બોરતળાવને ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ

902

રાજ્યભરનાં જળાશયોને ઊંડા કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાનની બીજી શૃંખલા અંતર્ગત ભાવનગરના પ્રાચીન બોરતળાવને ઊંડું ઉતારવાની કામગીરીનો આજે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે શ્રમદાન કરી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

આ અંગે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં અનેક વર્ષોથી તળાવોમાં સતત કાંપ ભરાવાના કારણે જળાશયોની સંગ્રહશક્તિ ઘટી ગઈ હતી અને ભૂતળ ઊંડા ઊતરી ગયા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુજલામ્‌ સુફલામ જળ યોજનાના માધ્યમથી જળાશયોનો કાંપ કાઢી તેમની સંગ્રહક્ષમતા વધારવાની કામગીરી હાથ ધરાઈ છે. આ રીતે જળાશયોમાંથી કાઢવામાં આવેલો કાંપ ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે ૬૦ ટકા રાજ્ય સરકાર દ્વારા અને ૪૦ ટકા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લોકભાગીદારી કરવામાં આવશે. ગત વર્ષના અભિયાનની સફળતાની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલાં ૧૩ હજાર કામોના ટાર્ગેટની સામે ૧૪ હજાર કામો હાથ ધરાયાં હતાં. ત્યારે આ વર્ષે ખેડૂતોને ખેડાણ પહેલાં કાંપનો લાભ મળી શકે અને તેમની જમીનની ફળદ્રુપતા વધે તે માટે યોજનાનો વહેલો પ્રારંભ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, સૌની યોજના મારફત નર્મદાનાં નીર સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમમાં ઠાલવવામાં આવશે. જેમાં ભાવનગરના બોરતળાવમાં નર્મદાનાં નીર ઠાલવવામાં આવશે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં કુલ રૂ. ૩૩,૦૦૯ લાખના ખર્ચે ૧૩,૮૩૪ કામો હાથ ધરવાનું આયોજન છે. જેનાથી આશરે ૧૪,૦૦૦ લાખ ઘન ફૂટ જથ્થાનો જળસંગ્રહ શક્તિમાં વધારો થશે.

Previous articleએસ.પી. જયદિપસિંહ રાઠોડે ભાવનગરમાં ચાર્જ સંભાળ્યો
Next articleએમ્બ્યુલન્સનાં એસીમાં બ્લાસ્ટ