ટ્રાફિક પોલીસ અને આરટીઓનો સપાટો ૬૦૦થી વધુના લાયસન્સ રદ

798
guj312018-9.jpg

અમદાવાદ શહેરમાં ભયજનક રીતે વાહન ચલાવવું, ટ્રાફિક પોલીસે ઇ-મેમો જારી કર્યો હોવાછતાં તેની ભરપાઇ નહી કરવા સહિતના ગુનામાં કસૂરવાર ઠરેલા ૬૦૦ જેટલા વાહનચાલકોના લાયસન્સ આરટીઓ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રદબાતલ કરી દેવાયા છે. ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના આવા ૮૯ હજાર જેટલા કસૂરવાર વાહનચાલકો વિરૂધ્ધ કાર્યવાહી માટે આરટીઓ તંત્રને દરખાસ્ત કરવામાં આવી હતી.
 જેના અનુસંધાનમાં આરટીઓ તંત્ર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરી એકસાથે ૬૦૦ વાહનચાલકોના લાયસન્સ રદ કરી દેવાયા છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્રના આ સપાટાને પગલે શહેરભરમાં વાહનચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-મેમો જારી કરાયો હોય અને છતાં દંડની રકમ ના ભરી હોય, માર્ગો પર ભયજનક રીતે વાહન ચલાવવુ, ટ્રાફિક સિગ્નલ તોડવા સહિતના વિવિધ મોટર વ્હીકલ એકટની જોગવાઇઓ અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ કસૂરવાર વાહનચાલકો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આ ઝુંબેશ અંતર્ગત શહેરના આવા એકથી વધુ નિયમભંગ કરનાર કસૂરવાર વાહનચાલકોની યાદી તૈયાર  કરી આરટીઓ તંત્રને આગળની કાર્યવાહી માટે મોકલી 
અપાઇ હતી. ટ્રાફિક ડીસીપી સુધીરકુમાર દેસાઇએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરના કસૂરવાર એવા ૮૯ હજાર જેટલા વાહનચાલકોની દરખાસ્ત ટ્રાફિક વિભાગ દ્વારા આરટીઓ તંત્રને કાયદાનુસાર કાર્યવાહી માટે મોકલી અપાઇ હતી, જેના અનુસંધાનમાં આરટીઓ તંત્ર દ્વારા પુખ્ત વિચારણા અને તપાસના અંતે ૬૦૦ જેટલા કસૂરવાર વાહનચાલકોના લાયસન્સ તાત્કાલિક અસરથી રદબાતલ કરી દેવાયા છે. તેમણે ઉમેર્યું હતું કે, ટ્રાફિક પોલીસ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે શકય તમામ અને હકારાત્મક પ્રયાસો કરી રહી છે ત્યારે નાગરિકોએ ખાસ કરીને વાહનચાલકોએ પણ ટ્રાફિકની સમસ્યાના નિવારણમાં મદદરૂપ બનવું જોઇએ અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ તો, સહિયારા પ્રયાસોથી આ સમસ્યા અસરકારક રીતે હલ થઇ શકે. જો કે, ટ્રાફિક વિભાગ અને આરટીઓ તંત્રના સપાટાને પગલે શહેરભરના વાહનચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. આગામી દિવસોમાં પણ ટ્રાફિક પોલીસ-આરટીઓ સત્તાવાળાઓ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીનો કોરડો ઝીંકાય તેવી શકયતા છે. 

Previous articleપુરષોત્તમ સોલંકીએ CM રૂપાણીને મળી ખાતાં ફાળવણી અંગે અન્યાયની કરી વાત
Next articleગુજરાત સ્ટેટ વાડોકાઈ કરાટે ચેમ્પિયન શીપમાં ગાંધીનગરની ટીમ ચેમ્પિયન