્‌ ઈ.સ.૧૮૧૯ થી૧૮૩૦)દરમ્યાન આપેલા ઉપદેશોનું સંપાદન આ ગ્રંથમાં કરાયેલું છે. દરેક વચનામૃતનું શીર્ષક તે ઉપદેશામૃતના મુખ્ય સારભૂત વિષયનો નિર્દેશ કરે છે.

વચનામૃત જીવનના મૂળભૂત રહસ્યોને પ્રગટ કરનાર, જીવનની અનેક સમસ્યાઓનું સમાધાન કરનાર, જીવનમાંથી માયાના ઘોર અંધકારને દૂર કરીને પ્રકાશ પાથરનાર અને સમગ્ર જીવનને ઉન્નત કરનાર એક અદ્વિતીય ગ્રંથ છે.

આ વર્ષે વચનામૃતને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોઈ તેનો દ્વિશતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના આ વચનરૂપી અમૃતનું પાન કરીને જીવનને ઉન્નત કરવા માટે આ લેખમાળા છે.(ક્રમશઃ)

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદામનગરમાં ખોડલધામ સમિતિની બેઠક યોજાઈ