સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનો વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રારંભ

1107
guj912018-10.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સૌ પ્રથમ વાર યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર સંતોષ ટ્રોફી ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ ૭રમી રિલાયન્સ નેશનલ સિનીયર ચેમ્પીયનશીપની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ અમદાવાદ ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાઇ રહી છે.
મુખ્યમંત્રીએ ફૂટબોલના ખેલાડીઓને પ્રેરણા આપતા સ્વામી વિવેકાનંદના કથનનું સ્મરણ કરતા જણાવ્યું કે તેઓ કહેતા કે, ગીતાના પાઠનો બોધ લેવા ફૂટબોલના મેદાનમાં જવું જોઇએે. વિજયભાઇ રૂપાણીએ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓને આ કથન આત્મસાત કરવા આહવાન કર્યુ હતું.  ગુજરાતના વૈશ્વિક વિકાસની સાથોસાથ રમતગમત ક્ષેત્રે પણ  ગુજરાત અવ્વલ રહે તે માટે તત્કાલિન મુખ્ય મંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભ અને ખેલે ગુજરાત દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે અને તે માટે ખેલાડીઓને અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે સ્ટેડિયમો પણ નિર્માણ કર્યા છે.  સંતોષ ટ્રોફીની શરૂઆત ૧૯૪૧માં બંગાળથી થઇ હતી. જે રમત આજે વિશ્વ વિખ્યાત બની ગઇ છે. તેમણે આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓને ગુજરાતની જનતા વતી શુભેચ્છા પાઠવીને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીએ ફૂટબોલને કીક મારીને આ ટુર્નામેન્ટનો પ્રાંરંભ કરાવ્યો હતો.  ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલી આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ૭ ટીમોએ ભાગ લઇ રહ્યા છે. જેમાં ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિવ-દમણ તથા ગુજરાત સહિતની ટીમના ખેલાડીઓ ટુર્નામેન્ટ રમશે. આ ટુર્નામેન્ટ આગામી ૧૩મી જાન્યુઆરી, ૨૦૧૮ સુધી ચાલશે અને ટુર્નામેન્ટમાં વિજેતા થનારી ટીમ આંતરરાષ્ટ્રિય કક્ષાએ ભાગ લેશે.  આ પ્રસંગે રમત ગમત રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય જગદીશભાઇ પંચાલ,  સુરેશભાઇ પટેલ, ગુજરાત ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ધનરાજભાઇ નથવાણી, ટ્રાન્સટેડિયાના  ઉદીત શેઠ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તથા રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. 

Previous articleકુંવરજી બાવળિયાને વિ૫ક્ષી નેતા ના બનાવતા કોળી સમાજ કોંગ્રેસથી નારાજ
Next articleરાષ્ટ્રીય નિકાસના યોગદાનના સંદર્ભમાં ગુજરાત એક અગ્રગણ્ય રાજ્ય : નીતિનભાઈ