અસ્મિતાપર્વ : મોરારીબાપુનુ સાંસ્કૃતિક અનુષ્ઠાન

882

મોરારીબાપુ રામકથા ગાયનના શિરોમણી તરીકે જાણીતા છે જ. પરંતુ તેમના આંગણે છેલ્લા ૨૨ વર્ષથી યોજાતો રહેલો સંગીત-નૃત્ય, રંગમંચ અને સાહિત્યનો વૈચારિક ક્રાંતિ મેળો “અસ્મિતાપર્વ “થી તેઓ તેના સંરક્ષણ માટે અને તેની સ્વીકૃતિ માટે  દૈવીવાણીના રૂપમાં ઊભરી આવ્યા છે. બાપુના અનુષ્ઠાન માટે ભારતીય સાંસ્કૃતિક પરંપરા તેમની આજીવન ઋણી રહેશે તે કેહેવું અતિરેકપૂર્ણ નથી. કારણ કે બાપુએ એવા હજારો કલાકારો સાહિત્યકારો ને તળિયેથી ટોચ ઉપર પહોંચાડવા અહલ્યાસ્પર્શ પૂરો પાડ્યો છે. આપની આ મથામણને બેફામ ના શબ્દોમાં આ રીતે મૂકી શકાય.

“પરિશ્રમ નો પરસેવો સુકાવા નથી દેવો ,

દોડતા રહેવા દો નિરાતં નથી ગમતી મને”

દર વર્ષે હનુમાન જયંતિના ઉપલક્ષમાં યોજાતુ આ મહાપર્વ પાંચ દિવસનું હોય છે .ક્યારેક તેમાં સમય ,સંજોગો અનુસાર વિશેષતઃ ફેરફાર પણ જોવા મળે. સવંત ૨૦૭૫ ના ચાલુ વર્ષે આ મહાઉત્સવ ચૈત્ર સુદ દશમી ,૧૫મી એપ્રિલથી શરૂ થનાર છે . તેનું સમાપન ૧૯ એપ્રિલના રોજ થશે. દર વર્ષની પ્રણાલી અનુસાર ચાલુ વર્ષે પણ નટરાજ એવોર્ડ, હનુમંત એવોર્ડ તથા લલિત કલા અને અવિનાશ વ્યાસ એવોર્ડ પણ હનુમાન જયંતીના દિવસે ચિત્રકુટધામ ,તલગાજરડા ખાતે એનાયત થશે. હનુમાનજી મહારાજ માટે “બુદ્ધિ મતામ્‌ વરિષ્ઠ મ્‌” એવું કહેવાયું છે માટે તેઓ તમામ બૌધિક આયામોના દ્યોતક અને સંરક્ષક તરીકે સ્વીકારાયા છે. તેથી જ આ દિવસે આ તમામ કલાકારોને અલંકૃત કરવાનો ઉપક્રમ યોજાતો રહ્યો છે.

હનુમાનજી મહારાજ ની ભાવ વંદના નો૪૨ મણકો અને અસ્મિતાપર્વનુ આ  ૨૨ મુ પૂષ્પ છે. પંદરમી તારીખે એટલે કે પ્રથમ દિવસે આ પર્વના પ્રારંભે ભારતના ખ્યાતનામ પત્રકાર ,ઈન્ડિયા ટીવીના એડિટર રજત શર્મા સાથે ગુજરાતી પત્રકાર સૌરભ શાહ નો સંવાદ થશે .પત્રકારની પત્રકાર સાથેની વાર્તા ખૂબ રસપ્રદ હોય છે. સાંપ્રત સમયમાં માધ્યમોની ભૂમિકા અને તેના પ્રચાર, પ્રસારણના નિર્ણયો, નિયમો વગેરે બાબતો વિશેષ ઉજાગર થશે. તેથી આ બેઠક ધ્યાનાકર્ષક બની રહે તેવી સંભાવના છે. પ્રથમ બેઠકનો સમય સાંજના ચાર કલાક નિયત થયેલો છે.

દ્વિતીય દિવસ ની પ્રથમ બેઠક કવિકર્મ પ્રતિષ્ઠાની સંગોષ્ઠિની છે. જેમાં જવાહર બક્ષી ની કવિતા અને નીતિન વડગામાની કવિતા યાત્રા વિશે ની રજૂઆત ધ્વનિલ પારેખ, રાજેશ વ્યાસ કરશે .દ્વિતીય બેઠક કુળના મૂળની છે જેમાં લોકકૂળ,આદિવાસીકુળ તથા વિચરતી જાતિ કુળ,બધા કુળને કુલવંત કરવાની અભિવ્યક્તિ રમેશ મહેતા અને આશા ગોહિલ જેવા સર્જકોની રહેશે .જેમાં સંભવતઃ તે જાતિઓની પરંપરાઓ, રીતરિવાજો અને તેમાં આવેલા બદલાવો ની ચર્ચા મહત્વપૂર્ણ બની રહેવાનો વર્તારો છે. તૃતિય દિવસ એટલે કે ૧૭ એપ્રિલના અનુઆધુનિક સાહિત્ય સંગોષ્ઠી પ્રથમ બેઠકમાં રહેવાની છે .જેમાં કવિતા, ટૂંકી વાર્તા અને નાટક ના વિષયોના સંદર્ભમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અજયસિંહ ચૌહાણ, દર્શિની દાદાવાળા અને ભાવનગરના  ગુજરાતી ભવનના મહેન્દ્રસિંહ પરમાર  પોતાની વાતો ની રંગોળી ચિતરશે. આ બેઠકનું સંચાલન પ્રો. નીતિન વડગામા ને સોંપાયું છે. આજ દિવસની બીજી બેઠક ગુજરાતી- ભારતીય ચલચિત્ર ના નામે અંકાયેલી રહેશે .આમ તો ફિલ્મો વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. હા ,તેને માણીએ છીએ ,પરંતુ તેના ગર્ભમાં રહેલી ઘણી બધી વાતો આપણાથી અછૂત રહેતી હોય છે. જેને વૈવિધ્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવાનો આ પ્રયાસ ખૂબ નવીનતમ છે.  તેના વક્તાઓ તરીકે હર્ષ બ્રહ્મભટ્ટ ,સલીલ દલાલ, અમૃત ગંગર ને પસંદ કરાયા છે. જે મોટાભાગના સિનેમાના પરદામા ઉંડા ઉતરી ગયેલા ચહેરાઓ છે. વિવિધ દૈનિકોમાં પોતાની સિનેમા કોલમોથી ખ્યાત છે. ભરત યાજ્ઞિક છે તો રેડિયો એન્કર ,પરંતુ સિનેમા ના અભ્યાસુ તરીકે અહીં તેની ઓળખ થઈ .તેમની પાસે આ બેઠકનું સંયોજન રહેશે. જેમાં સિનેમાનું કાવ્ય સંગીત તથા દિગ્દર્શન ની વાત મુખ્ય રહેશે. ૧૮મી એપ્રિલ ની પ્રથમ બેઠક ભારત ના વીર જવાનો ના શરણે કરવામાં આવી છે તેમાં ભૂમિ ,વાયુ અને નૌકાદળના તમામ  મોરચાની કિલ્લેબંધી અને કયામત ની વાત પ્રસ્તુત થશે .ભારતની સૈન્ય, સરક્ષણ ની વાતો અત્યંત ગોપનીય હોય છે ત્યારે આ બેઠકના વક્તાઓ મેજર રણદીપ સિંઘ, એરમાશૅલ એચ.પી .સિંગ અને કમાન્ડર બક્ષી કેવી રજૂઆત કરે છે ?એવા ખૂબ દિલચસ્પ છે .સૌ જાણે છે કેટલીક વાતો જે  સૈન્યના ઓચિત્ય અને શિસ્તના દાયરામાં રહીને કરવાની હોય છે ત્યારે આ બેઠકમાં તેમની રજૂઆત અત્યંત મહત્વપૂર્ણ બની રહેવાની !!અહીં નવાઈ પમાડે તેવી વાત એ છે કે આર. જે. દેવકી ને આ બેઠકનું સંચાલન સુપ્રત થયું છે  જોકે બહુ ઓછા લોકો જાણતા હશે કે દેવકી સંરક્ષણની બાબતમાં પણ સાવૅભોમ અને સારુ  મહત્વ જ્ઞાન ધરાવે છે.તે તેની બહુમૂખી પ્રતિભાનો પરિચય છે. આજ દિવસની સાંજની બેઠક કાવ્યના નામે આલેખાયેલી છે .જેમાં લબ્ધપ્રતિષ્ઠિત ગુજરાતી કવિયત્રી શ્રી ઓને કાવ્યપાઠ નો મંચ આપવામાં આવ્યો. ગોપાલી બુચ,પારુલ બારોટ અને રક્ષા શુક્લ જેવી જાણીતી કવિયત્રીઓના નામો અત્રે પ્રસ્તુત છે.

રાત્રી બેઠકો સંગીત, રંગમંચ અને શાસ્ત્રીય નૃત્ય વગેરે માટે આયોજિત કરાયેલી છે. જેમાં હિન્દી સાહિત્યકાર દિનકરજીની કૃતિ ’રશ્મિરથી’ ની નાટ્ય પ્રસ્તુતિ આ પ્રથમ દિવસે થશે.બીજા દિવસે રાત્રે બાંસુરી ને વીણાવાદન વિશ્વનાથ મોહન ભટ્ટ કરશે. ત્રીજા દિવસે શાસ્ત્રીય નૃત્ય, ગૌરી દિવાકર અને તૌફીક કુરેશી દ્વારા પ્રસ્તુત થશે અંતિમ બેઠકમાં કુચીપુડી નૃત્ય ગૌરીજી અને વૈકટેશકુમારની સંગીત પ્રસ્તુતિ થશે.

અંતિમ દિવસ હનુમાન જયંતી વિવિધ એવોર્ડની અર્પણવિધિ તલગાજરડા ખાતે ચિત્રકૂટધામમાં યોજાતી રહી છે. ૧૯ તારીખ નુ આ પર્વ કૈલાસ લલિતકલા અને અવિનાશ વ્યાસ એવોર્ડ માટે ગુલામ મહમદ શેખ તથા અનંત વ્યાસ ની પસંદગી થઇ છે. જેમની ચિત્રકલા અને સંગીત સાધના ના ઉપલક્ષમાં આજીવન તેમની સેવા ને ધ્યાનમાં લેવામાં આવી છે. નટરાજ એવોર્ડ બળદેવ નાયક ,ભરત યાજ્ઞિક ,નીતિશ ભારદ્વાજ  જેવા મહાનુભાવોને એનાયત થશે .જે તેમની અભિનય સેવાઓને અંકિત કરીને પુરસ્કૃત  કરવામાં આવશે. હનુમંત એવોર્ડ માટે ઉસ્તાદ ટ્રાફિક કુરેશી , વિશ્વનાથ ભટ્ટ ,ડો.રાજા -રાધા રેડી, પંડિત વૈકટેશકુમાર ને  તેમની આજીવન સેવાઓ અનુક્રમે તબલા, મોહન વિણા, કુચીપુડી નૃત્ય અને કંઠ્યસંગીત માટે પસંદગી થઇ છે. તમામ પુરસ્કારોમાં સવા લાખ રૂપિયાની પ્રસાદ રાશિ ,સૂત્ર માલા અમે પ્રશસ્તી પત્ર અર્પણ થાય છે. કોઈ સાધુનો સમત્વ દેણગીમાં સમાહિત હોય તેવા અપવાદો ખૂબ ઓછા છે . પૂ.મોરારીબાપુ તેમા ઊંચા આસને બિરાજમાન છે,એ પણ એક વિરલ ઘટના છે.જોકે એવોડૅના કેટલાક નામો રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં મહત્વના હોય છે. તેથી ગુજરાત માટે તેઓ ઓછા જાણીતા હોય તે સ્વાભાવિક છે. પરંતુ તેમની સેવાઓ ને મહિમાવંત કરવા નો આ મંગળ અવસર દૂરગામી ’હનુમાન કૂદકા ’તરીકે આલેખી શકાય.

પુ.  મોરારીબાપુ વિશ્વના ટોચના વક્તાઓ પૈકીના એક હોવા છતાં એક ઉત્તમ શ્રોતા તરીકે તેમની ભૂમિકા અહીંયા હંમેશા પસ્તુત, દૈદિપ્યમાન રહી છે .જે સમાજને ખૂબ મોટો સંદેશો પૂરો પાડતી રહી છે . બાપુ ના આ અનુષ્ઠાનને ભારતવર્ષ હંમેશા શત શત નમન કરતું રહેશે તે નિર્વિવાદ છે !!આ આખો કાર્યક્રમ આસ્થા ચેનલ ના માધ્યમથી સમગ્ર વિશ્વમાં પ્રસારિત થતો રહે છે.

Previous articleગુજરાત : ભાજપ-કોંગ્રેસના ૨૬ ઉમેદવાર જાહેર
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે